શિવ રહસ્યઃ મારા ભક્તોને જે રંજાડશે તેને હું અવશ્ય દંડ આપીશ

ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
માતા સરસ્વતીના ફૂલથી પૃથ્વીલોક પર પડતાં જ ગજાસુર વધુ ક્રોધિત થાય છે અને માતા લક્ષ્મીને હાનિ પહોંચાડવાની તૈયારી કરે છે. આકાશમાર્ગથી જઈ રહેલા દેવર્ષિ ગજાસુરને કહે છે કે, તમે દેવી સરસ્વતીને પાઠ ભણાવવાની કોશિશ તો કરી જોઈ ત્યાર બાદ પરિણામ શું આવ્યું તે મને ખબર છે. હવે તમારે સમજી જવું જોઈએ અને અસુર પરિવારના ઉત્થાન માટે કામ કરવું જોઇએ. પણ હઠી ગજાસુર સમજતો નથી અને કહે છે કે હું મારા પિતાની હત્યાનો બદલો અવશ્ય લઈશ.
ગજાસુરને સમજાવી ન શકતાં દેવર્ષિ નારદ કૈલાસ પહોંચે છે અને ભગવાન શિવને કહે છે, પ્રભુ હું હાલમાં જ ગજાસુરને મળીને આવ્યો છું, એ માતા સરસ્વતીના હાથે પછડાયો હોવા છતાંય માતા લક્ષ્મીને દંડિત કરવાની તૈયારી કરી રહ્યો છે. ભગવાન શિવ કહે છે, દેવર્ષિ, તમે ફિકર કરશો નહીં, તમે ફક્ત કાશીના બ્રાહ્મણોને યજ્ઞ કરવાની સલાહ આપતા રહો, જેથી ત્યાંના બ્રાહ્મણો અવિરત યજ્ઞ સેવા કરતા રહે. ગજાસુરનો વધ નિશ્ચિત છે.
ભગવાન શિવની આજ્ઞા થતાં જ દેવર્ષિ નારદ કાશી પહોંચે છે અને બ્રાહ્મણશ્રેષ્ઠ વિનોદરાયને કાશી નગરીમાં અવિરત યજ્ઞ સેવા ચાલુ રહેવાની જવાબદારી સોંપે છે. વિનોદરાય દ્વારા કાશીના બ્રાહ્મણોને શિવઇચ્છાની જાણ કરાતાં તેઓ નાના નાના સમૂહમાં અસંખ્ય યજ્ઞની શરૂઆત કરે છે. બીજી તરફ ગજાસુર ક્ષીરસાગર પહોંચે છે. જુએ છે કે અગાધ મહાસાગરમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ શેષશૈયા પર નિદ્રાધીન છે. તેમની પાસે માતા લક્ષ્મી વિરાજમાન છે. ગજાસુર માતા લક્ષ્મી પર ફરસીથી હુમલો કરે છે.
માતા લક્ષ્મી પણ પોતાના અસ્ત્રથી ગજાસુર પર હુમલો કરે છે. માતા લક્ષ્મીનું અસ્ત્ર ગજાસુરના હાથ, પગ અને માથું શરીરથી છૂટું કરી નાખે છે, પણ બ્રહ્મદેવનું વરદાન એના અંગો જોડી દેતાં માતા લક્ષ્મી ક્રોધિત થાય છે અને ફૂંક મારતાં જ ગજાસુર ફરી પૃથ્વી પર પટકાય છે. ફરી પટકાયેલો ગજાસુર લપાતો છુપાતો કૈલાસ પર્વત પર પહોંચે છે. જુએ છે માતા પાર્વતી રસોઈમાં વ્યસ્ત છે. કંઈ જ ન બોલતાં એ માતા પાર્વતી પાસે જવાની કોશિષ કરે છે. એ જોઈ ભગવાન ગણેશ પોતાની સૂંઢથી ઊંચકીને ઉછાળે છે. ઉછળેલો ગજાસુર ફરી પૃથ્વી પર પટકાય છે.
આ વખતે વધુ ગતિથી પટકાતાં ગજાસુરના શરીરના હાડકાંનો ભૂક્કો બોલાઈ જાય છે. પટકાયેલો ગજાસુર પોતાના શરીરનો ભાર પણ ઊંચકી ન શકતાં અસુર સૈનિકો તેને અસુરગુરુ શુક્રાચાર્ય પાસે લઈ જાય છે. ગજાસુર શુકાચાર્યને કહે છે કે, ગુરુદેવ મારી આ અવસ્થા દેવી પાર્વતીએ નથી કરી, કોઈ ગજમુખધારી દેવતાએ કરી છે.
શુકાચાર્ય: ગજાસુર હું મારી શક્તિથી તમને ફરીવાર પહેલાંની જેમ શક્તિશાળી બનાવી દઈશ. મેં તમને પહેલા પણ કહેલું કે ત્રિદેવીઓ સાથે ટકરાશો નહીં.
ગજાસુર: ગુરુદેવ જો મારી પાસે વરદાની શક્તિ હોય અને હું મારા પિતાની હત્યાનો બદલો ન લઈ શકું તો એ વરદાનનો ફાયદો શું.
શુક્રાચાર્ય: વરદાની શક્તિનો ફાયદો લેવો હોય તો કાશી જાઓ અને ત્યાંના બ્રાહ્મણોને યજ્ઞ કરતાં રોકો અને વરદાનનો ફાયદો મેળવો.
