અલખનો ઓટલોઃ પરબ ધામમાં સંત દેવીદાસજી પછીની પરંપરા

ડૉ. નિરંજન રાજ્યગુરુ
સંત દેવીદાસ અને અમરમાની વિદાય પછી શાદુળપીરે 37 વરસ સુધી જગ્યા સંભાળી. ઈ.સ. 1820 વિ.સં.1876 દશેરાના દિવસે શાદુળ પીરે સમાધિ લીધી. ત્યાર પછી શાદુળના શિષ્ય ચરણદાસ પરબની ગાદીએ મહંત તરીકે આવ્યા.(વિદાય વિ.સં.1878 ઈ.સ.1822), એમના પછી (4)કરમણપીર ( જે 19 વરસ સુધી ગાદીપતિ તરીકે રહ્યા અને વિ.સં. 1897 ઈ.સ.1841માં વિદાય લીધી), એ પછી સેવાદાસજી મહારાજ ગાદીએ આવ્યા.
તેઓ પરબના સંત જલારામજીના શિષ્ય હતા એમની જગ્યા જૂનાગઢ શાપુર દરવાજા બહાર હતી. તેમના અવસાન પછી ‘દાના બાવા’ પરબની ગાદીએ આવ્યા. દાનાબાવા પછી અમરી માતા-પરબના પ્રથમ સાધ્વી અધિષ્ઠાતા-ગાદીએ આવ્યાં જેમણે કરમણ-દેવિદાસની ચરણપાદુકાઓ પધરાવી ફરતો ઓટો ચણાવ્યો. કોઠાર,ભંડારના બે મકાનો અને માળવાળો એક બંગલો મેડી કરાવ્યાં- એમનું વિ. સં.1928 ઈ.સ.1872માં અવસાન થયું. એમના પછી ગાદીએ આઠમા મહંત તરીકે વેલા બાવા આવ્યા.
એમના પછી (9) વસનદાસજી, (10) જલારામજી, (11) હીરબાઈ માતાજી (વિદાય વિ.સં.19પ2 ઈ.સ.1896), (12) ધ્યાનદાસજી (વિદાય વિ.સં.1957 ઈ.સ.1901), (13) કાનદાસજી (વિદાય વિ.સં. 1961 ઈ.સ.190પ), (14) ગંગામાતાજી (વિદાય વિ.સં.2002 શ્રાવણ વદ 4 ઈ.સ.1946), (1પ) બાળક રામદાસજી (માત્ર એક મહિનામાં અવસાન ઈ.સ.1946. વિ.સં. 2003 ઈ.સ.1947 કોઠારી હરિદાસની વિદાય પછી વહીવટદાર તરીકે સેવાદાસજીની નિમણૂક કરેલી. (16) સેવાદાસજી મહારાજ (વિદાય વિ.સં.2039 ફાગણ વદી 8 ઈ.સ.1983), (17) કરસનદાસજી (ઈ.સ.1983થી હાલમાં મહંત પદે હયાત..) એમ સતરમા વર્તમાન અધિષ્ઠાતા તરીકે બિરાજે છે.
પરબની સંત પરંપરામાં અનેક ભક્તો અને કવિઓ થઈ ગયા છે, જેમાં સાંઈ શેલાણીના એક શિષ્ય તે દાસ હમીરો. પરબના મહંત જલારામજી પછી ગાદીએ હીરબાઈ માતાજી પણ આવેલાં, જેમનું અવસાન વિ. સં. 19પ2માં થયું એ પછી ગાદીએ ધ્યાનદાસજી આવેલા. એ સિવાય ગંગામાતાજી/ગંગાદાસજી પણ પરબના મહંત, કાનદાસજીના અવસાન વિ.સં. 1961 પછી આવેલાં. વિ.સં. 2002 શ્રાવણ વદી 4 અવસાન એ પહેલાં વિ.સં. 1992 આસો સુદ. 10 2વિવારે બાળકદાસજીને મહંત પદે સ્થાપેલાં.
