ધર્મતેજ

હું મારા આરાધ્ય ભગવાન રામની ભક્તિ કરું છું: શિવ

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
દેવરાજ ઇંદ્ર: ‘દયા કરો પ્રભુ, તમે જે કહેશો તેમ કરીશ, મને માફ કરો. મને એક અવસર આપો.’
દેવરાજ ઇંદ્રને ભગવાન શિવના ચરણોમાં પડેલો જોઈ પાછળ દોડી રહેલો અગનગોળો સ્થિર થઈ જાય છે.

ભગવાન શિવ: ‘૧૦૦ અશ્ર્વમેધ યજ્ઞ કર્યા બાદ ઇંદ્ર બનવાનો અવસર મળે છે, ફક્ત આ એક વિશેષતા પર તમે ઇંદ્ર ન બની શકો, સત્તા અને ધન મળ્યા બાદ પણ પોતાની બુદ્ધિને સ્થિર રાખી શકે તો જ ઇંદ્ર બની શકો. તમારામાં આ બધા જ ગણો હતાં પણ આ બધા ગુણોનો ત્યાગ કર્યો છે. તમે તમારા પદની ગરિમા, મહત્તા અને મર્યાદાને પણ ભૂલી ગયા છો. દાન, ધર્મ અને પરોપકાર કરનારાને જ દેવેન્દ્ર કહેવાય છે. આજે તમે તમારા આ બધા ગુણોથી વિપરીત કાર્ય કર્યું, તમે તમારા કાર્યની સીમા ઇંદ્રાસનને સુરક્ષિત રાખવા પૂરતા જ રાખ્યાં છે, તમે તમારા અહંકારમાં એટલા ડૂબેલા છો કે તમારું પતન નિશ્ર્ચિત છે.’

દેવરાજ ઇંદ્ર: ‘પ્રભુ મેં કરેલા પાપો અને અહંકારથી મુક્તિ કઈ રીતે મળી શકે.’

ભગવાન શિવ: ‘તમે જીવીત રહેવા માગતા હો તો તમારે પોતાના અહંકારનો વિનાશ પોતે જ કરવો પડશે અને ફરી ૧૦૦ અશ્ર્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય ઉપાર્જન કરવું પડશે.’
દેવરાજ ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિ ભગવાન શિવના આશીર્વાદ લઈ ત્યાંથી વિદાય લે છે. ભગવાન શિવ પોતાના નેત્રમાંથી નીકળેલી ક્રોધાગ્નિને દરિયા દેવને સમર્પિત કરે છે. દરિયા દેવ એ ક્રોધાગ્નિને પોતાના પેટાળમાં સમાવી લે છે.


ઘણા સમય બાદ ભગવાન શિવ કૈલાસ ખાતે પરત ફરતાં શિવગણોમાં ઉત્સાહ આવે છે અને તેઓ ભગવાન શિવનો જયજયકાર કરવા માંડે છે. ભગવાન શિવ તેમને ચૂપ રહેવાનું કહે છે અને પોતાના તપમાં લીન થઈ જાય છે. માતા પાર્વતીને સમાચાર મળતાં તેઓ પણ ભગવાન શિવ સમક્ષ ઉપસ્થિત થાય છે. તેઓ જુએ છે કે ભગવાન શિવ તપમાં લીન છે. માતા પાર્વતી ભગ્ન હૃદયે તેમના ચરણ સમક્ષ આસન બિછાવી આરાધનામાં લીન થાય છે. માતા પાર્વતી આરાધનામાં લીન થતાં તેમની આંખમાંથી જળની ધારાઓ ફૂટવા માંડે છે. આ ધારા ભગવાન શિવના ચરણ પર પડતાં તેઓ તપમાંથી બહાર આવે છે. જુએ છે કે માતા પાર્વતીની આંખમાંથી જળની ધારાઓ તેમને ભીનવી રહી છે.

ભગવાન શિવ: ‘પાર્વતી ઊઠો..’
ભગવાન શિવનો મધુર સ્વર સાંભળતાં જ માતા પાર્વતી અને શિવગણો તેમના આશીર્વાદ લે છે.

માતા પાર્વતી: ‘સ્વામી, તમે ઘણાં સમય સુધી તપમાં લીન રહો છો, મને એ કહો કે તમે તપમાં કોની ભક્તિ કરો છો.’
ભગવાન શિવ: ‘હું મારા આરાધ્ય ભગવાન રામની ભક્તિ કરું છું.’

માતા પાર્વતી: ‘ભગવાન રામ… આ ભગવાન રામ કોણ છે? મને એમના વિશે જણાવો.’

ભગવાન શિવ: ‘ભગવાન રામ ભગવાન ત્રેતાયુગમાં શ્રી હરિ વિષ્ણુનો માનવ અવતાર હશે.’

માતા પાર્વતી: ‘સ્વામી શું તમે મને ભગવાન વિષ્ણુના અવતાર અને યુગો વિશે માહિતી આપશો.’

