માનસ મંથનઃ ભારતીય સંતો કહે છે કે હરિનામ વડે પણ શ્રાદ્ધ થઈ શકે છે...
ધર્મતેજ

માનસ મંથનઃ ભારતીય સંતો કહે છે કે હરિનામ વડે પણ શ્રાદ્ધ થઈ શકે છે…

મોરારિબાપુ

ઈશ્વરની પ્રાપ્તિ એ પૂર્ણતા છે. એ તો પ્રાપ્ત જ છે, સવાલ છે ભક્તિનો. ગીતામાં ભગવાન કહે છે કે ઈશ્વર તો બધાને પ્રાપ્ત છે જ.

ईश्वरः सर्व भूतानां हृदेशेडर्जुन तिष्ठिति|
भ्रामयन्ससर्वभूतानि यन्त्रारुढानि मायया॥

ઈશ્વર તો નિત્ય પ્રાપ્ત છે. એ તો દેહવાદની અજ્ઞાનતાને લીધે આપણને કેવળ વિસ્મૃતિ થઈ છે. ઈશ્વર બધાને પ્રાપ્ત છે, એટલું જ નહીં, વેદાંત તો કહે છે કે બધા ઈશ્વર જ છે इदं ब्रह्मं- આખું જગત બ્રહ્મ છે.

પણ જ્યાં સુધી ભક્તિ પ્રાપ્ત નથી થતી, ત્યાં સુધી કૃતકૃત્ય ભાવ જન્મતો નથી. બજારમાં તમે ને હું જતા હોઈએ, કેટલાંયે માણસો મળે છે, સારા હોય છે, પણ આપણે કોઈની સાથે સંબંધ નથી જોડતા.

મળે છે બધા જ, પણ આપણને એનામાં ભક્તિ નથી, પ્રેમ નથી, તેથી આવે, જાય બધા, પણ જેનામાં પ્રેમ અને ભાવ હશે, એને માટે આપણે ગાડી રોકીશું, એને આપણે ગળે લગાડીશું. ઈશ્વર વગર કોણ ખાલી છે ?

ભક્તિ વગર લગભગ ઘણાં ખાલી છે, તૂટે છે ભક્તિ. હાથીના લક્ષણ ભક્તિ માટે સુસંગત છે.

હાથીના કાન સુપડા જેવા. એનો અર્થ એમ કે ભક્ત હોય તે બધાને સાંભળતો હોય. કાનને બહુ મોટા રાખજો. નાનામાં નાની વાત સ્વીકારો. હાથીની સુક્ષ્મદૃષ્ટિ, હાથીની સ્થિરબુદ્ધિ, હાથીની ધીર શાંત ગતિ, હાથીનું શ્રવણ, હાથીનું સૂક્ષ્મદર્શન, હાથીના દાંત… હાથી પ્રતિકાર કરતો નથી.

હાથી કાળો છે પણ એના દાંત ઊજળા છે. હાથીમાં મોટામાં મોટું લક્ષણ કે કૂતરા ગમે તેટલા ભસે, હાથી પાછળ વળીને જોતો નથી, એ મોટામાં મોટું લક્ષણ. કૂતરો ભસે છે તો હાથી પ્રતિકાર કરતો નથી.

ભક્તિમાં પ્રતિકાર કરવા જશો તો ઘણું ગુમાવશો. ભક્તિમાં વળી પ્રતિકાર…! ભક્તિમાં જવાબદારી આપણી નથી. જેણે કહ્યું. એના વળી ખુલાસા કરવાની આપણી જવાબદારી થોડી છે? ભક્તિ પ્રતિકાર ન કરે. ભક્ત જે હશે, સાધુ હૃદય જે હશે, એની કોઈ નિંદા કરે પછી એને કોઈ પૂછશે કે, આ તમારા વિશે આમ કહેતો હતો. તો કહેશે કે એણે મારા પર ઉપકાર કર્યો.