કેટલાક ભજનિકો પરબના ગંગાબાઈ-ગંગામાતાજીએ પણ ગંગેવદાસી નામાચરણથી ભજનો ગાયાં છે એમ માને છે. કાનદાસજી પરબના સંત મહંત બન્યા પહેલાં દેવકી ગાલોળના સ્થાનકમાં રહેતા. ધ્યાનદાસજીએ તેડાવ્યા ને ગાદીપતિ તરીકે સ્થાપ્યા. જીવણદાસ મોઢવાડિયા (ઈ.સ.172પમાં હયાત) પરબના સંત દેવીદાસના શિષ્ય હતા, મેર જ્ઞાતિનાં સંત-કવયિત્રી લીરબાઈ/લીરલબાઈને એમણે દેવીદાસજીનો પરિચય કરાવ્યો. જીવણદાસજીનાં પત્ની : સોનબાઈમા. જગ્યા : મોઢવાડા (તા. પોરબંદર).
ધ્યાનદાસજી (અવ. ઈ.સ. 1901) પરબના સંત. બારમા ગાદીપતિ મહંત. હીરબાઈ માતાના અવસાન પછી સં. 19પ2માં ગાદીએ પાંચ વર્ષ વહીવટ. સં. 19પ7 પોષ સુદ 11ના દિવસે અવસાન. શિષ્ય: કાનદાસજી. કાનદાસજીને આશ્રમની સોંપણી કરી અવસાન. બાળકદાસજી (અવ. ઈ.સ. 1946) પરબના સંત. પંદરમા ગાદીપતિ મહંત. ઈ.સ. 1936માં ગંગામાતાજીએ મહંતપદે સ્થાપ્યા. અવ.વિ.સં. 2002 એમના પછી પરબના ઉત્તરાધિકારી રામદાસજી નાની વયના હોવાથી માણાવદરની જગ્યાના સંચાલક સેવાદાસજીને ગાદી સેાંપેલી.
બૂઢાબાવા: પરબના સંત જલારામજીના શિષ્ય. જગ્યા: તોરી-રામપુર. માઈ સાહેબ-ગોંડલમાં કોલેજ ચોક પાસે માઈ સાહેબમાંનો તકિયો છે. જ્યાં દર વર્ષે મેળો ભરાય છે. એ ફકીર જ્ઞાતિના પરબના સહેલાણશાહ-શેલાણી સાંઈનાં બહેન હતા. રતનાભગત રબારી ભક્તે (પરબ પરંપરાનાં કરમણના શિષ્ય) દેવકી ગાલોળ ગામે જગ્યા સંભાળી. એ જગ્યા કરમણે બાંધેલી. રૂડાભગત શાદૂળભગત (પરબ)ના શિષ્ય. રૂડાપીર તરીકે ઓળખાયા છે. મસ્તક કાપીને શાદૂળ ભગત પાસે મોકલાવ્યું મસ્તકની સમાધિ પરબ સ્થાનમાં ને ધડની સમાધિ આરામગાહ ‘કરિયા’ ગામથી થોડે છેટે એકધાર પર. વજસી ભગત-શાદૂળ ભગત (પરબ)ના શિષ્ય. કંડોરણા ગામે જગ્યા બાંધેલી.
કલે કલે તારી કૂંચી, પરબુંના પીર કલે કલે તારી કૂંચી..
પાંચ તતવનો બનાવ્યો બંગલો, બારી મેલી છે ઊંચી ઊંચી,
અઢારે વરણ છે એક જ પ્યાલે, જાત વરણ નહીં નીચી…
પરબુંના પીર કલે કલે તારી કૂંચી..0
સવરા મંડપમાં મારો સદગુરુ બેઠા, ન્યાં ચાર જુગની લહેરૂં મચી,
દેવંગી પરતાપે શાદુળ બોલ્યા, જાતી વૈકુંઠની વાતું પૂછી..
પરબુંના પીર કલે કલે તાી કૂંચી..
આપણ વાંચો: ગીતા મહિમાઃ સંન્યાસ ને ત્યાગ



