ગીતા મહિમા: સહજતા

- સારંગપ્રીત
ગત અંકમાં આત્મનિયંત્રણને માનસિક તપ કહીને હવે ભગવાન કૃષ્ણ સહજતારૂપી માનસિક તપને સમજાવી રહ્યા છે.
આજના ઝડપી અને ટેક્નોલોજીથી ભરેલા યુગમાં દરેક વ્યક્તિ સફળતા અને પ્રગતિ માટે તીવ્ર દોડાદોડ કરે છે. પણ…માણસ થોડીવાર ઊભો રહીને પોતાને પૂછે કે શું હું શાંતિથી જીવું છું?, શું મારા સંબંધોમાં પ્રસન્નતા છે?, શું હું મારા સુખસ્વરૂપમાં જ જીવી રહ્યો છું?
આ પ્રશ્નો વિચાર માંગી લે એવા છે. કેમકે આજના સમયમાં માણસમાં આત્મશાંતિનો ઘણો અભાવ દેખાય છે. ભૌતિક સુવિધાઓ હોવા છતાં ઉંદર-દોડ તેમજ બુલેટ ટ્રેન જેવી જીવનશૈલીને કારણે આંતરિક તણાવ વધી રહ્યો છે. વ્યક્તિએ મોટા ઘરો, વાહનો, પદવીઓ તો મેળવી લીધી, પણ શાંતિ ગુમાવી દીધી છે.
આનું કારણ – આપણું મન અસહજ છે. જયારે મન અસહજ હોય તો બાહ્ય સુખ-સુવિધાઓ પણ અસહજ જ લાગશે. સહજ મન જીવનને સૌમ્ય બનાવે છે. આમ, સહજતા અને સૌમ્યભાવ સાચા સુખની ચાવી છે.
એક ખેડૂત રોજ સવારે ઉઠીને પોતાના ખેતરમાં જાય છે, માટીના સંગાથે સંવાદ કરે છે, અને સાંજે પોતાનું સાદું ભોજન કરીને આરામથી સુઈ જાય છે. તેની પાસે બહોળી ટેકનોલોજી નથી કે આધુનિક સુવિધાઓ નથી, પણ એ ખુશ છે કારણકે તેનું જીવન સહજ છે. એ જ તેના આત્માને શાંતિ આપે છે, કારણકે એ જીવનને હૃદયથી જીવે છે, દેખાવથી નહીં. તે જ વ્યક્તિ જીવનની નાની-નાની ખુશીઓમાં આનંદ પામે છે.
આમ, સહજતા એ માત્ર સાદગી નથી, પરંતુ એક દૃષ્ટિકોણ છે જ્યાં માણસ પોતાના સ્વરૂપમાં જીવવાનો પ્રયત્ન કરે છે. એ નકલી બનવાનો કે મોટાપણું દેખાડવાનો પ્રયત્ન કરતો નથી. આમ, સૌમ્યભાવ એટલે નમ્રતા, મૃદુતા અને સહાનુભૂતિ. આ બંને ગુણો માનવીને ન માત્ર સમાજમાં શ્રેષ્ઠ બનાવે છે, પણ તેને ભગવાનની નિકટ પણ લાવે છે. પરિણામે તે વ્યક્તિના વ્યક્તિત્વને શાંત અને મૃદુ બનાવે છે. આપણે બીજાની ભૂલને ગુસ્સાથી નહિ, પરંતુ સમજદારીથી આવકારી શકીએ ત્યારે એ સૌમ્યભાવ સાચો હોય છે.
એક શિક્ષક, જ્યારે વિદ્યાર્થીની ભૂલને ગુસ્સાથી નહિ, પરંતુ પ્રેમપૂર્વક સમજાવે છે, ત્યારે તે માત્ર શિક્ષક નહિ, એક માર્ગદર્શક બની જાય છે. એવું વર્તન જે બીજાને અપમાનિત ન કરે પણ ઉન્નતિ તરફ દોરી જાય એ સૌમ્યભાવ છે. ગુસ્સો, દંભ કે ટકરાવથી કોઈ સમસ્યા ઉકેલાય નહીં પણ શાંતિ અને સહકારથી ઉકેલી શકાય છે.