પોતે સાચો હશે, નિંદક ખોટા હશે છતાં કહેશે કે એણે મારી નિંદા કરી એટલે પહેલાં જે મારી પાસે ભજન હતું તે વધી ગયું. અને પ્રતિકાર બંધ થઈ ગયા. ભીડ ઓછી થઈ ગઈ, એટલે મારું ભજન વધી ગયું. એ પ્રતિકાર નહીં કરે. વો હર ઘટના કા સ્વીકાર કરેગા. હાથી કૂતરાનો પ્રતિકાર કરે? ભક્તિમાં પ્રતિકાર નહીં,સ્વીકાર કરો.

ભક્તિમાં એવો સ્વીકાર કરો કે એની દુકાન જ ઘાસલેટની છે, એ મને ઘી ન આપી શકે. એ કેરોસીન જ આપી શકે,એમાં એનો દોષ નથી. અને ફાયદો એ થશે કે તમને મળ્યું અને એની પાસે એટલું ઓછું થયું. સંતોની કોઈ નિંદા કરે તો એ એમ માને કે ભલે ગમે તે રીતે એ મારી પાસે આવ્યો અને એ જે નિંદા કરીને અપશબ્દ બોલ્યો તો એની ગંદકી એટલી ઓછી થઈ. એટલો એ સાફ છે.

મારે એ કહેવું છે કે પ્રતિકાર ન કરજો,સ્વીકાર કરજો. ભક્ત પાસેથી કોઈ રોટલી ઝૂંટવી લે ના, તો એ એમ માને કે સારું થયું. મારા પાસે ઉપવાસ કરાવ્યો. નહીંતર આજે હું આ ખાઈને ભ્રષ્ટ થઈ જાત. નરસૈંયાને ગાળો દીધી તો એણે કહ્યું-

એવા રે અમે રે તમે કહો છો વળી તેવા રે
ભક્તિ કરતાં ભ્રષ્ટ થઈ શું તો કરીશું દામોદરની સેવા રે…

ભક્તિમાં તમારો સમાજ પ્રતિકાર કરે એવું થોડું છે,તમારો પરિવાર પણ પ્રતિકાર કરશે. પતિ ભક્તિ કરતો હશે તો પત્ની વિરોધ કરશે. તમારી સામે આવશે. પત્ની ભક્તિ કરતી હશે તો પતિ વિરોધ કરશે. પણ ભક્તિ જેનામાં આવે એને એની સામે લડવાનું નહીં, પ્રતિકાર નહીં કરવાનો. તુકારામની પત્ની વિરોધ કરતી હતી. બ્રાહ્મણો વિરોધ કરતા હતા.

બ્રાહ્મણોએ શ્રાદ્ધ ન કરાવ્યું તો તુકારામ કહે કે, બહુ સારું થયું. બ્રાહ્મણો જો વિધિવત કર્મકાંડથી શ્રાદ્ધ કરાવત તો મારા પિતાનું શ્રાદ્ધ તો થાત પણ મારા આ મહારાષ્ટ્રની ગરીબ પ્રજા એમ માનત કે તર્પણ આમ જ થાય. એટલા માટે મેં શ્રાદ્ધ ન કરાવ્યું. પછી મેં વિઠ્ઠલ … વિઠ્ઠલ પુકાર્યું અને મારા પિતાનું શ્રાદ્ધ થઈ ગયું. બાપ ! હરિનામથી પણ શ્રાદ્ધ થઈ શકે છે.

હનુમાનજી સુરસાના મુખમાં જાય છે તો મુખાગ્રે રામનામ છે.

प्रभु मुद्रिका मेली मुख माहीं | जलधि लांधि गए अचरज नाहीं॥

રામનામને મુખના અગ્રભાગમાં રાખો. ફાયદો એ થશે કે અઘાસુરને તો કૃષ્ણે મોટા થઈને મારી નાખ્યો, સુરસાને હનુમાનજીએ મારી ન નાખી, રામનામના પ્રતાપથી સુરસાના મુખમાંથી હનુમાનજી સૂક્ષ્મ થઈને નીકળી ગયા. ન સુરસા મરી, ન હનુમાનજીને કંઈ થયું, એ નામ-મહારાજનો મહિમા છે. જ્યારે નામનો આશ્રય વ્યક્તિ લે છે તો એને સપનામાંય ચિંતા નથી થતી.

