ધર્મતેજ

હોળી-ધુળેટી ઈશ્વરમાં આસ્થાની પરાકાષ્ઠા

મનન -હેમુ-ભીખુ

હોળી એટલે પોતાની આગોશમાં દરેક અનિષ્ટનું નાશ કરનાર અગ્નિની આરાધનાનું પર્વ. હોળી એટલે ઈશ્વરની શક્તિની જીતનું પર્વ. હોળી એટલે અહંકાર સામે ભક્તિનો વિજય. હોળી એટલે એક બાળકની નિર્દોષતા તપસ્યાને આલેખતી ઘટના. હોળી એટલે તપનનું મહત્ત્વ સમજાવતી હકીકત.

સનાતની સંસ્કૃતિના દરેક સંતાનને પ્રહલાદ અને હોલિકાની વાતની જાણકારી હોય છે. તેથી અહીં તેને આલેખવાની જરૂર નથી. ટૂંકમાં એમ કહેવાય કે દૈત્ય રાજ હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ વિષ્ણુ ભક્ત હતો. પિતાને તે માન્ય ન હતું. લાખ સમજાવટ પછી પણ પ્રહલાદ દ્વારા વિષ્ણુ-સ્મરણ ન છોડાતા નિષ્ઠુર પિતાએ બાળક પ્રહલાદનો વધ કરવા માટે પ્રયત્નો કર્યા. આમાં નિષ્ફળ જતાં આખરી ઉપાય તરીકે પોતાની બહેન હોલિકાની મદદથી પ્રહલાદને અગ્નિને સમર્પિત કરી દેવાનો નિર્ણય કર્યો. આ પ્રક્રિયામાં ભક્ત પ્રહલાદ તો કોઈપણ પ્રકારના દહન વગર હેમખેમ રહ્યો, પરંતુ હોલિકા ભસ્મીભૂત થઈ ગઈ. ઇતિહાસની આ ઘટનાથી ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢતાને પામે છે. પોતાના ભક્તની રક્ષા ખાતર ઈશ્વર સૃષ્ટિના – પ્રકૃતિના નિયમોમાં પણ અપવાદ સર્જવા તૈયાર હોય છે તેમ સ્થાપિત થાય છે. જ્યાં સુધી ભક્ત પૂરેપૂરી શ્રદ્ધાથી ઈશ્વરને સમર્પિત રહે ત્યાં સુધી તેના અસ્તિત્વમાં કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડવાનું સામર્થ્ય કોઈમાં નથી હોતું, તે બાબત અહીં સ્પષ્ટ થાય છે. હોલિકા પાસે વરદાન પામેલી સાડી હોવા છતાં – ભક્તના વિનાશ માટે વરદાન પામેલી ચીજ વસ્તુઓ પણ વ્યર્થ બની રહે છે. અહીં એ પણ સ્થાપિત થાય છે કે અગ્નિ અર્થાત્‌‍ પાવક, શુદ્ધ બાબતને વધુ શુદ્ધતા બક્ષે છે અને અશુદ્ધ બાબતને ભસ્મમાં રૂપાંતરિત કરી દે છે. મા ગંગાનું અવતરણ પાપની શુદ્ધતા માટે છે તો અગ્નિ એ ભૌતિક શુદ્ધતા માટે છે. અગ્નિ એ એક એવી ઘટના છે કે જેમાંથી પસાર થયા બાદ અશુદ્ધિ ચોક્કસ નાશ પામે. ગંગા પાપનો નાશ કરે જ્યારે અગ્નિ પાપીનો જ નાશ કરી દે. સનાતની ઇતિહાસમાં એવા ઘણા પ્રસંગો આ લેખમાં આપ્યા છે કે અગ્નિ દ્વારા ભક્ત તથા નિષ્પાપનો નાશ નથી કરાવતો. સૌરાષ્ટ્રના એક કુંભાર ભક્ત દ્વારા અજાણતાથી, નીભાડામાં બિલાડીના બચ્ચાં હોય છે ત્યારે તેને અગ્નિને આધીન કરાય છે; પણ અંતે તો તે બચ્ચાં હેમખેમ રહે છે. હોલિકા દહનના પ્રસંગે સ્થાપિત થયેલ બાબત કળિયુગમાં પણ એટલી જ સાર્થક છે. પ્રહલાદ, જે તે સ્વરૂપે આજે પણ રક્ષણ પામે છે.

