ધર્મતેજ

દુહાની ગંગોત્રીરૂપ પ્રાકૃત ગાથાઓની રમણીય રૂપસૃષ્ટિ

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

દુહાની લગોલગ જેના બેસણાં છે એ સંસ્કૃત સુભાષ્ાિતોથી બધા બહુ પરિચિત છે. પણ ચમત્કૃતિના સંદર્ભે અને ઉપદેશથી મોટે ભાગે વેગળી શુદ્ધકવિતા જેવી પ્રાકૃત-અપભ્રંશ ગાથાઓથી આપણે લગભગ અપરિચિત છીએ. ઉક્તિની છટા કઈ કક્ષ્ાાની હોઈ શકે એનું ઉદાહરણ એ ગાથાઓ છે. દુહા કે સુભાષ્ાિતની માફક બે પંક્તિમાં ભારે મર્મપૂર્ણ દૃષ્ટિનો હૃદયસ્પર્શી પરિચય કરાવતી ગાથાઓ ઈસવીસન પૂર્વેની લગભગ બીજી શતાબ્દીથી પ્રવર્તમાન હોવાનાં અનુમાનો થયેલાં છે. અનેક અલંકારગ્રંથોમાં એ ઉદાહરણ તરીકે ગોઠવાઈ જઈને આજ સુધી જળવાઈ રહેલી છે. બાણભટ્ટથી માંડીને રાજશેખર જેવા અનેક કવિઓએ જેની મુક્તકંઠે પ્રશંસા કરી છે એવી કેટલીક અવનવી ભાવસામગ્રીથી સભર ગાથાઓનો પરિચય એની રસપૂર્ણ, મર્મપૂર્ણ અને ભાવપૂર્ણ મુદ્રા ઓળખ કરાવશે.
આપણા દુહાની મૂળ ગંગોત્રી આ ગાથાઓ છે.

કોઈને પ્રશ્ર્ન થાય કે શિવ વિવાહના પ્રસંગને તે વળી કેવી બળકટ અભિવ્યક્તિ અર્પી શકાય? હસ્તમેળાપ સમયનું શિવનું ચિત્ર કેવું મોહક-પ્રભાવક બની રહે છે તેનું સુંદર ઉદાહરણ નીચેની ગાથામાં છે :

“પાણી-ગ્ગહણે-ચ્ચિઅ પવ્વઈઅ નાઅં સહી હિ સોહગ્ગં;
પસુવઈણા વાસુઈ – કંકણણમ્મિ ઓસારિએ દૂરં.
પાણિગ્રહણ વિધિના સમયે (હસ્તમેળાપ વેળાએ) જ બધી સહેલીઓને પાર્વતીના પરમ સૌભાગ્યની પ્રતીતિ થઈ ગઈ. શિવે પોતાનું વાસુ(નાગ)નું કંકણ સારી એવી રીતે પૂરી કાળજીથી છેક બાવડાના ભાગે ઊંચે ચડાવી દીધું હતું.

રખેને ક્યાંક વાસુકિ પાર્વતીના ગોરા હાથને ડંખ મારે એની કાળજી ભવિષ્યમાં કેવી વિકાસ પામશે. પાર્વતીના ભાગ્યને પામવા માટેનું આવું સુંદર ઉદાહરણ સખીઓને જ આનંદ આપે છે એમ નહીં આવી ધ્વનિપૂર્ણ ઉક્તિ ભાવકચિતને પણ ભીંજવે છે. સહેલીની નિર્દોષ્ાતા સખી સમક્ષ્ા પ્રગટાવતી બીજી એક ગાથા જોઈએ :

“સહિ સાહસુ સબ્ભાવેણ પુચ્છિમો કિં અસેસ – મહિલાણં;

વઙતિ કરત્થ – ચ્ચિઅ વલઆ દઈએ પઉત્થમ્મ઼િ
હે પ્રિય સખી હું તને ખરેખર પૂછું છું કે, શું પ્રિયતમ સ્વામી પ્રવાસે જાય એટલે બધી જ સ્ત્રીઓમાં બલૈયા (બંગડી પાટલા) હાથ પર રહ્યાં રહ્યાં મોટાં થઈ જતા હશે?

