ધર્મતેજ

પરમાત્મા સર્વત્ર સમાનરૂપે વ્યાપ્ત છે, એને પ્રગટ કરવાની એક માત્ર વિધા છે – પ્રેમ

માનસ મંથન -મોરારિબાપુ

‘રામચરિતમાનસ’માં જે રૂપે મને પ્રેમનાં દર્શન થઈ રહ્યા છે, એ પ્રેમશાસ્ત્રની મુખ્યત્વે આ રામકથામાં ચર્ચા થશે. દેવસમાજ અને સમગ્ર પૃથ્વી ભગવાનને પોકારી રહ્યા હતા. અસુરોનો ત્રાસ વધી ગયો છે, આતંક ફેલાઈ ચૂક્યો છે, ચારે તરફ ભ્રષ્ટાચાર છે, ગોસ્વામીજી લખે છે-

अस भ्रष्टाचारा भा संसारा धरम सुनिअ नहिं काना ||
ચારે તરફ આવું વાતાવરણ છે ત્યારે આખી પૃથ્વી પોતાને મદદ કરવાને માટે શ્રીહરિને પોકારે છે. એ વખતે બધાં મળીને ભગવાનની સ્તુતિ કરીને પોકાર કરવા માટે ‘માનસ’માં તૈયાર થાય છે, ત્યારે ભગવાનને ક્યાં પોકારી શકાય એવી એક ચર્ચા થઈ. કોઈ કહે વૈકુંઠમાં, કોઈ કહે સાકેતમાં. એકમતિ ન થઈ, ત્યારે ભગવાન ક્યાં મળશે એવું બ્રહ્માજીએ શંકરને પૂછ્યું હતું, એ વખતે શંકરના મુખમાંથી નીકળેલી આ પંક્તિ છે, ‘જો આપ મને પૂછતા હો તો પરમાત્મા સર્વત્ર સમાનરૂપે વ્યાપ્ત છે, પરંતુ એને પ્રગટ કરવાની એકમાત્ર વિધા છે અને એનું નામ છે પ્રેમ. જો આપણામાં પ્રેમ હશે, તો પરમાત્મા અહીં પ્રગટ થશે.’ એ પંક્તિઓનો મેં આશ્રય કર્યો છે.

આવો, હવે આપણે વાણીને પવિત્ર કરવા માટે રામજન્મની ગાથા ગાઈએ અને નાથદ્વારામાં રામ પ્રાગટ્યનું ગાયન કરીએ. ભગવાન શિવ વેદવિદિત વટવૃક્ષની નીચે સહજાસનમાં બેઠા છે. પાર્વતી આવે છે. રામકથાની જિજ્ઞાસા કરે છે. કૈલાસની જ્ઞાનપીઠ પરથી શિવ પાર્વતીને કથા સંભળાવે છે. રામતત્ત્વ વિશે ખુલાસો કરતાં શિવ કહે છે, એ દશરથના પુત્ર છે જ, અવશ્ય; પરંતુ તત્વત્: રામ શું છે એ સાંભળો-
बिनु पद चलई सुनई बिनु काना |
      कर बिनु करम करई बिधि नाना ||
તુલસીજી રામને વૈશ્ર્વિક રૂપમાં પ્રસ્તુત કરે છે અને કહે છે, હે પાર્વતી, આવું બ્રહ્મતત્ત્વ મનુષ્યરૂપ લઈને ધરતી પર આવ્યું. ‘માનસ’માં રામના અવતારપૂર્વે રાવણના અવતારની કથા કહેવામાં આવી છે. સૂરજ નીકળતા પહેલાં રાત્રિ હોય છે, એટલા માટે પહેલાં નિશિચર વંશની કથા અને ત્યારબાદ સૂર્યવંશની કથા છે. રાવણ, કુંભકર્ણ, વિભીષણ બહુ જ તપ કરે છે. ઘણાં દુર્લભ વરદાનો પ્રાપ્ત કરે છે. રાવણ જ્યાં સૌંદર્ય જુએ છે, સમૃદ્ધિ જુએ છે એને લૂંટવા લાગે છે. યજ્ઞયાગ રોકે છે. રાવણે આતંક ફેલાવી દીધો. આખી ધરતી કાંપવા લાગી. ધરતીએ ગાયનું રૂપ લીધું. ઋષિમુનિઓ પાસે જઈને રોવા લાગી, ‘હે મહાત્મા, મને બચાવો.’ બધાં દેવતાઓ પાસે ગયાં. આખરે બધાં બ્રહ્માની પાસે ગયાં. હવે શું કરવું ? ત્યારે બ્રહ્માએ કહ્યું, આપણે સૌ મળીને એ પરમતત્ત્વને પોકારીએ જેથી એ જ આપણને કોઈ ઉપાય બતાવે; અને ત્યાં એક પ્રશ્ર્ન આવ્યો કે ભગવાનને ક્યાં પોકારવા ? બ્રહ્માએ શિવજીને પૂછ્યું, ત્યારે શિવજીએ બ્રહ્મસભામાં કહ્યું, જે પંક્તિ આપણને આ કથાનું કેન્દ્રબિંદુ બનાવી છે, એ ત્યારે ગાવામાં આવી છે. ગોસ્વમીજીએ લખ્યું-
हरि व्यापक सर्वत्र समाना |
प्रेम तें प्रगट होहिं मैं जाना ||
એ સમયે એ સભામાં શિવજીએ કહ્યું, ભગવાન વ્યાપક છે, સૌમાં સમાનરૂપે છે. આપણામાં જો પ્રેમ હશે તો પ્રભુ અહીં પ્રગટ થશે. આપણે સૌ એમને પોકારીએ. પ્રેમથી એમને પોકારીએ. બધા દેવતાઓ સ્તુતિ કરે છે. આકાશવાણી થઈ, ‘થોડું ધૈર્ય ધારણ કરો. હું ધરતી પર અયોધ્યામાં પ્રગટ થઈશ.’