આ પણ વાંચો…શિવ રહસ્ય : દેવર્ષિ હું વરદાની છું મને સમજાવવાની કોશિશ ના કરો, પિતાની હત્યાનો બદલો અવશ્ય લઈશ!
શુક્રાચાર્યનો આદેશ મળતાં જ ગજાસુર કાશી પહોંચે છે અને ત્યાંના બ્રાહ્મણોને યજ્ઞ કરતાં રોકવાં સૌથી મોટા યજ્ઞકુંડ પાસે પહોંચે છે અને મહાકાય રૂપ ધારણ કરે છે.
ગજાસુર: બધા બ્રાહ્મણો યજ્ઞ બંધ કરે.
વિનોદરાય: હે બ્રાહ્મણો આપણે શિવઆજ્ઞાથી આ યજ્ઞ કરી રહ્યા છીએ, તમારો યજ્ઞ અવિરત ચાલુ રાખો, ભગવાન શિવ આપણી રક્ષા કરશે.
ગજાસુર: પાખંડી બ્રાહ્મણો હું તમને ચેતવણી આપું છું, તમે જો યજ્ઞ બંધ નહીં કરો તો હું તમને દંડ આપીશ, જો તમે યજ્ઞ બંધ કરી મારા દાસ બનશો તો હું તમને અભયદાન આપીશ.
બ્રાહ્મણો ચેતવણી ન સાંભળતાં ગજાસુર ક્રોધિત થાય છે અને વિનોદરાય સાથે બેસેલા બ્રાહ્મણોના સમૂહને ઊંચકીને યજ્ઞ કુંડમાં આહુતિ આપે છે. આ જોઈ બીજા બ્રાહ્મણો ગભરાઇ જાય છે અને દોડધામ કરે છે. ગજાસુર તેના મહાકાય પગથી બધા બ્રાહ્મણોને કચડી નાખે છે. કાશીમાં હાહાકાર મચી જાય છે.
બીજી તરફ દેવર્ષિ નારદ, દેવરાજ ઈન્દ્ર સહિત દેવગણો કૈલાસ પહોંચે છે.
દેવર્ષિ નારદ: પ્રભુ કાશીના બ્રાહ્મણોની રક્ષા કરો, મેં જ કાશીના બ્રાહ્મણોને શિવ ઇચ્છા જણાવી હતી. તેઓ યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે જ ગજાસુરે તેમનો વધ કર્યો છે. દેવાધિદેવ ગજાસુરને દંડ કરો.
ભગવાન શિવ: દેવર્ષિ સમય આવી ગયો છે, ગજાસુર હું અવશ્ય દંડ આપીશ.
આટલું કહેતાં ભગવાન શિવ ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. ભગવાન શિવ કાશી પહોંચે છે. તેઓ મૃત બ્રાહ્મણો પર મૃત્યુંજય જળ છાંટતાં જ તેઓ જીવીત થઇ જાય છે. વિનોદરાય સહિત યજ્ઞકુંડમાં આહુતિ અપાયેલા બ્રાહ્મણો પણ યજ્ઞકુંડમાંથી જીવંત પરત ફરે છે.
કાશીના દરેક બ્રાહ્મણો ભગવાન શિવના સાક્ષાત દર્શન કરતાં ભગવાન શિવનો જય જયકાર કરે છે. આ જયજયકાર સંભળાતા ગજાસુર ત્યાં આવી પહોંચે છે. બ્રાહ્મણોને ફરી જીવંત જોઈ ભગવાન શિવ પર ક્રોધિત થાય છે.
ગજાસુર: ઓહ તો તમે અમારા અસુરોના આરાધ્ય ભગવાન શિવ છો. હું તમને વિનંતી કરું છું કે અમે પણ તમારા ભક્ત છીએ અને આ બ્રાહ્મણો પણ આપના ભક્ત છે. તમે અમારા વચ્ચે ન આવો.
ભગવાન શિવ: ગજાસુર તમે આવી વાત નહીં કરી શકો, મારા ભક્તોને જે રંજાડશે તેને હું અવશ્ય દંડ આપીશ.
ગજાસુર: પ્રભુ અમે પણ તમારા ભક્ત છીએ, અમારા મતભેદ અમે ઉકેલીશું, પણ જો તમે અમારી વચ્ચે આવશો તો તમે પણ મારા ક્રોધના ભાગી બનશો.
ભગવાન શિવ: ગજાસુર હું તમારી બધી શક્તિઓ પરત લઉ છું, તમારી ઊંચાઈ સામાન્ય થઈ જાય. ભગવાન શિવના શબ્દથી મહાકાય ગજાસુર સામાન્ય માનવી જેટલો થઈ જાય છે. બ્રાહ્મણો ભગવાન શિવનો જયજયકાર કરે છે.
ગજાસુર: ભગવાન શિવ તમે અન્યાય કરી રહ્યા છો, મેં મેળવેલાં વરદાની શસ્ત્રો મારી પાસે છે. હવે તમને કોઈ બચાવી નહીં શકે.
(ક્રમશ:)
આ પણ વાંચો…શિવ રહસ્ય : શું મારા પિતાનો વધ કરવામાં સરસ્વતી, લક્ષ્મી ને પાર્વતીનો સહકાર હતો?