
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ ખાતે ગઈકાલે સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી જોવા મળેલો સુધારો આજે લંડન ખાતે જોવા નહોંતો મળ્યો. ખાસ કરીને વેપારને લગતા તણાવમાં ઘટાડો થવાથી સલામતી માટેની માગ ઓસરી જતા સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે ગઈકાલે અમેરિકી ટ્રેઝરી સચિવ સ્કોટ બૅસન્ટે અમેરિકાની પહેલી ટ્રેડ ડીલ ભારત સાથે થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
એકંદરે આજે વિશ્વ બજારમાં સોના-ચાંદીમાં નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા હાજરમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1173થી 1178નો ઉછાળો આવ્યો હતો, જેમાં શુદ્ધ સોનાએ ફરીથી રૂ. 96,000ની સપાટી કુદાવી હતી, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. પંચાવનનો સાધારણ સુધારો આવ્યો હતો.
આપણ વાંચો: લગ્નગાળા વચ્ચે મધ્યમવર્ગને ઝટકો; સોનાના ભાવ રૂ.1 લાખને પાર, જાણો કેમ વધી રહ્યા છે ભાવ
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, પરંતુ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. પંચાવનના સુધારા સાથે રૂ.96,481ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે સોનામાં વિશ્વ બજારથી વિપરીત ઓવરનાઈટ પ્રોત્સાહક પ્રોત્સાહક અહેવાલે મધ્યસત્ર દરમિયાન 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1173 વધીને રૂ. 95,900ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1178 વધીને રૂ. 96,286ના મથાળે રહ્યા હતા.
જોકે, વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ રહી હતી, પરંતુ આવતીકાલે અક્ષયતૃતીયાનાં સપરમાં દહાડે માગ ખુલવાનો આશાવાદ સેવાઈ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આપણ વાંચો: અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ કરારના સંકેત, સોનાના ભાવમાં થઇ શકે છે ઘટાડો
ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં ઘટ્યાં મથાળેથી જોવા મળેલો સુધારો ક્ષણભંગુર નિવડતા આજે લંડન ખાતે સત્રના આરંભે મુખ્યત્વે વેપારને લગતાં પરિબળોનાં તણાવ હળવા થવાના સંકેતો મળ્યા હોવાથી નરમાઈનું વલણ જોવા મળ્યું હોવાનું આઈજી માર્કેટનાં સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવતા ઉમેર્યું હતું કે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા ઘટીને આૈંસદીઠ 3314.65 ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.7 ટકા ઘટીને 3324.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા ઘટીને 32.98 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
દરમિયાન ગઈકાલે અમેરિકી ટ્રેઝરી સચિવ સ્કોટ બૅસેન્ટે જણાવ્યું હતું કે અમેરિકી ઊંચા ટૅરિફ ટાળવા માટે ઘણાં વેપાર ભાગીદાર દેશો સાથે વાટાઘાટો ચાલી રહી છે અને તેમાં પ્રગતિ પણ જોવા મળી રહી છે.
તેમણે ભારત સાથે પહેલી ડીલ થવાની શક્યતા વ્યક્ત કરી હતી. ચીને અમુક અમેરિકી ઉત્પાદનોને ટૅરિફમાંથી મુક્તિ આપવા લીધેલુ પગલું વેપારી તણાવ હળવો થવાના સંકેતો આપે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આપણ વાંચો: સોનાના ભાવમા સતત તેજીનો તરખાટ, અક્ષય તૃતીયા પર ભાવ વધવાની શકયતા
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર પણ સ્થાનિકમાં ઉત્પાદિત થતી કાર માટે થતી આયાત સામેની ટૅરિફમાં ઘટાડો કરશે, જોકે, રૉઈટર્સનાં સર્વેક્ષણ અનુસાર ટ્રમ્ની ટૅરિફને કારણે વેપારોનું સેન્ટિમેન્ટ ડહોળાયું હોવાથી ઘણાં અર્થશાસ્ત્રીઓએ વૈશ્વિક અર્થતંત્રો મંદીની ગર્તામાં સરી જાય તેવી ભીતિ વ્યક્ત કરી રહ્યા છે.
સામાન્યપણે રાજકીય અને નાણાકીય અસ્થિરતાના સંજોગોમાં સોનામાં સલામતી માટેની માગ રહેતી હોય છે. આથી જ ગત સપ્તાહે અનિશ્ચિતતામાં વધારો થવાથી હાજરમાં એક તબક્કે સોનાના ભાવ વધીને આૈંસદીઠ 3500.05 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા.
જોકે, હાલના તબક્કે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાનાં જોબ ઓપનિંગ ડેટા ઉપરાંત આવતીકાલે જાહેર થનારા પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચરના ડેટા પર સ્થિર થઈ છે.