પૂજ્યપાદ ગોસ્વામીજી, જ્યાં રામ પ્રગટ થવાના છે, એ અયોધ્યામાં આપણને લઈ જાય છે. અયોધ્યાનું સાર્વભૌમ સામ્રાજ્ય છે. અયોધ્યામાં સમ્રાટ રઘુકુલમણિ દશરથનું શાસન છે. કૌશલ્યાદિ રાણીઓનો પરિચય આપ્યો. આપણા જીવનમાં રામ પ્રગટ થઈ શકે એ માટે દામ્પત્ય કેવું હોવું જોઈએ એની એક ફોર્મ્યુલા તુલસીદાસજીએ બતાવી. માત્ર ત્રણ સૂત્ર, કૌશલ્યા અને દશરથ જેવું દામ્પત્ય હોય તો કોઈના પણ ઘરમાં રામ પ્રગટ થઈ શકે છે. ક્યારેક ક્યારેક લોકો મને પૂછે છે કે, ‘સંસારમાં આતંક છે, ભ્રષ્ટાચાર છે, આવું બધું ચાલે છે, તો હવે રામ ક્યારે પ્રગટ થશે ?’ હું કહું છું કે, રામ તો પ્રગટ થવા માટે સાકેતથી ઓલરેડી નીકળી ચૂક્યા છે, પરંતુ આકાશમાં ઘૂમી રહ્યા છે. એમને ક્યાંય દશરથ અને કૌશલ્યા નથી મળી રહ્યાં, એટલે એ રોકાયા છે અને આજે લોકોનું દામ્પત્ય બહુ જ બગડ્યું છે, એવી મારી ચિંતા સાથે તમે સહમત નથી ? કરવું શું ? ‘માનસ’કાર કહે છે, પુરુષ પોતાની પત્નીને પ્રેમ આપે, સ્ત્રી પોતાના પતિને આદર આપે અને પછી બંને મળીને પોતાના જીવનમાં થોડી ભગવદ્ ભક્તિ કરે. આ ત્રણ વસ્તુ હોય તો એમનાં ઘરમાં રામ પ્રગટ થાય છે; પરંતુ આટલું નથી થઈ રહ્યું !

     દશરથના મનમાં એક ગ્લાનિ છે. બુઢાપો આવી ગયો છે, પુત્ર નથી. ગોસ્વામીજીએ લખ્યું છે કે, રાજદ્વાર ગુરુદ્વાર ગયું. મારાં ભાઈ-બહેનો, જ્યારે ક્યાંયથી સમાધાન ન મળે ત્યારે કોઈને ખબર પણ ન પડે એ રીતે કોઈ બુદ્ધપુરુષ પાસે ચાલ્યા જવું. દશરથજી ગુરુના દ્વારે ગયા, ‘શું મારા ભાગ્માં પુત્રસુખ નથી?’ વશિષ્ઠજીએ કહ્યું, ‘રાજન, હું તો ક્યારનો પ્રતીક્ષા કરતો હતો કે આપ મારી પાસે આવીને અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા’ કરો તો બ્રહ્મને હું બાળક બનાવીને આપના આંગણામાં રમતાં કરી દઉં.’ શૃંગી ઋષિને બોલાવાયા, ભક્તિ સાથે યજ્ઞ કરાવ્યો. અંતિમ આહુતિમાં યજ્ઞકુંડમાંથી અગ્નિના રૂપમાં યજ્ઞપુરુષ બહાર આવ્યા. પ્રસાદનો ચરુ આપ્યો. રાજાએ પોતાની રાણીઓને યથાયોગ્ય પ્રસાદ વહેંચ્યો. દિવસો વીતવા લાગ્યા, હરિ ગર્ભમાં પધાર્યા છે. દિશાઓ પવિત્ર થવા લાગી. જીવમાત્રના મનમાં આનંદાનુભૂતિ થવા લાગી. યોગ, લગન, ગ્રહ, વાર, તિથિ, પંચાંગ અનુકૂળ થયાં. ત્રેતાયુગ, ચૈત્રમાસ, શુક્લપક્ષ, નૌમી તિથિ, અભિજિત, મધ્યદિવસ અને પાંચેય તત્ત્વો ભગવાનની સેવામાં હાજર થઈ ગયાં. પરમાત્માના પ્રાગટ્યની ક્ષણ નજીક આવે છે. અને એ બ્રહ્મતત્ત્વ, એ ભગવાન, એ ઈશ્ર્વર, એ પરમાત્મા મા કૌશલ્યાના ભવનમાં ચતુર્ભુજ રૂપ ધારણ કરીને પ્રગટ થાય છે. સૌને રામજન્મની વધાઈ.

સંકલન : જયદેવ માંકડ
(માનસ-પ્રેમ,૨૦૧૨)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…