ધર્મતેજ

ચિંતનઃ બ્રહ્મ-સર્વનો આધાર

સારંગપ્રીત

સત્તરમા અધ્યાયની સમાપ્તિ પછી અઢારમા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ ત્યાગ અને સંન્યાસની ચર્ચા કરે છે, તેને સમજીએ.

શાસ્ત્રવિદો મુજબ સંન્યાસ એ છે જ્યારે માનવી પ્રાય: તમામ કર્મનો ત્યાગ કરે છે. આમ, તેની સાથે તેના ફળનો પણ ત્યાગ થઈ જાય છે. સંન્યાસી ઘર, સંબંધો, ઘર્ષણો, પંચવિષયો વગેરે સંન્યાસનાં બાધક તમામ કારણોથી દૂર રહે છે. તેની પૂર્ણ ઉપેક્ષા કરે છે અને એક આત્માકારે દૃષ્ટિ રાખી પરબ્રહ્મ તરફ પ્રયાણ કરે છે. તે કડક, કઠિન અને કષ્ટપૂર્ણ જીવનયાપન કરે છે. આમ, સંન્યાસી નિવૃત્તિ પ્રયાણ જીવન જીવીને દુનિયાના બંધનોમાંથી બહાર આવે છે.

હવે ત્યાગને સમજીએ. ત્યાગને શ્રીકૃષ્ણ ભગવાન સંન્યાસ કરતાં સરળ કહે છે. સંન્યાસના પથ ઉપર ચાલવું સામાન્ય માનવીનું ગજું નથી, પરંતુ સરળ હોવા છતાં આ ત્યાગની વિભાવનાને સમજવી અત્યંત જરૂરી છે.

ત્યાગ શબ્દ બોલવામાં ખૂબ સહેલો લાગે છે, પણ તેનો અર્થ સમુદ્ર કરતાં પણ વિશાળ છે. આજના યુગમાં જ્યાં સંગ્રહ અને ભોગવિલાસની પ્રવૃત્તિ વધી છે, ત્યાં ત્યાગની ખરી સમજણ હોવી વધુ જરૂરી બની ગઈ છે. માનવ જીવનમાં ત્યાગને મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. ત્યાગ એ એક આંતરિક ભાવ છે જે મનુષ્યને સંપૂર્ણતા તરફ લઈ જાય છે.

ઘણા લોકો ત્યાગને સંપૂર્ણ રીતે કર્મને છોડી દેવા જેવી વાત સમજે છે, પણ ભગવદ્ ગીતા અનુસાર સાચો ત્યાગ એ કર્તવ્યનો અસ્વીકાર નથી, પણ આસક્તિનો ત્યાગ છે.

દેહધારી મનુષ્ય તમામ કર્મોને ત્યજી શકતો નથી, પરંતુ જે વ્યક્તિ કર્મના ફળની અપેક્ષા રાખ્યા વિના કાર્ય કરે છે, તે સાચો ત્યાગી કહેવાય છે. ગીતા આપણને સમજાવે છે કે ત્યાગ કોઈ કાર્ય ન કરવાનું નામ નથી, પણ કર્મ પાછળ રહેલા ફળની અપેક્ષા, મમત્વ અને અહંકારનો ત્યાગ કરવો એ જ ત્યાગનું સાચું સ્વરૂપ છે.

ગીતાના 18મા અધ્યાયમાં ત્યાગને ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે. તામસિક ત્યાગ કે જ્યાં માણસ ડર, આળસ અથવા અજ્ઞાનતાથી કર્તવ્યો છોડી દે છે. જેમ કે, યુદ્ધથી ભાગી જવું. રાજસિક ત્યાગ કે જ્યાં માણસ દુ:ખ, કષ્ટ અથવા શારીરિક તકલીફને લીધે કર્મ છોડે છે. આમાં પણ સાચો ત્યાગ નથી, કારણ કે તેમાં અહંકાર છુપાયેલો છે. સાત્ત્વિક ત્યાગ કે જ્યાં માણસ ફળની ઇચ્છા કર્યા વિના, ધર્મ અને નિષ્ઠાપૂર્વક કર્મ કરે છે. આ જ સાચો ત્યાગ છે.

