વેપાર

વિશ્વ બજાર પાછળ ચાંદી વધુ રૂ. 2900 ગબડી, સોનામાં રૂ. 35નો ઘસરકો…

મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિની અમેરિકા સહિત વૈશ્વિક અર્થતંત્રો પર કેવી અસર પડશે અને ફેડરલ રિઝર્વ કેવી નાણાં નીતિ અપનાવે તેની રોકાણકારોમાં અવઢવ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ધીમો ઘટાડો આગળ ધપ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ વધુ 1.50 ટકાનો કડાકા સાથે ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા. આમ વૈશ્વિક બજારને અનુસરતા આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવમાં વધુ કિલોદીઠ રૂ. 2900નું ગાબડું પડ્યું હતું અને ભાવ રૂ. 94,000ની અંદર ઊતરી ગયા હતા અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 35નો સાધારણ ઘસરકો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય વેચવાલી અને જ્વેલરી ઉત્પાદકો તથા ઔદ્યોગિક વપરાશકારોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 2900નાં ગાબડાં સાથે રૂ. 93,057ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહેતા ભાવ 10 ગ્રામદીઠ રૂ. 35ના ઘટાડા સાથે 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 89,948 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 90,310ના મથાળે રહ્યા હતા.

ટ્રમ્પની ટેરિફની જાહેરાત પશ્ચાત તેની અસરોની અવઢવ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે બન્ને કિંમતી ધાતુઓમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે વધુ 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 3101.01 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ભાવમાં બે ટકા જેટલો ઘટાડો આવ્યો હોવા છતાં સાપ્તાહિક ધોરણે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં સતત પાંચમાં સપ્તાહમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું છે, તેમ જ સોનાના વાયદામાં પણ ભાવ વધુ 0.1 ટકા ઘટીને 3123 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, હાજર ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ રહ્યું હોવાથી ભાવ વધુ 1.50 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 31.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આ પણ વાંચો :વર્ષ 2025માં બે રેટ કટનાં ફેડરલના સંકેતે વૈશ્વિક સોનું નવી ટોચે

ટ્રમ્પની ટેરિફની જાહેરાત પશ્ચાત્‌‍ ટ્રેડ વૉર શરૂ થવાની શક્યતા સાથે વૈશ્વિક સ્તરે ભાવના જોખમો તોળાઈ રહ્યા હોવાનું ટેસ્ટીલાઈવનાં ગ્લોબલ મેક્રો વિભાગના હેડ ઈલ્યા સ્પિવિકે જણાવતાં ઉમેર્યું હતું કે ટ્રમ્પે અપનાવેલા ટેરિફનાં માર્ગમાં સ્પષ્ટતાનો અભાવ હોવાથી રોકાણકારો અવઢવમાં મૂકાઈ ગયા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

વિશ્લેષકોના મતાનુસાર ફેડરલ રિઝર્વના અધિકારીઓ પણ ટ્રમ્પની વેપાર યોજનાઓ અંગેની વિગતોની રાહ જોઈ રહ્યા છે કેમ કે ટેરિફને કારણે ભવિષ્યમાં અમેરિકાના અર્થતંત્રમાં નાટ્યાત્મક પરિવર્તનો આવા શક્ે છે. જોકે, હાલમાં રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button