માનસ મંથનઃ સનાતની પરંપરા અનુસાર ભારતીયો માટે તો નવરાત્રિ એ જ મધર્સ ડે ગણી શકાય

મોરારિબાપુ
उभय बीच श्री सोहई कैसी | ब्रह्म जीव बीच माया जैसी ॥
देबी पूजी पद कमल तुम्हारे | सुर नर मुनि सब होहिं सुखारे ॥
બાપ! પરાંબા મા વિન્ધ્યાવાસીનીના આ પવિત્ર વિંધ્યાચલ ધામમાં નવ દિવસ માટે રામકથાનો આરંભ થઈ રહ્યો છે અને એ પણ માની સાધનાના નવરાત્રિ પર્વમાં થઈ રહ્યો છે. હું સમજુ છું કે કેવળ, કેવળ અને કેવળ માની અહેતુ કૃપાનું આ પરિણામ છે. મેં બે-ત્રણ વાર કહ્યું છે કે એક ભારતીયના નાતે; ઋષિ-મુનિઓના વંશજના નાતે; આ સનાતન પરમ પાવની પરંપરાના એક અંશને નાતે આપણે બધાએ જો એનો નિર્ણય કરવો હોય તો હું કહું છું કે ભારતીયોનો ‘મધર્સ ડે’ તો નવરાત્રિ જ હોઈ શકે.
આપણે શું, સમગ્ર વિશ્વનો ‘મધર્સ ડે’ નવરાત્રિ હોવો જોઈએ અને ‘ફાધર્સ ડે’ શિવરાત્રી જ હોવો જોઈએ. કવિ કાલિદાસે કહ્યું, ‘જગત: પિતરો વંદે પાર્વતી પરમેશ્વર:’ મારા ‘માનસ’કારે પણ ગાયું, જગત માતુ પિતુ શંભુ ભવાની હે ત્રિપુરસુંદરી, હે પરાંબા તું જ અમારી મા છો. આપણા પિતા શિવ છે. ભાઈબીજ આપણો બ્રધર્સ ડે હોવો જોઈએ. રક્ષાબંધન આપણો સિસ્ટર્સ ડે હોવો જોઈએ.
આપણે પાશ્ચાત્ય દેશોનું અનુકરણ કરવા લાગ્યા છીએ! સર્વપલ્લી રાધાકૃષ્ણન, અદ્ભુત તત્ત્વદર્શી મહાપુરુષ; આપણા દેશનું સદભાગ્ય કે તેઓ એક વખતના આપણા દેશના રાષ્ટ્રપતિ પણ રહ્યા; એમના નામે પાંચમી સપ્ટેમ્બરે આપણે ‘ટીચર્સ ડે’ પણ મનાવીએ છીએ. એ તો બહુ જ અદ્ભુત છે, પરંતુ આપણો ‘સદગુરુ ડે’ તો ગુરુપૂર્ણિમા જ હોઈ શકે ને? આપણા ગુરુનો, આધ્યાત્મિક જગતના જે ગુરુ છે, એનો દિવસ તો ગુરુપૂર્ણિમા જ હોય ને? તો મને લાગે છે કે નવું કેલેન્ડર બનવું જોઈએ. જો કટરતા છોડે, તો આખું વિશ્વ એનું અનુસરણ કરી શકે.
તો આ આપણો ‘મધર્સ ડે’ છે. એ ‘મધર્સ ડે’માં માના ચરણોમાં કથા ગાવાનો અવસર મળ્યો એનાથી મોટું સદભાગ્ય કયું હોઈ શકે ? સારું થયું કે અહીં મા કાળીનું શાંત સ્વરૂપ બિરાજમાન છે. એ સારું છે. મા તો પહેલેથી જ શાંત છે. હું દુનિયાભરમાં કહું છું કે હનુમાનજી ગદા લઈને ઊભા છે; મોં પર ક્રોધ છે; મારો- કાપોની મુદ્રામાં જે હનુમાન છે, એવા હનુમાન આજે પ્રસંગિક નથી.
