ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં વિશ્વ બજાર પાછળો સોનામાં રૂ. 1645નો અને ચાંદીમાં રૂ. 1675નો ચમકારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ ઉપરાંત આજે અમેરિકાના વ્યાપક વેરા બિલ અંગે અમેરિકી કૉંગે્રસમાં ચર્ચા થવાની હોવાથી સલામતી માટેની માગનો ટેકો મળતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદામાં તથા ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓના ભાવ વધી આવ્યા હતા.
વધુમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો છ પૈસા નરમાઈ સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરો વધવાને કારણે પણ તેજીને ટેકો મળ્યો હતો, જેમાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1639થી 1645 અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 1675 વધી આવ્યા હતા.
આપણ વાંચો: સોનાના ભાવમાં અઠવાડિયામાં 3.5 ટકાનો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે વેરા રહિત ધોરણે ભાવ કિલોદીઠ 1675 વધીને રૂ. 97,475ના મથાળે અને 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરા રહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1639ની તેજી સાથે રૂ. 95,070ના મથાળે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1645 વધીને રૂ. 95,452ના મથાળે રહ્યા હતા.
જોકે, તેજીના માહોલમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો તથા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી મર્યાદિત રહી હતી.
આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ઘટીને ગત સાતમી મે પછીની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ વેરા બિલની અમેરિકી કૉંગે્રસમાં થનારી ચર્ચાને ધ્યાનમાં લેતા અમેરિકાની રાજકોષીય સ્થિતિની ચિંતા સપાટી પર આવતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.9 ટકા વધીને આૈંસદીઠ 3319.51 ડૉલર અને વાયદામાં ભાવ 1.1 ટકા વધીને 3320.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આપણ વાંચો: સોનાના ભાવમાં થઇ રહ્યો છે સતત ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ
નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ વધીને ગત 12મી મે પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ આજે લંડન ખાતે હાજરમાં ચાંદીના ભાવ પણ ગઈકાલના બંધ સામે 0.2 ટકા વધીને આૈંસદીઠ 33.14 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
મૂડીઝ દ્વારા અમેરિકાના ક્રેડિટ રેટિંગ્સમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ 24 કલાકમાં ડૉલર ઈન્ડેક્સમાં એક પૉઈન્ટનો ઘટાડો આવી ગયો છે. વધુમાં ટ્રમ્પનું ટેક્સ બિલ પસાર થવાની ચિંતાને કારણે પણ ડૉલરમાં પીછેહઠ જોવા મળતા સોનામાં સુધારાને ટેકો મળ્યો હોવાનું મેરેક્સના વિશ્લેષક એડવર્ડ મેઈરે જણાવ્યું હતું.
આપણ વાંચો: લગ્નગાળા વચ્ચે મધ્યમવર્ગને ઝટકો; સોનાના ભાવ રૂ.1 લાખને પાર, જાણો કેમ વધી રહ્યા છે ભાવ
એકંદરે ટ્રમ્પના વેરા કપાતના અને ખર્ચ અંગેના બિલને પસાર કરવામાં કટોકટીનો સામનો કરવો પડશે કેમ કે અમેરિકી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવમાં મેડિકેડ હેલ્થ પ્રોગ્રામમાં કાપ અને અને ઊંચા ખર્ચવાળા દરિયાકાંઠાના રાજ્યોમાં કરવેરા રાહતો અંગેના આંતરિક મતભેદ દૂર કરવાનાં પ્રયાસો રિપબ્લિકન કરી રહ્યા છે.
સામાન્યપણે નીચા વ્યાજદર, આર્થિક અને રાજકીય અનિશ્ચિતતાના સંજોગોમાં સોનામાં સલામતી માટેની માગ રહેતી હોય છે. આગામી મધ્યમથી લાંબા સમયગાળા દરમિયાન સુધારાતરફી વલણ જળવાઈ રહેશે. જોકે, અમેરિકાની સકારાત્મક ટ્રેડ ડીલ તેજી અવરોધી શકે છે, એમ કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે સોનું પુનઃ આૈંસદીઠ 3500 ડૉલરની સપાટી અંકે કરે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
વધુમાં ગઈકાલે લુઈસ ફેડનાં પ્રમુખ અલ્બર્ટોએ ઈકોનોમિક ક્લબ ઑફ મિન્નેલોટાને જણાવ્યું હતું કે વેપારને લગતા તણાવ દૂર થતાં શ્રમ બજારમાં મજબૂત સુધારો જળવાઈ રહેવાની સાથે ફુગાવો પણ ફેડરલની બે ટકાની લક્ષ્યાંકિત સપાટી અંકે કરશે તેમ જણાય છે.