ચિંતા હરિ કરે છે, કારણ નામની મસ્તીમાં મસ્ત રહે છે. એજ સાચું આત્મસુખ,પરમસુખ છે. વ્યાસજીએ કલિયુગનું વર્ણન કરતાં દુ:ખ વ્યક્ત કર્યું. વ્યાસજીએ કહી દીધું કે કલિયુગમાં ઘરે ઘરે પુસ્તકોના બહુ મોટા ભાર થઇ જશે. પુસ્તકો બહુ હશે પરંતુ એનો સાર જે હરિનામ છે એ નથી રહેતો.

આજના અભ્યાસમાં પણ જુઓ, બાળકો ભરાઈ જાય છે, ઝૂકી જાય છે પુસ્તકોના ભારથી. આમ, વ્યાસની વાણી સિદ્ધ થઈ રહી છે. ઘેર ઘેર પુસ્તકોના ઢગલા થઈ ગયા. નગરમાં પંડિતોનાં જૂથો હશે. બધા ભણેલાગણેલા પંડિતો જ હશે. અમે પણ જાણીએ છીએ, આમ નગર નગરમાં પંડિતોનાં જૂથો હશે અને આશ્રમે આશ્રમે તપસ્વીઓ હશે.

અમે યોગીઓ છીએ, અમે ફલાણા છીએ, અમે આમ કરીએ છીએ, અમે સિદ્ધ છીએ. મઠે મઠે તાપસનાં વૃંદો હશે; પરંતુ બ્રહ્મવેત્તા અને પોતાના સ્વધર્મમાં યુક્ત રહી કર્મ કરવાવાળા નહિ હોય. એટલે કે સાર નહિ પામશે. સાર તો મળશે જ્યારે હરિનામમાં સ્થિત થઈ જશે. ચૈતન્યની આખી પરંપરાનો એકમાત્ર સાર હતો, હરિનામ, હરિનામ. તુલસીદાસજી કહે છે, મને બીજી કોઈ વાત પર ભરોસો નથી, મારા જીવનની પ્રગતિનું કોઈ રાઝ હોય, મારા વિશ્વાસનું કોઈ કેન્દ્ર હોય તો તે એકમાત્ર હરિનામ છે.

ચૈતન્ય મહાપ્રભુનું માનવું છે કે હરિનામ વગરની વિદ્યા વિધવા છે. જેનો પતિ મરી ગયો હોય એવી સ્ત્રીના જેવી એની દશા છે. કોઈ પણ વિદ્યા તમે ભણી લો, પણ હરિનામ નહિ હોય તો બધી વિદ્યા વિધવા છે. હરિનામ એનો માલિક છે. પરમાત્મા નામ સિવાય કલિમાં બીજી કોઈ વસ્તુ ચઢિયાતી નથી. રામનામ સાધન નથી,રામનામ પરમ પ્રાપ્તિ છે.

રામનામ જ સાધ્ય છે. એકમાત્ર હરિનામ સાધ્ય છે. સાધન તો વિધ્નકર્તા છે,એકમાત્ર બાધક છે. ઘટના ઘટે છે,જ્યારે નામ-મહારાજ જીભરૂપી જશોદા પાસે રામનામ શ્રીકૃષ્ણ અને બલભદ્ર બની રમવા માંડે. તેથી રામનામ સુમિરન કરો.

-સંકલન: જયદેવ માંકડ

આ પણ વાંચો…માનસ મંથન: સદ્ગુરુની જ્ઞાનદૃષ્ટિ મળી જાય તો સંસારની ઘટનાઓ વિચલિત ન કરી શકે!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button