આજે હનુમાન જ્ઞાનસ્થ મુદ્રામાં હોય, શાંત હોય એ પ્રસંગિક છે. હું ઘણીવાર બોલ્યો છું. માના આશીર્વાદથી અહીં પણ કહેવું જોઈએ કે આવો, આપણે બધા મળીને, જન–જન મળીને, નાના મોટા બધા સાથે મળીને માનું શાંત સ્વરૂપ સ્થાપીએ. માની કૃપાથી એ સમય હવે આપણી પ્રતીક્ષા કરી રહ્યો છે;
સમયની માંગ છે કે માનું એક એવું સ્વરૂપ સ્થાપિત કરીએ કે या देवी सर्व भूतेषु अहिंसारूपेण संस्थिता |’
આ પણ વાંચો…માનસ મંથનઃ સહજ સંકોચ ને લજ્જા મા ચામુંડાનું રૂપ છે… નવરાત્રી આવી સમજ સાથે ઉજવીએ
એ કૃપા રૂપેણ, શક્તિ રૂપેણ, શ્રદ્ધા રૂપેણ, ભક્તિ રૂપેણ તો એ પરમ ઊર્જા છે જ, પરંતુ હવે વિશ્વને જરૂર છે અહીં અહિંસા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમ: વિશ્વ એની રાહ જોઈ રહ્યો છે અને આપણે બધાએ કરીએ. માની શાંત મુદ્રા વિશે સાંભળીને મને બહુ સારું લાગ્યું. અને મા તો કેવી કરુણા મૂર્તિ છે.
અહીં સાધક શબ્દનો પ્રયોગ થઈ રહ્યો હતો. સાર્થક એ છે, જે સાધના કરે છે. સાધકનો મારો અર્થ તો બહુ સીધો સાદો છે. હું એને સાધક માનું છું જે કોઈના જીવનમાં બાધક ન બને. ચાહે ભજન કરતા હોય ન કરતા હોય, માળા કરતા હોય કે ન કરતા હોય, યજ્ઞ કરતા હોય કે ન કરતા હોય; મુબારક, પરંતુ મારી દ્રષ્ટિએ જે કોઈના જીવનમાં વાધક ન બને એ જ સાધક છે.
સાધના શક્તિ વિના નથી થઈ શકતી; શાંતિ વિના નથી થઈ શકતી અને ભક્તિ વિના નથી થઈ શકતી. આપ લાખ સાધના કરો, પરંતુ આપના મનમાં ભાવ ન હોય, ભક્તિ ન હોય તો આપ સાધનામાં માત્ર એક ક્રિયાકાંડ જ કરી રહ્યા છો. સાધના કરવી હોય તો ભક્તિ જોઈએ. સાધના કરવી હોય તો શક્તિ પણ જોઈએ.
આપણું શરીર રૂગ્ન હોય, આપણે બીમાર હોઈએ, આપણી અવસ્થા થઈ ગઈ હોય અને સાધના કરવાની બહુ ઈચ્છા હોય પરંતુ એ માટે કેટલા કલાક બેસવાની શક્તિ જોઈએ. અથવા તો જેવી જેની સાધના; એના જે નિયમ વ્રત હોય, પરંતુ એમાં શક્તિ પણ જોઈએ. અને અશાંત પરિસ્થિતિમાં સાધના કેવી રીતે કરશો ? શાંતિ પણ જોઈએ. અને શક્તિ, શાંતિ અને ભક્તિ એ માના તો રૂપ છે. તો કોઈ પણ સાધના કરવી હોય એમાં શક્તિ, શાંતિ અને ભક્તિ જોઈએ. કોઈપણ કથાના ગાયક કથાનું ગાયન કરશે તો એને પણ શક્તિ જોઈશે, શાંતિ જ હોય છે અને ભક્તિ જોઈશે.
સાહેબ, મારે તો રોજ નવરાત્રિ છે ! મારું ‘માનસ’ એ મારો ગરબો છે. એમાં એક સો આઠ છિદ્રો નથી,એકસો આઠ દ્વારો છે. ગરબામાં જે છિદ્રો હોય એ છિદ્ર નથી. ઘડાનું છિદ્ર કલંક છે, ગરબામાં રહેલું છિદ્ર શોભા છે, કિરણોનો પ્રસવ આપતું દ્વાર છે. આ ‘માનસ’ રૂપી ગરબામાં એક સો આઠ દ્વારો છે.
