ધર્મતેજ

અલખનો ઓટલોઃ વસ્તુ વીરલે વખાણી સંત

ડૉ. નિરંજન રાજ્યગુરુ

લોક વ્યવહારમાં ‘હું ભજન કરૂં છું’, ‘ભગવાનને ભજી લેવા’, ‘ભજન કરે ઈ જીતે મનવા’, ‘ભજન ભેદ હે ન્યારા’, ‘ભજનનો આહાર’… વગેરે શબ્દો સાંભળવા મળતા રહે છે તેની સાથે જ લોકસમુદાયના ચિત્તમાં રામસાગર, ઢોલક કે તબલાં, મંજીરાં, શરણાઈ, બેન્જો, વાયોલીન, ઓર્ગન જેવાં અનેક પ્રાચીન અને આધુનિક વાજીંત્રોના સાંનિધ્યમાં દેશી ભજનિકો કે અર્વાચીન લોકસંગીતના કલાકારો દ્વારા તાલબદ્ધ રીતે જાહેરમાં કે રેડિયો- ટીવીમાં ગવાતાં ભજનો-સંતવાણીનો જ ખ્યાલ આવે છે.

કોઈપણ ધર્મના ઉપાસ્ય-આરાધ્ય દેવી-દેવતા સમક્ષ્ મંદિરોમાં કે સંતસ્થાનો, સાધુઓના આશ્રમો, ઝૂંપડીઓમાં, ગામના ચોરે કે કોઈપણ જાહેર સ્થળે સ્તુતિ, ધૂન, કીર્તન, પ્રાર્થનાઓ લલકારવામાં આવે તેને પણ ‘હરિ ભજન’ માનવામાં આવે છે. આમ ભક્તિસંગીત સાથે જ ભજનને જોડવામાં આવે છે. પણ ‘ભજન’ કે ‘ભજવું’નો મૂળ, તાત્ત્વિક, ગૂઢ, અલૌકિક, રહસ્યાત્મક કે આધ્યાત્મિક અર્થ બહુ ઓછાને સમજાય છે. ‘ભજન’નો તત્ત્વાર્થ તો એકત્વના દર્શનમાં જ સમાયો છે.

વાસ્તવિક રીતે અંતરાત્માના એકાત્મભાવમાં સ્થિર થવું એનું નામ ‘ભજન’. પ્રત્યેક દર્શન, શ્રવણ, અનુભવમાં એટલે કે નૂરત ને સુરતમાં કોઈપણ જાતના પ્રપંચ વિના જે સ્થિ2 રહીને જે પ્રવૃત્તિ કરે છે તેનું નામ જ છે ‘ભજન’… સમૂહમાં તાળીઓના તાલ સાથે ગળાં ફૂલાવી ફૂલાવીને લોકોને રીઝવવા ગાવું, નાચવું, પોતાના કંઠની કરામતો દેખાડવી એને ‘ભજન’ કેમ કહી શકાય? ભજન એ હરગીજ પ્રદર્શનની ચીજ નથી.

એ તો એકાન્તમાં પોતાના આત્મા સાથે થયેલ ઐક્યને સાધવા માટેનું આત્મચિંતન છે. એ ભાવનો આવેશ નથી. જે નામમાં અનામીને, વ્યક્તમાં અવ્યક્તને, દ્રશ્યમાં અદ્રશ્યને, સાકારમાં નિરાકારને, સગુણમાં નિર્ગુણને ને રૂપમાં અરૂપને નિહાળે છે તે શુદ્ધ આત્મા જ ભજનમાં રત રહે છે ‘ભજન’ તો સંતોને થયેલી ગૂઢ રહસ્યાત્મક અનુભૂતિનો શબ્દ અભિવ્યક્તિમાં રજૂ થયેલો માત્ર પડછાયો છે. મૂળ અનુભવ તો ક્યારેય શબ્દો દ્વારા વ્યક્ત થઈ શક્તો નથી. ભજનનો ધરમ એટલે અભેપદ અને ભજનનો મરમ એટલે અભેદ દર્શન. ધર્મ એ વ્યવસ્થા છે અને અધ્યાત્મ કે મરમ એ અવસ્થા છે.

નશ્વરને ઓળખાવે અને ઈશ્વર સાથે સંબંધ બાંધવાનું સૂચવે તે ધરમ અને અને એમાં રમમાણ થઈ જવું તે મરમ ભજન એ ગાવા-સંભળાવવાની ચીજ નથી, ભજન તો એક સાધના પ્રક્રિયા છે. ભજનનો શબ્દ ઝીલવા અને ભજનમાં જીવવાની આંતર સાધના એટલે ભજન. ભજન કરવું એટલે મીઠા ને કેળવાયેલા કંઠથી ભજન લલકારવું તે નહીં. ભજન કરવું એટલે જે પરમ તત્ત્વનું કે પુરુષોત્તમનું આરાધના કરતા હોઈએ તેની સાથે એક તાર થઈ જવું.

