માત્ર 5000માં ધંધો શરૂ કરનાર યુવક લાવશે 3820 કરોડનો IPO, યુ-ટ્યુબ ચેનલ ફળી | મુંબઈ સમાચાર
વેપાર

માત્ર 5000માં ધંધો શરૂ કરનાર યુવક લાવશે 3820 કરોડનો IPO, યુ-ટ્યુબ ચેનલ ફળી

અત્યારે સમયમાં સૌથી સેફ રોકાણ માટે લોકો IPO (Initial public offering)નો વિકલ્પ પણ પસંદ કરે છે, કેમ કે અહિં ઓછા રોકાણ વધુ ફાયદો મળી શકે છે. એમા પણ 2025માં IPO બજાર માટે ઉજ્જવળ વર્ષ તરીકે સાબિત થઈ રહ્યું છે. જેમાં એક પછી એક મોટા ઈશ્યૂઓ સામે આવી રહ્યા છે. આ શ્રેણીમાં હવે એડટેક યુનિકોર્ન ફિઝિક્સવાલા પણ સામેલ થયું છે, જેણે 3,820 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) પાસે આઈપીઓના દસ્તાવેજો દાખલ કર્યા છે. ફિઝિક્સવાલાની શરૂઆતની સફર ખૂબ પ્રેરણાદાયક છે, જેમાં અલખ પાંડેએ નાનકડા ટ્યૂશનથી શરૂઆત કરીને એક વિશાળ શૈક્ષણિક સામ્રાજ્ય ઊભું કર્યું અને ભારતના સૌથી યુવા અબજોપતિઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

3820 કરોડ રૂપિયાના IPOની તૈયારી

ફિઝિક્સવાલાએ 6 સપ્ટેમ્બર, 2025ના રોજ સેબી પાસે અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) દાખલ કરીને 3,820 કરોડ રૂપિયાનો આઈપીઓ લોન્ચ કરવાની તૈયારી શરૂ કરી છે. આ આઈપીઓમાં 3,100 કરોડ રૂપિયાના નવા શેર જાહેર થશે, જ્યારે કો-ફાઉન્ડર અલખ પાંડે અને પ્રતીક મહેશ્વરી ઓફર ફોર સેલ (OFS) દ્વારા દરેક 360 કરોડ રૂપિયાના શેરોનું વેચાણ કરશે. આ બંને કો-ફાઉન્ડર હાલમાં કંપનીમાં 40.35% હિસ્સો ધરાવે છે.

યુટ્યુબથી શરૂઆત, યુનિકોર્ન સુધી

ફિઝિક્સવાલાની શરૂઆત 2016માં અલખ પાંડેએ એક યુટ્યુબ ચેનલ તરીકે થઈ હતી. જેના લેક્ચર વીડિયોએ વિદ્યાર્થીઓમાં ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. 2020 સુધીમાં આ ચેનલ એક વ્યાપક એડટેક પ્લેટફોર્મ બની ગઈ, જે ઓનલાઈન અને ઓફલાઈન કોચિંગ, પરીક્ષા તૈયારી અને કૌશલ્ય વિકાસના કાર્યક્રમો ઓફર કરે છે. FY23થી FY25 દરમિયાન તેની આવક 97% CAGRના દરે વધી, જ્યારે ઓફલાઈન સેન્ટર્સની સંખ્યા 166% CAGRના દરે વધી. ઉત્કર્ષ ક્લાસિસ અને ઝાયલમ લર્નિંગ જેવા ટેકઓવરએ કંપનીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં મજબૂત સ્થાન આપ્યું, અને ફિઝિક્સવાલા એક યુનિકોર્ન બની ગયું.

એક વિચારે બદલ્યું જીવન

અલખ પાંડે, જેઓ ટ્યૂશન ભણાવીને મહિને માત્ર 5,000 રૂપિયા કમાતા હતા, તેમણે બીટેક પૂર્ણ કર્યું, પરંતુ નોકરીના બદલે શિક્ષણના ક્ષેત્રે આગળ વધવાનું પસંદ કર્યું. 2016માં, જ્યારે ભારતમાં સસ્તી 4જી સેવાઓ શરૂ થઈ, ત્યારે અલખે પ્રતીક મહેશ્વરી સાથે મળીને ‘ફિઝિક્સવાલા’ યુટ્યુબ ચેનલ શરૂ કરી. 2018 સુધીમાં તેમની ચેનલે 50,000 સબ્સ્ક્રાઈબર્સ મેળવ્યા, અને લેક્ચર વીડિયોને લાખો વ્યૂઝ મળવા લાગ્યા. તેણે ઓછી ફીમાં ઓનલાઈન કોચિંગ આપતું એક મોબાઈલ એપ બનાવ્યું, જેના 69 લાખથી વધુ સબ્સ્ક્રાઈબર્સ અને 50 લાખથી વધુ ડાઉનલોડ્સ થયા. 2020માં ફિઝિક્સવાલાને કંપની એક્ટ હેઠળ નોંધવામાં આવી, અને હવે તેની બજાર કિંમત આશરે 3 અબજ ડોલર છે. ઉલ્લેખનીય વાત એ છે કે અલખે કરોડો રૂપિયાના જોબ ઓફર્સ પણ નકારી હતી.

યુવા અબજોપતિ અલખ પાંડે

અલખ પાંડેનું બાળપણ આર્થિક મુશ્કેલીઓમાં વીત્યું. તેના પિતા કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર હતા, પરંતુ ધંધામાં નુકસાન થતાં અલખ ત્રીજા ધોરણમાં હતા ત્યારે ઘરનો અડધો ભાગ વેચાઈ ગયો, અને છઠ્ઠા ધોરણ સુધીમાં આખું ઘર વેચાઈ ગયું. આઠમા ધોરણમાં અલખે નાના બાળકોને ટ્યૂશન ભણાવવાનું શરૂ કર્યું. તેમની સતત મહેનત અને નવીન વિચારોએ ફિઝિક્સવાલાને એડટેક ક્ષેત્રમાં અગ્રણી બનાવ્યું. 2024માં હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં અલખ પાંડે ભારતના સૌથી યુવા અબજોપતિઓમાં સામેલ થયા, જેમની નેટવર્થ 4,500 કરોડ રૂપિયા આંકવામાં આવી.

આ પણ વાંચો…થોડા પૈસા બચ્યા હોય તો સાચવી રાખજોઃ એક બે નહીં 13 મોટી કંપનીના IPO આવી રહ્યા છે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button