ભારતીય સંસ્કૃતિમાં ત્યાગને અત્યંત પવિત્ર ગુણ ગણવામાં આવ્યો છે. મહાભારતના શાંતિ પર્વમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ‘ત્યાગ જેટલું મોટું સુખ બીજું કંઈ નથી.’ યોગી રામતીર્થ કહે છે ‘ત્યાગ સિવાય આ જગતમાં બીજી કોઈ શક્તિ નથી.’ તેઓ કહે છે કે સાચો આનંદ સ્વાર્થપૂર્ણ ઇચ્છાઓ પૂરી થવાથી નહીં મળે, પરંતુ અહંકાર અને મમત્વનો ત્યાગ કરીને મળે છે. જ્યાં ત્યાગ છે, ત્યાં શાંતિ છે, પ્રેમ છે અને ઈશ્વરની અનુભૂતિ છે.

આ પણ વાંચો…ચિંતન: ગીતાની કેટલીક વાતો

કહેવાય છે ને ઇંશલવયિ વિંય ાજ્ઞિલયિતત લયિફયિિં વિંય તફભશિરશભય. જ્યારે અવકાશયાત્રીઓએ ચંદ્ર પર પગ મુક્યો ત્યારે શું છોડવું પડ્યું? પૃથ્વી, પોતાના સગા-સંબંધી અને સમગ્ર માનવજાત.

જેમ વૃક્ષ પોતાનું ફળ ત્યાગે છે, જેમ દીવો પોતાને બાળીને પ્રકાશ આપે છે, તેમ ત્યાગી મનુષ્ય પોતે દેહનું સુખ છોડીને સમાજને અમૃત આપે છે. ત્યાગ એ ખાલી છોડી દેવું નથી પણ મહાન ઉદેશ્ય માટે તુચ્છનું વિસર્જન છે!

ભગવાન સ્વામિનારાયણે પણ ત્યાગને ભક્તિનું મુખ્ય અંગ માન્યું છે. મહંતસ્વામી મહારાજે ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથમાં જણાવ્યું છે: ત્યાગ એ માત્ર ત્યાગ જ નથી, પરંતુ આ ત્યાગ તો ભક્તિમય છે અને અક્ષરપુરુષોત્તમ ભગવાનને પામવા માટેનો માર્ગ છે.

આમ, ત્યાગ એટલે અહંકારનો ત્યાગ ‘હું કરું છું’ એવા ભાવનો ત્યાગ, મમત્વનો ત્યાગ ‘મારું’ એવું માનવાનું બંધ કરવું, ભોગનો ત્યાગ ઇન્દ્રિયસુખ છોડીને ઈશ્વરભક્તિમાં રમમાણ થવું, ફળની અપેક્ષાનો ત્યાગ કર્મ કરો પણ પરિણામમાં પોતાનું હિત ન જુઓ તે ત્યાગ!

જ્યાં ત્યાગ છે ત્યાં સુખ છે, શાંતિ છે અને પરબ્રહ્મની પ્રાપ્તિનો માર્ગ ખુલ્લો છે. ત્યાગમય જીવન જીવીને જ માનવજીવનને સાર્થક બનાવી શકાય છે. ત્યાગની સાચી ભાવના સમજીને જીવન જીવીએ, તો આપણે સંપૂર્ણ સુખ અને આત્મિક શાંતિ પ્રાપ્ત કરી શકીએ છીએ.

ભગવદ્ ગીતા સહિત અનેક ઋષિ-મુનિઓએ ત્યાગને આધ્યાત્મિક જીવનની ચાવીરૂપ માન્યો છે. ત્યાગ એ એવું દુર્લભ પુષ્પ છે, જેનું ફળ મુક્તિ છે. ત્યાગ દ્વારા ગીતા-માતા વ્યક્તિને બાહ્ય અને આંતરિક બંધનોથી મુક્ત કરવાનું વરદાન આપે છે.

આ પણ વાંચો…ચિંતનઃ પૂર્ણતાની પૂર્ણતા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button