માનસ મંથનઃ રસ પડે તેવો એક પ્રશ્ન છે કે શું આપણાં ખરાબ કર્મો ભગવાનને અર્પણ કરાય? | મુંબઈ સમાચાર
ધર્મતેજ

માનસ મંથનઃ રસ પડે તેવો એક પ્રશ્ન છે કે શું આપણાં ખરાબ કર્મો ભગવાનને અર્પણ કરાય?

  • મોરારિબાપુ

કોઈપણ વ્યક્તિના મૂળમાં કર્મ છે. કર્મ વગર અહીં કોઈ વ્યક્તિ રહી શકતી નથી. ગઈકાલે આપણે ગીતાના સૂત્રની વાત કરેલી જેમાં ભગવાન એમ કહે છે કે મારે કોઈ કર્મ કરવાનું નથી, છતાં હું કર્મમાં પ્રવૃત્ત રહું છું. આપણા જીવનના મૂળમાં કર્મ છે. સાધન એટલે કર્મ, કોઈપણ સાધન તમે કરો તે કર્મ છે, અને અંતે તે કર્મનું ફળ છે. બહુ જ મોટો સિદ્ધાંત તુલસીદાસજી અહીં મૂકે છે. પણ જ્યારે જ્યારે આવે ત્યારે ત્રણ દ્રષ્ટિથી જોવાની પદ્ધતિ છે. કર્મયોગી ફળને ભોગવે છે. કેવળ કર્મના સિદ્ધાંતમાં ચાલે છે, તે ફળ ભોગવે છે.

ભક્તિમાં થોડો ફરક છે, ભક્તિમાં પણ કર્મ ફળ તો મળે છે, પરંતુ એ આપણે ભોગવવાનું નથી એ ફળ ભગવાનને અર્પણ કરી દેવાનું છે. મારી પાસે જે આવ્યું તે હું તને અર્પણ કરું છું. ભક્તિની દ્રષ્ટિ આટલી ભિન્ન છે, કર્મ દ્વારા જે ફળ ઉત્પન્ન થાય છે, કર્મયોગમાં એને ભોગવતો માણસ પોતે જ ભોગવી લે, અહીં ભક્તિમાં એ ભગવાનને સમર્પિત થાય છે.

નામયોગમાં બધા કર્મો સમાપ્ત થઈ જાય. જ્ઞાનમાં એક જાગૃતિ છે કે એમાં બધા કર્મો સમાપ્ત થઈ જાય, પછી એને કંઈ કરવાનો રહે નહીં. કર્મના સિદ્ધાંતની બાબતમાં મહાપુરુષો એ ભિન્ન ભિન્ન વાતો કરી છે. ક્રમમાં ફળ ભોગવવાની વાત છે, જ્ઞાનમાં ફળને જાણી લે એટલે બધાં ફળો સમાપ્ત થઈ જાય, ખલાસ થઈ જાય. જ્ઞાન એટલે જાગી જવું. આપણી જૂની વાર્તા હું કહ્યા કરું.

એક માણસને સવારના 05:00 વાગ્યાની ગાડીમાં બહારગામ જવાનું હતું. રાત્રે 10:00 વાગે ઘેર આવી બેગ તૈયાર કરી અને સૂઈ ગયો. સવારે વહેલા ઊઠવાનું છે. પતિ સૂઈ ગયો, થાકેલો હતો. પત્ની થોડું કામ કરતી હતી. ઊંઘમાં રાત્રે પતિને સપનું આવ્યું. સપનામાં તેને બૅંક તોડી, એમાં એ પકડાઈ ગયો. કેસ ચાલ્યો કોર્ટમાં ગુનો સાબિત થયો.

સપનામાં એને દસ વર્ષની જેલ થઈ. 10 માંથી ત્રણ વર્ષ પૂરા કર્યા, 7 વર્ષ બાકી હતા. તેમાં કોણ જાણે તેને શું થયું કે તે ખૂબ કંટાળી ગયો હતો અને તેણે જેલના સિપાઈઓને પોલીસને માર્યા. તેથી જેલના સિપાઈઓ અને પોલીસ તેને સામેથી મારવા લાગ્યા. ખૂબ દંડા અને ચાબુક મારવા લાગ્યા. ખૂબ મારવા લાગ્યા ત્યારે તે ઓચિંતો જાગી ગયો અને રાડો પાડવા લાગ્યો મને બચાવો, મને બચાવો ! એની પત્નીએ કહ્યું કે તમે સૂઈ જાવ કેમ બૂમો પાડો છો ? તે તો આભો જ બની ગયો.