મુગ્ધ અને લઘુવયની પ્રિયતમાની નિર્દોષ્ાતાનો કલાત્મક પરિચય કરાવતી આ ગાથામાં પોતાનું કાંડુ દુબળું થઈ જાય અને બંગડી પહોળી પડે એમ નહીં પણ બલોયા (બંગડી-પાટલા) હાથમાં રહ્યે-રહ્યે મોટા થઈ જતા હોય એવી નરી નિર્દોષ્ાતા વ્યક્ત કરતી ખરા અર્થમાં મુગ્ધા નાયિકાનો સ્વામી કેવો સદ્ભાગી હશે બીજી એક ગાથા જોઈએ:

‘કલ્લં કિલ ખર-હિઅઓ પવસિહિઈપિઓ-સિુવ્વઈજણમ્મિ;
તક વઙ ભઅવઈ નિસે જહ સે કલ્લં-ચિઅ ન કોઈ.’

લોકોમાં મેં બોલાતું સાંભળ્યું છે કે કઠોર હૃદયનો મારો પ્રિયતમ સ્વામી આવતીકાલે પ્રવાસે જવાનો છે. તો હે ભગવતી રાત્રીદેવી તમે એટલા વૃદ્ધિ પામો એટલા વૃદ્ધિ પામો કે તેની કાલ પડે જ નહીં. સ્ત્રીની દુર્ભાગ્યતા તો એ છે કે પ્રિયતમે એને કહ્યું નથી. એણે લોકો દ્વારા સાંભળ્યું કે પતિ આવતીકાલથી પ્રવાસે પ્રયાણ કરશે એટલે રાત્રીદેવીને પ્રાર્થના કરીને રાત્રી પૂર્ણ જ ન થાય એવી ભાવના યાચે છે. નારીની પ્રીતિનો સુંદર પરિચય કરાવતી ગાથાની સાથે જ જેનો પતિ પ્રવાસે ગયો છે અને જે તિથિએ આવવાનો છે એનો નિર્દેશ કરતું લખાણ ભૂંસાય નહીં એ માટે પ્રયત્ન કરતી નારીનું ચિત્ર પ્રગટ કરતી ગાયા જોઈએ :

‘ઝંઝા-વાઉણિ-ઘર-વિવાર-પલોટ્ટંત-સલિલ-ધારાહિ;
કુઙ- લિહિઓહિ – દિઅહં રક્ખઈ અજજા કરઅલેહિં’
ઝંઝાવાતી પવનથી ઉડાડી મુકાયેલા ઘાસના છજાને લીધે છાપરામાં છતમાં પડેલા બાકોરામાંથી જે જળધારાઓ પડતી હતી તેમનાથી ભૂંસતા બચાવવાને માટે તે પતિવ્રતા નારી દીવાલ પર લખેલા પતિદેવના પરત થવાના અવધિ દિવસને પોતાની હથેળીઓથી ઢાંકી રહી છે.

ભીંમાં લખેલા અવધિ દિવસના લખાણને ભૂંસાતું અટકાવવા મથતી નારી પતિવિરહથી રડતી-રડતી ઘરના કોરા ભાગને ભીંજાવીને પીડા પામી રહી છે તેનું સુંદર ચિત્ર પણ એક અન્ય ગાથામાં અંક્તિ થયેલું છે.

‘પલિઅ-વહૂ વિવરંતર-ગલિઅ-જલોલ્લે ઘરે અણોલ્લં-પિ;
ઉકદ્ેસં અવિરઅ – બાહ – સલિલ – વિવ્હેણ ઉલ્લેઈ.’