આ પણ વાંચો…અલખનો ઓટલોઃ શ્રી હરિનારાયણ રવિ-ભાણ આશ્રમનો મંગલ પારંભ

અત્યંત પ્રાચીનકાળથી આપણા ૠષિ-મુનિઓમાં નાદાનુસંધાન અથવા તો સુરત શબ્દ યોગ રૂપે આત્મસાધનાની પરંપરા હતી જ. ત્યા2બાદ બૌદ્ધસિદ્ધો અને નાથયોગીઓમાં પણ તંત્ર તથા યોગસાધનાના એક અંગ તરીકે, સાધનાના એક માર્ગ તરીકે શબ્દબ્રહ્મ અને નાદબ્રહ્મની ઉપાસનાના અંશો જોવા મળે છે.

સંતસાધનાની પરિભાષાના કોઈ માત્ર એકાદ શબ્દ વિશે પણ બસો-અઢીસો જુદા જુદા શબ્દકોશો, અન્ય કોશગ્રંથો કે જુદીજુદી ભાષાઓના અભ્યાસગ્રંથોમાંથી નોંધ કરવા બેસીએ તો પણ એ એકમાત્ર શબ્દ વિશે આઠ-દસ પાનાં ભરાય એટલી સામગ્રી સાંપડે.

આજ લગી આપણે હજારીપ્રસાદ દ્વિવેદી, પરશુરામ ચતુર્વેદી, રાહુલ સાંકૃત્યાયન, ધર્માનંદ કૌશાંબી, આચાર્ય ક્ષિતિમોહન સેન, નાગેન્દ્રનાથ ઉપાધ્યાય….વગેરે દસ બાર લેખકોનાં હિન્દી કે ગુજરાતીકરણ પામેલાં ગ્રંથોના આધારે જ આપણો અભ્યાસ કરતા રહ્યા છીએ, પણ મૂળ ભારતીય સનાતનધર્મના વેદ, ઉપનિષદ, બ્રાહ્મણગ્રંથો, પુરાણો, મહાકાવ્યો, તંત્રગ્રંથો, બૌદ્ધોની જાતકકથાઓ, દોહાકોશ, ચર્યાપદો, ગોરખબાની, મૂળ કબીરવાણીના તમામ અભ્યાસગ્રંથો અને એમાં અપાયેલાં સાધનાત્મક પારિભાષિક શબ્દાવલિઓના અર્થો સુધી આપણે ક્યાં પહોંચી શક્યાં છીએ??

વસ્તુ વીરલે વખાણી સંતો વસ્તુ વીરલે વખાણી રે હો…જી…
કોટિક ભાણ મારે ભીતર પ્રગટયા,
આ તો અગમ ઘરની એંધાણી રે હો.. જી..
આનંદ ઉપન્યો, અલબેલા જોયા, ખરી થઈ છે ઓળખાણી…
મારા સંતો વસ્તુ વીરલે વખાણી રે…હો..જી…
અનંત પદ મારા ગુરુએ બતાવ્યું.
જ્યાં જાત ને ભાત સમાણી રે હો..જી…
આદિને અંત એકે ય ન મળે, અલખ પુરુષની નિશાની…
નાભિ કમળથી આનંદ ઠિયો,
અચાનક લહેર ઉભરાણી રે હો…જી…
બ્રહ્મ ગુફાના ભેદ જ્યારે ભાંગ્યા, ત્યાં જઈ સુરતા ઠેરાણી…
મારા સંતો વસ્તુ વીરલે વખાણી રે….હો..જી…
જેને સતગુરુ પૂરા નથી ભેટયા,
તેનું સરવે થિયું ધૂળધાણી રે હો …જી…
ધડ ઉપર જેને મસ્તક ન મળે, તેણે આ વસ્તુ માણી…
આ ઘટમાં હરિ સભર ભર્યો છે,
માંયલો મરમ લીધો માણી રે હો..જી…
રામદાસ ચરણે ભણે ભાદુદાસ, લહેરમાં લહેરું સમાણી…
મારા સંતો વસ્તુ વીરલે વખાણી રે….હો..જી… 0 0 0 0

આ પણ વાંચો…અલખનો ઓટલો – અમ્મર વરને વરિયા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button