પત્નીએ પૂછ્યું શું થયું ? ત્યારે કહે છે કે સપનું આવ્યું, એમાં મેં ગુનો કર્યો, બેંક તોડી, પકડાઈ ગયો, 10 વર્ષની જેલ થઈ, ત્રણ વર્ષ ભોગવ્યા, પાછો ગુનો કર્યો એમાં મને માર્યો. પતિએ બહુ સરસ પ્રશ્ન કર્યો કે ત્રણ વર્ષની જેલ મેં ભોગવી લીધી પણ સાત વર્ષની જેલનું શું? પત્નીએ કહ્યું કે આમને આમ સુતા રહ્યા હોત તો દસ વર્ષની સજા ભોગવવી પડત, પણ જાગી ગયા તો સજા સમાપ્ત થઈ ગઈ. આમ જ્ઞાન એટલે જાગવું. જ્ઞાન એટલે સાવધાન થઈ જવું.

કર્મની અદાલતમાં એના હિસાબનો ફેંસલો થાય, ત્યારે બધા રડતા દેખાય છે કે આ ફળ આવ્યું, આ ફળ આવ્યું. એટલે કર્મ તો ભોગવવા જ પડે, પછી રડતા રડતા કે હસતા હસતા. કર્મ અને એનું ફળ પ્રભુને અર્પણ કરીએ. તુલસીદાસજી મધ્યમ માર્ગ દર્શાવે છે. કહે છે કે તમે આ કર્મ અને કર્મ ફળ બધું પરમાત્માને અર્પણ કરી દો. ભગવાનને બહુ ગમશે.

હવે પ્રશ્ન એ થાય કે આપણા કર્મો ખરાબ હોય તોય ભગવાનને અર્પણ કરી દેવા ? નૈમિષારણ્યમાં હું કથા કરતો હતો ત્યારે એક મહાત્માએ બહુ સુંદર વાત કરી, જે મને ગમી. આપણે ખરાબ કર્મો અર્પણ કરવા કે નહીં ? અને એ અર્પણ કરીએ તો પ્રભુ સ્વીકારે કે નહીં ? હા સ્વીકારે. મંદિરમાં તમે જાઓ છો ત્યારે ફૂલ ફેંકો છો, શું તે શું બધા તાજા જ ફેંકો છો? બજારમાંથી લાવેલા વાસી, પહોંચવાયેલા તુલસીના પાન, બધું જ ફેંકો છો છતાં પરમાત્મા ના નથી પાડતા, બધું સ્વીકારે છે. ચંદનના છાંટા નાખો, વાસી ફૂલ નાખો, જે નાખો એ ભગવાનના મંદિરમાં સ્વીકાર્ય છે.

તો સારું કે ખરાબ જે કંઈ તમારી પાસે આવ્યું, ગમે તેવો કચરો ગંગાજીમાં નાખો, એ ગંદું પાણી ગંગામાં જ પરિવર્તિત થાય. એમ ઈશ્વરને અર્પણ કરવાનો આપણે ત્યાં ભક્તિભાવ છે. ભક્તિમાં નિષ્ઠા નો સિદ્ધાંત પ્રતિપાદિત કરવાની આ ચેષ્ટા છે એવું નથી. આ સમજપૂર્વક બોલાઈ રહ્યું છે કે આ માર્ગ અતિ સરળ છે.

જે અર્પણ કરી દે છે, બધું જ અર્પણ કરી દે છે. આવો સરળ માર્ગ ક્યાં મળશે ?? ખરાબમાં ખરાબ કર્મો તું મને આપી દે, જેથી તારા સગા વ્હાલા કે તારે કોઈને ભોગવવું ન પડે. તું તારા કર્મનું ફળ તારા પરિવાર પર નહીં લાગતો. એના ફળનો ભોગ બીજાના બની જાય.

આપણા કર્મનું ફળ આપણે તો ભોગવીએ પણ જ્યારે આપણે ભોગવતા હોઈએ ત્યારે પરિવાર દુ:ખી નથી થતો? ગુનો તમે કરો, ચોરી તમે કરો, પકડાવો તમે. પાંચ વર્ષની જેલ પડી હોય તો મા બાપ, છોકરાઓ રડતા હોય. દુ:ખી કોણ થાય? આપણાં કર્મોના ફળનો ભોગ આખો પરિવાર બને છે.

એટલા માટે મહાપુરુષો, શંકરાચાર્ય જેવા એ કહ્યું છે કે સાધુ પુરુષે શુદ્ધ હોય તોય લોક વિરુદ્ધ કાર્ય ન કરવું… કારણ કે એની અસર આખા સમાજ પર થાય, પરિવાર પર થાય. કર્મનો સિદ્ધાંત જ છે કે એનું ફળ કર્મઠ ભોગવેજ, પરંતુ એ ફળ ભક્તિમાર્ગમાં પ્રભુને અર્પણ કરી લેવાનું હોય છે. તેથી કર્મ અને કર્મનું ફળ જે કંઈ છે તે જો હરીને અર્પણ કરી દઈએ, એને સમર્પિત કરીએ, તો વાત સરળ બની જશે. હું અને તમે હળવાં થઈ શકશું. ભક્તિનો આ માર્ગ છે.
(સંકલન: જયદેવ માંકડ)

આપણ વાંચો:  મનનઃ અક્ષરં પરમં બ્રહ્મ સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button