ગીતામાં એમ કહેવાયું છે કે આત્માને કોઈ બાળી શકતું નથી. પણ અહીં તો એમ સ્થાપિત થાય છે કે ભક્તના શરીરને પણ કોઈ બાળી શકતું નથી. સાચી વાત છે ભક્તને કોઈ શસ્ત્ર વિંધી શકતું નથી, ભક્તને પવન સૂકવી શકતો નથી અને ભક્તને પાણી ભીંજવી શકતું નથી. ભક્તને જો કોઈ બાળી શકે તો તે છે ઈશ્વરનો વિરહ. ભક્તને જો કોઈ વીંધી શકે તો તે છે ભક્તિની કૃપા. ઈશ્વરભક્તિમાં ભક્ત સ્વયં સુકાતો જાય, સુકાવા માટે તેને અન્ય કોઈ માધ્યમ કારગત નથી. એવી જ રીતે ભક્ત પોતાના સમર્પણ ભાવથી ઉદ્ભવતા આંસુઓથી સ્વયં ભીંજાય. ગીતામાં કહેવાયેલી વાત હોળીના પ્રસંગથી અન્ય સ્વરૂપે પણ આલેખાઈ જાય છે. આ એક મજાની ઘટના છે.

મોટી ઉંમરમાં જ ઈશ્વર ભક્તિ થઈ શકે, એ વાતનું અહીં ખંડન થાય છે. નિર્દોષ બાળક પણ પૂરેપૂરા સમર્પણથી ઈશ્વરની કૃપા પામી શકે, તેમ અહીં સ્થાપિત થાય છે. ઈશ્વર પોતાની કૃપા વરસાવવા `કુળ’ પણ નથી જોતો, તે તો માત્ર ભક્તિમાં તલ્લીનતાને જ પ્રાધાન્ય આપે છે. ભક્તિ દરેકને સાધ્ય છે, તેઓને વિશ્વાસ અહીં મળે છે. કટોકટી ભરેલી સ્થિતિમાં પણ ઈશ્વર સ્મરણ છોડવામાં ન આવે તો ઈશ્વર સહાય કરતો જ હોય છે, તે શ્રદ્ધા અહીં પુન:સ્થાપિત થાય છે. એક રીતે જોતા હોળીનો પ્રસંગ ઘણા માટે પ્રેરણાદાયી બની શકે. ઈશ્વરને ત્યાં બધાનો પ્રવેશ સંભવ છે, ઈશ્વર બધા માટે છે.

ગીતામાં કહેવાયા પ્રમાણે અનન્ય ચિંતનથી જે કોઈ ઈશ્વરનું સ્મરણ કરે તેના યોગક્ષેમની ચિંતા સ્વયં ઈશ્વર કરે. ભક્તે તો માત્ર સમર્પિત થઈ જવાનું હોય છે. બધું જ ઈશ્વર પર છોડી માત્ર તેને શરણે જવાનું હોય છે. ઈશ્વર સાથેના પ્રવાસમાં, મહદઅંશે સગાંવહાલાં કે કુટુંબ કબીલા કામમાં નથી આવતા – ક્યાંક તેઓ અવરોધ સમાન બની રહે છે. આ બધા પ્રકારના બંધનથી – આ બધા પ્રકારની મર્યાદાથી છુટકારો શક્ય છે તેમ હોલિકા-પ્રહલાદના પ્રસંગ પરથી સમજી શકાય છે – સ્થાપિત થાય છે.

આ દિવસે પ્રગટાવેલી હોળીમાં પ્રસાદીની વસ્તુઓની માત્ર આહુતિ આપવાની નથી હોતી, તે દિવસે તો હોળીમાં સર્વે કુકર્મોની આહુતિ આપવાની હોય છે. અહીં હોળીની આસપાસ માત્ર પ્રદક્ષિણા નથી કરવાની હોતી, પણ અગ્નિની સાક્ષીએ અગ્નિમાં હાજર ઈશ્વરીય તત્ત્વ તરફ અનુગ્રહ દર્શાવવાનો હોય છે. તે દિવસે હોળીમાં શ્રીફળ હોમવાનું નથી હોતું. પરંતુ મસ્તક રૂપ શ્રીફળમાં જે અહંકાર રૂપ પાણી ભરાયેલું હોય છે તેને બાળી નાખવાનું હોય છે. હોળીના દિવસે ખવાતાં ધાણી તથા ખજૂર પણ સરળતા અને સાત્વિકતા દર્શાવે છે.

હોળી એ માત્ર એક તહેવાર નથી, ભક્તિ અને આધ્યાત્મના પાઠ ભણાવતું સનાતની સંસ્કૃતિનું એક પ્રકરણ છે. હોળી દહન એ માત્ર એક પ્રસંગ નથી પણ જીવનમાં આધ્યાત્મિક વિશ્વાસ જગાવતો પ્રકાશ છે. હોળી પછીના દિવસે રંગ થકી જે આનંદ ઉજવાય છે તેમાં પણ શુદ્ધ સ્વીકૃતિનો ભાવ રહેલો હોય છે. હોળી એક પૂર્ણ પ્રતીક છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…