ગરબાની અંદર આપણે કોડિયામાં દીપ પ્રગટાવીએ છીએ. આ ગરબામાં એક દીવો છે, જે એને તળિયે મુક્યો છે,જેનું નામ છે ‘જ્ઞાનદીપક’. આખો પ્રસંગ છે ‘ઉત્તરકાંડ’ માં જ્ઞાનદીપકનો. એ દીવડો છે. હું અંબાજીમાની કથાયાત્રાએ આવ્યો ત્યારે મારા સહયાત્રીએ પૂછ્યું કે,બાપુ, માના નવ દિવસ શું કામ? એનાં ઘણાં કારણો હોય, બાપ. પણ આખા વિશ્વને, આસ્તિક હોય કે નાસ્તિક હોય, કોઈ પણ હોય, બધાંને એક વસ્તુની જરૂર છે જ અને તે વસ્તુનું નામ છે શક્તિ.
શક્તિ બધાંને જોઈએ છે. પછી એનાં રૂપો જુદાં જુદાં છે. અને બાપ,પ્રત્યેક જીવની અમુક શક્તિની મૌલિક માગ છે. આ જીવમાત્રની અમુક જરૂરિયાતો છે. દરેકને જ્ઞાન જોઈએ છે. કોને જ્ઞાન નથી જોઈતું? ન મળે, ન સમજાય, પણ જ્ઞાનને પણ આપણે શક્તિ જ કહી છે. ‘જ્ઞાનશક્તિ’ એ શંકરાચાર્યનો શબ્દ છે.
આપણને બધાંને જ્ઞાનશક્તિ જોઈએ છે. આપણને બધાંને આનંદશક્તિ જોઈએ છે. કોને નથી જોઈતો? આનંદ એ મારી ને તમારી મૌલિક માગ છે. રામ તો બ્રહ્મ છે જ, કૃષ્ણ તો બ્રહ્મ છે જ, એક લીલાપુરુષ છે, પણ ભારતનો ઋષિ એમ કહે કે, ‘આનંદ એ બ્રહ્મ છે.’ આનંદની તમારી ને મારી મૌલિક માગ છે.
જીવમાત્રને પ્રેમશક્તિની, ભક્તિશક્તિની માગ છે. એને પ્રેમ જોઈએ છે. એના માટે એ ફાફાં મારે છે. એને લાગણીઓ જોઈએ છે. મારી ને તમારી મૌલિક માગ છે, સુખ. એના ઘણા વિભાગો હોઈ શકે. પ્રત્યેક વ્યક્તિને સત્યની ભૂખ છે, સત્યની માગ છે. આ સત્ય મારી ને તમારી ભૂખ છે. આપણે નથી બોલી શકતા, આચરી શકતા એ આપણને ખબર હોય. અનેક શક્તિઓની આપણને માગ છે.
સાહેબ, હું શક્તિ વિષે બોલું એનું કંઈ એટલું બધું મહત્ત્વ ન હોય,પણ ગોસ્વામીજી કહે છે કે રામ પોતે દુર્ગા છે, રામ અંબા છે, રામ અંબાજી છે, રામ અંબિકા છે. આ હું નથી કહેતો, મારો ગોસ્વામીજી કહે છે, ‘દુર્ગા કોટિ અમિત અરિમર્દન’ કોણ છે રામ? અમિત દૂષણોને નષ્ટ કરનારી,અમિત દુર્ગારૂપ, અનેક હાથોવાળી દુર્ગા એ રામ છે. આસો મહિનાની આ નવરાત્રિ, જેમાં મા દુર્ગાનાં અનેક અનુષ્ઠાનો સાધકો કરતા હોય છે, એવા આ દુર્ગાપૂજાના દિવસોની આખા વિશ્વને વધાઈ આપું છું.
(સંકલન: જયદેવ માંકડ)
આ પણ વાંચો…માનસ મંથનઃ રસ પડે તેવો એક પ્રશ્ન છે કે શું આપણાં ખરાબ કર્મો ભગવાનને અર્પણ કરાય?