માતા પોતાના સંતાનના ગુસ્સા કે દુ:ખને શાંતરૂપે તટસ્થતા સાથે સહે છે, એ સૌમ્યભાવ વાલીને વધુ અસરકારક અને સૌહાર્દપૂર્ણ બનાવે છે. સૌમ્યભાવથી આપણે સંબંધોમાં સહકાર લાવી શકીએ છીએ અને આનાથી લોકો સાથેના વ્યવહારમાં સ્નેહ અને માનસિક સમજૂતી વધે છે. દરેક સંવાદ જ્યારે નમ્રતા અને મૈત્રીભાવથી થાય છે, ત્યારે પરિવારમાં કે સમાજમાં સુખદ વાતાવરણ બને છે. વર્કપ્લેસમાં પણ નમ્ર અને સહજ લોકો વધારે સફળ અને વિશ્વસનીય બનતા હોય છે.
ગીતા કહે છે- સત્ય, અહિંસા, ક્રોધનો અભાવ, ત્યાગ, શાંતિ અને દયા આ દૈવી ગુણો છે. જેમાં સૌમ્યભાવ અને સહજતા બધાનો આધાર છે.
ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને એ પણ કહે છે કે સાચો યોદ્ધા તે છે કે જે અંદરથી નિર્મળ છે, જેણે ક્રોધને જીત્યો છે અને જેના હૃદયમાં સૌમ્યભાવ છે. હા, સૌમ્યભાવ અને સહજતા કર્તવ્યહીનતા નથી. અર્જુને જ્યારે સૌમ્યભાવ દેખાડી કર્તવ્ય મૂકવાનો પ્રયાસ કર્યો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તેને સૌમ્યભાવ અને કર્તવ્યનો તફાવત સમજાવીને અને કર્તવ્યપથ બતાવ્યો. સૌમ્યભાવ એ છે જ્યારે વ્યક્તિ પોતાની શક્તિઓ હોવા છતાં પણ નમ્ર રહે છે.
આજે જ્યારે દુનિયા વધુ સ્વાર્થપ્રધાન બનતી જાય છે, ત્યારે આ ગુણો આપણને આત્મશાંતિ તરફ દોરી શકે છે. જ્યારે આપણે પોતે સહજ બનીએ, ત્યારે આપણું જીવન માત્ર આપણું નથી રહેતું પણ બીજાઓ માટે પણ આશા અને દિશા બની જાય છે.
પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે સહજતાથી જીવન જીવવું એ જ સાચું આધ્યાત્મિક જીવન છે. જ્યાં અહંકાર કે તણાવ નહિ પણ મમત્વ અને દયાળુતા હોય, ત્યાં ભગવાન વસે છે.
અહિંસા, કરુણા, સહનશીલતા, નમ્રતા અને ક્ષમા આ બધા ગુણો માણસાઈના આધાર છે. જ્યારે માણસ બીજાને માફ કરી શકે, મીઠી ભાષામાં વાત કરી શકે અને પોતાના ઈગોને કાબૂમાં રાખી શકે, ત્યારે જ એ આધ્યાત્મિક પ્રગતિ કરે છે. જ્યાં સહજતા હોય ત્યાં સૌમ્યભાવ હોય છે, જ્યાં સૌમ્યભાવ હોય ત્યાં દૈવી ગુણો હોય છે અને જ્યાં દૈવી ગુણો હોય ત્યાં જ ભગવાનનો વાસ થાય છે.
આપણ વાંચો: અલૌકિક દર્શન: બેટા શુકદેવ! મહારાજ જનક જ્ઞાનીઓના શિરતાજ છે