છતનાં બાકોરામાંથી ચૂવાક થતા જળપ્રવાહથી ભીંજાયેલા ઘરમાં કોરાં બચેલાં સ્થાનને પણ પ્રવાસીપત્ની અવિરતપણે અશ્રુપ્રવાહથી ભીનાં કરી રહી છે. નારીચિતની વ્યથાને-વેદનાને કહેવા માટે ગાથા રચયિતાએ કેવા પ્રભાવક ચિત્રો આંક્યાં છે એનો સુંદર પરિચય અહીંથી મળે છે. આપણાં કંઠસ્થપરંપરાના ગુજરાતી દુહા સાથે પણ ગંગોત્રી રૂપી આ ગાથાઓને તુલનાવી શકાય. માત્ર લઘુ રૂપ જ નહીં એમાંની ચમત્કૃતિ પણ ગાથામાંથી જાણે કે વારસારૂપે-પરંપરારૂપે દુહાને પ્રાપ્ત થઈ છે.

આ દુહામાં ભલા આદમીને ન રંજાડવાનું કહેવા માટે આરંભે જ કહ્યું કે જોઈને કરજે રંજાડ. રંજાડવાની-હેરાન-પરેશાન કરવાનીના નથી પણ એ પ્રકારના – દુરિતને રંજાડવાનું કહે છે. બહારવટિયાઓ ભારે રંજાડ ફેલાવતા છતાં એનો મૂલ્યનિષ્ઠ નાયક તરીકે લોકમાં મહિમા થયો એની પાછળ આ વિવેકપૂત દૃષ્ટિબિંદુ હતું. જે દુરિત છે, ખોટી રીતે અન્યાય કરે છે એના બળને બમણા બળથી પડકારવાના-રંજાડવાના વલણને આ કારણે સંસ્કૃતિમાં સ્થાન મળ્યુંં છે. પણ ખોટી રીતે, અકારણ, નિર્દોષ્ાને જો રંજાડશે તો ખુવાર થઈ જશો. અર્થાત્ ખતમ થઈ જશો. એમ સાચી વાત આ દુહાગીર કહે છે. અહીં ભલપણને ભુલીશ મા શબ્દ પણ ખૂબ જ મહત્ત્વનો છે. કોઈની ભલાઈને-સત્કાર્યને સજજનતાને રંજાડવાની નથી, એના તો ઓવારણા લેવાના હોય. દોષ્ાિતને છોડવાના નથી અને નિર્દોષ્ાને રંજાડવા નથી. એમાં ક્યાંક ભૂલ થાય ખવાય જાય તો પછી પ્રાયશ્ર્ચિત્ત કરતા કેટકેટલા પાત્રો આપણને લોક્સંસ્કૃતિમાં સાંપડે છે. જોગીદાસ ખુમાણે આંખમાં મરચું આંજીને પોતાના દેહને કષ્ટ આપ્યું એનો મહિમા થયો. જેણે નીતિ-ધરમને અને મૂલ્યોને નેવે મૂક્યા એમને ક્યારેય સમાજે નામીપદ આપ્યું નથી.

ભલાપણાના ભાવને પોંખવાનું અને દુરિતનું દમન કરવાનું ભાવનાપૂર્વક -હૃદયભાવપૂર્વક કહેવાનું અસરકારક વલણ દુહામાં ભરપટ્ટે દૃષ્ટિગોચર થતું હોઈને આ દુહાઓ મહત્ત્વ ધારણ કરે છે. આમ, ભલામણ માત્ર ભારપૂર્વક નહીં પણ ભાવપૂર્વક કહેતા આવડવી એ પણ એક કૌશલ્ય છે. પરંપરાનું કોઠાસૂઝથી ભરેલું કૌશલ્ય-આવડત આપણી સંસ્કૃતિનું એક ઘટક છે એનું દર્શન દુહાઓ દ્વારા થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…