ધર્મતેજ
આચમન: મૃત્યુની પાર જઈ શકે એજ સંપત્તિ છે

સંપત્તિ ફક્ત એજ છે જેને મૃત્યુ નષ્ટ ન કરી શકે. જે મૃત્યુની પાર સાથે ન જઈ શકે એ વિપત્તિ જ હોઈ શકે
- અનવર વલિયાણી
એક વખત નાનક એક ગામમાં મહેમાન બનીને ગયા. એક બહુ મોટા ધનવાને તેમની પાસે આવીને કહ્યું કે,
- ‘મારી પાસે બહુ સંપત્તિ છે અને મારા મરવાનો સમય નજીક આવી રહ્યો છે. મારી બધી સંપત્તિ હું ધર્મ પાછળ વાપરવા ઈચ્છું છું…!’
- નાનકે નીચેથી ઉપર સુધી તે વ્યક્તિને જોઈ અને કહ્યું,
- ‘તું તો બહુ દરિદ્ર હોય એવું લાગે છે.’
- ‘તારી પાસે કોઈ સંપત્તિ હોય એવું લાગતું નથી.’
- નાનકની વાત સાંભળી ધનવાને કહ્યું,
- ‘હું સાદા પોષાકમાં છું એટલે તમને એવું લાગ્યું હશે. મને કોઈ એવું કામ બતાવો જેમાં હું મારી સંપત્તિ વાપરી શકું…!’
- નાનકે એક નાનકડી સોય તેને આપી કહ્યું,
- ‘મૃત્યુ પછી તું આ સોય મને પરત કરી દેજે!’
- તે માણસને નવાઈ લાગી.
- પરત ફરતી વખતે તે આખા રસ્તામાં વિચારતો રહ્યો કે નાનક પાગલ થઈ ગયા છે અથવા તો તેમણે મારી સાથે મજાક કરી છે.
- આખી રાત તેણે વિચાર્યું કે આ સોયને કેવી રીતે લઈ જઈશ? પણ કોઈ ઉપાય તેને મળતો ન હતો.
- તેણે અનેક પ્રકારે મુઠ્ઠી બંધ કરવા પ્રયત્ન કર્યો પરંતુ નિષ્ફળ નીવડયું.
- ધનવાનને આખી રાત ઊંઘ ન આવી.
- તે સવારે વહેલા ઊઠી નાનક પાસે ગયો અને તેમના પગ પકડીને કહ્યું કે,
- આ સોય પાછી લઈ લો.
- હું મૃત્યુ પછી તેને પાછી આપી શકીશ નહીં!’
- નાનકે કહ્યું,
- ‘માણસ મૃત્યુ પછી સોય પણ સાથે લઈ જઈ શકે તેમ નથી, તો પછી તારી સંપત્તિનું શું થશે? એ તારી મદદ કરી શકે તેમ નથી? સોયને તારા શરીરમાં ક્યાંક છુપાવી દે…!’
- ધનવાન બોલ્યો,
- ‘આ સોયને મૃત્યુની પાર લઈ જવામાં મારી સંપત્તિ મદદરૂપ બની શકે નહીં.’
આપણ વાચો: આચમનઃ હિન્દના મહાન સંત રામકૃષ્ણ પરમહંસ
‘મુંબઈ સમાચાર’ની દાયકાઓ જૂની આ ‘ધર્મતેજ પૂર્તિ’ના નાના મોટા સૌ વાચક શ્રદ્ધાળુ મિત્રો!
- આ વાર્તા પરથી શીખ મળે છે કે,
- સંપત્તિ ફકત એજ છે જેને મૃત્યુ નષ્ટ ન કરી શકે.
- જે મૃત્યુની પાર સાથે ન જઈ શકે એ વિપત્તિ જ હોઈ શકે છે.
- લોકો પુષ્કળ પ્રમાણમાં જમીન, મિલકત ભેગી કરે છે.
- મિલકત ભેગી કરવા આંધળી દોટ મૂકે છે.
- એ માટે ન કરવાનું પણ કરે છે.
- તમે જરા વિચારો કે મરતી વખતે એમાંથી આપણે કેટલું સાથે લઈ જઈ શકવાના છીએ?
- આ સનાતન એવા સત્યને બધા જાણે જ છે. છતાં તેને આચરણમાં, વ્યવહારમાં લાવવા તૈયાર થતા નથી. અમૃત સાધના લખે છે કે,
- ‘ધર્મગુરુઓ દ્વારા આવા લોકોને શિખવાડવાનો અંદાજ અનોખો હોય છે.’
પ્રેરણાસ્ત્રોત:
- સંગ્રહશીલ માણસ ક્યારેય લોકપ્રિય બનતો નથી, ને ઉદારદિલનો માણસ ક્યારેય અપ્રિય બનતો નથી.
- જે રીતે ચંદનમાં સુગંધ રહે છે,
- શેરડીમાં રસ રહે છે
- તે રીતે
- ભક્તમાં ભગવાન રહે છે.