ભગવાન શિવ: ‘શ્રીહરિ વિષ્ણુ અલગ અલગ યુગોમાં અલગ અલગ માનવ અવતાર લેશે. પ્રથમ સતયુગમાં મત્સ્ય, હયગ્રીવ, કુર્મ, વારાહ અને નરસિંહ અવતાર લેશે, તેમના સતયુગના દરેક અવતાર અમાનવીય હશે. ત્યારબાદ શ્રીહરિ વિષ્ણુ ત્રેતાયુગમાં વામન, પરશુરામ અને ભગવાન શ્રી રામ તરીકે અવતાર લેશે. ત્રેતાયુગમાં શ્રીહરિ વિષ્ણુ વામન અવતાર લઈ રાજા બલિનો ઉદ્ધાર કરશે, ત્યારબાદ પરશુરામ તરીકે હયય ક્ષત્રિયોનો વિનાશ કરશે અને ત્રેતાયુગના અંતમાં ભગવાન રામ તરીકે અવતાર લઈ દશાનન રાવણનો સંહાર કરી સમગ્ર અસુરોનો વિનાશ કરશે ત્યારબાદ આવનારા દ્વાપરયુગમાં શ્રીહરિ ભગવાન શ્રીકૃષ્ણ તરીકે યાદવ વંશમાં અવતાર લઈ કંસ જેવા દુષ્ટોનો વિનાશ કરી મહાભારતના યુદ્ધમાં ગીતાનો ઉપદેશ આપી પુન: ધર્મની સ્થાપના કરશે. ત્યારબાદ છેલ્લા કલિયુગમાં તેઓ ભગવાન બુદ્ધ તરીકે અવતાર લઈ ધર્મની પુન:સ્થાપના કરશે અને અંતે કલિયુગના અંતમાં મનુષ્ય જાતિના ઉદ્ધાર માટે ભગવાન કલ્કિ અવતાર લઇ અધર્મિયોનો વિનાશ કરી ધર્મની રક્ષા કરશે.’

માતા પાર્વતી: ‘સ્વામી હું ભગવાન રામનું
જીવનવૃત્તાંત સાંભળવા માગું છું, કૃપા કરીને મને જણાવશો.’

ભગવાન શિવ: ‘ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ તરીકે વિખ્યાત થશે. બ્રહ્માજીના પુત્ર દરીચી, દરીચીના પુત્ર મહર્ષિ કશ્યપના વંશથી જે સૂર્યવંશ થશે તેમાં ઈક્ષવા કુળમાં રાજા દશરથના ચાર પુત્રમાંના પ્રથમ પુત્ર તરીકે શ્રીરામનો જન્મ થશે. ભગવાન રામ તેમના ત્રણ ભાઈ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન કિશોરાવસ્થામાં ગુરુ વશિષ્ઠ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરશે. કિશોરાવસ્થામાં ઋષિ વિશ્ર્વામિત્ર ભગવાન રામ અને લક્ષ્મણને સાથે વનમાં લઈ જશે અને ભગવાન રામ રાક્ષસી તાડકાનો વધ કરી મારિચને પલાયન થવા મજબૂર કરશે. વનમાં સમગ્ર અસુરોનો વિનાશ થતાં ઋષિ વિશ્ર્વામિત્ર રાજા જનકની પુત્રી સીતાના સ્વયંવરમાં લઈ જશે. આ સ્વયંવરમાં મારા એક ધનુષની પ્રત્યંચા ચઢાવનાર શૂરવીર સાથે સીતાના લગ્ન કરવામાં આવશે. સંસારના દરેક રાજાઓ ધનુષ્યની પ્રત્યંચા ચઢાવવાની કોશિષ કરશે પણ તેઓ
ધનુષ્યને હલાવી પણ નહીં શકે. ત્યારે ઋષિ વિશ્ર્વામિત્રની આજ્ઞા મળતાં
ભગવાન રામ એ ધનુષ્યની પ્રત્યંચા ચઢાવવા જતા એ ધનુષ તૂટી જશે અને ભગવાન રામ અને સીતાના લગ્ન પૂર્ણ થશે, સીતાની અન્ય બહેનો લગ્ન ભગવાન રામના ભાઈઓ સાથે થશે. રાજા દશરથ વાનપ્રસ્થ તરફ વધી રહ્યા હોવાથી તેઓ ભગવાન રામને રાજ્યનો ભાર સોંપવા તૈયાર થશે, પણ રાજ્યાભિષેની આગલી રાતે ભગવાન રામને ૧૪ વર્ષનો વનવાસ મળશે અને તેઓ જાનકી સીતા અને લક્ષ્મણ સાથે વનવાસ ભોગવશે. એ દરમિયાન દશાનન રાવણ જાનકી સીતાનું અપહરણ કરશે. જાનકી સીતાને શોધવા અને સંપૂર્ણ રાક્ષસ કુળનો અંત કરવા હું રૂદ્ર રૂપ ધારણ કરી તેમનો સેવક બનીશ અને જાનકી સીતાની ભાળ મેળવી દશાનન રાવણ અને સંપૂર્ણ રાક્ષસ કુળનો અંત કરી ભગવાન શ્રીરામ પરત અયોધ્યા ફરી રામરાજ્યની સ્થાપના કરશે. અંતમાં હું તમને એ કહેવા માંગું છું કે ‘રામ’ માત્ર નામ નથી. તેનું મહત્ત્વ ઊંડું છે, તેનો પોતાનો મહિમા અને શક્તિ છે. રામ નામ લેતાની સાથે જ મનમાં પ્રસન્નતા ઉભરી આવે છે. રામ નામ કલિયુગમાં સૌથી મધુર અને સૌથી લોકપ્રિય ઉચ્ચારણ હશે, જીવનના સાગરને પાર કરવા માટે પ્રેમ અને શ્રદ્ધા સાથે રામ નામનો જાપ કરવાથી જીવનની સમસ્યાઓને દૂર કરવાની શક્તિ મળશે કળિયુગમાં જે અડગ ભક્તિ સાથે પ્રાર્થના કરશે તે પરમ જ્ઞાન મેળવી શકશે અને રામનામના જાપથી જન્મ-મરણનાં ફેરાથી મુક્ત થશે. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…