વેપાર

ટ્રમ્પની રેસિપ્રોકલ ટેરિફની ચિંતા વચ્ચે વિશ્વ બજાર પાછળ સોના-ચાંદીમાં આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
આગામી બીજી એપ્રિલથી ટ્રમ્પની રેસિપ્રોકલ ટેરિફની યોજનાના અમલ અને તેની અસરોની ચિંતા વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભમાં સોના અને ચાંદીમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના નિર્દેશો ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો સાત પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી આયાત પડતરોમાં વધારો થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 46થી 47નો ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 857 વધીને ફરી રૂ. 98,000ની સપાટીએ વટાવી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ વધી આવ્યાના નિર્દેશો સાથે આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 857ની તેજી સાથે રૂ. 98,779ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 46ના સાધારણ સુધારા સાથે રૂ. 87,446 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 47 વધીને રૂ. 87,798ના મથાળે રહ્યા હતા.

આપણ વાંચો: સરકારે સોના અને ચાંદીના ફાઈન્િંડગ્સ અને સિક્કાઓ પરની આયાત જકાત વધારીને ૧૫ ટકા કરી

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના આૈંસદીઠ ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા વધીને 3026.38 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ 0.1 ટકા વધીને 3030.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના વધ્યા મથાળા આસાપસ આૈંસદીઠ 33.75 ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા. ટ્રમ્પની રેસિપ્રોકલ ટેરિફની યોજનાને કારણે અમેરિકાની આર્થિક વૃદ્ધિ મંદ પડવાની અને ફુગાવામાં વૃદ્ધિ થવાની ચિંતાને ધ્યાનમાં લેતા હાલમાં સોનામાં સુધારાને ટેકો મળી રહ્યો હોવાનું એએનઝેડનાં કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ સોની કુમારીએ જણાવ્યું હતું.

વધુમાં ગઈકાલે જાહેર થયેલી આંકડાકીય માહિતી અનુસાર ગત માર્ચ મહિનામાં અમેરિકા ખાતે ગ્રાહક વિશ્વાસ ભાવાંક અથવા તો ક્નઝ્યુમર કોન્ફિડૅન્સ ઈન્ડેક્સ ઘટીને ચાર વર્ષના તળિયે પહોંચ્યો હોવાના અહેવાલ સાથે મંદીની તથા ટેરિફને કારણે ફુગાવો વધવાની ભીતિ સપાટી પર આવી હતી. નોંધનીય બાબત એ છે કે આર્થિક અનિશ્ચિતતા અને રાજકીય-ભૌગોલિક તણાવને ધ્યાનમાં લેતા વર્ષ 2025માં અત્યાર સુધીમાં સોનામાં હેજરૂપી માગને ટેકે ભાવમાં 15 ટકા જેટલો ઉછાળો આવી ગયો છે અને ગત 20મી માર્ચના રોજ સોનાના ભાવ વધીને આૈંસદીઠ 3057.21 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા.

આપણ વાંચો: ભગવાન રામલલાની ચરણ પાદુકા આટલા સોના અને ચાંદીમાંથી બનેલી છે

જોકે, હવે બજારની નજર ફેડરલ રિઝર્વનાં અધિકારીઓની રેટ કટની ટિપ્પણીઓ પર તેમ જ આગામી શુક્રવારે જાહેર થનારા અમેરિકાનાં પર્સનલ ક્નઝ્મ્પશન એક્સ્પેન્ડિચરનાં ડેટા પર સ્થિર થઈ છે.

એકંદરે ટ્રમ્પની ટેરિફની નીતિ અને તેની અસરરૂપે આર્થિક વૃદ્ધિ મંદ પડવાની અને ફુગાવો વધવાની શક્યતા અને ફુગાવો વધતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાત ઓછી કરે તેમ હોવાથી અમારા મતે આગામી સપ્ટેમ્બર સુધીમાં સોનાના વૈશ્વિક ભાવ વધીને આૈંસદીઠ 3200 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય, એમ સોની કુમારીએ ઉમેર્યું હતું. જોકે, ઓએએનડીએનાં એશિયા પેસિફિક વિભાગનાં માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ કેલ્વિન વૉન્ગના મતાનુસાર આગામી ટૂંકા સમયગાળામાં વૈશ્શ્વક સોના માટે આૈંસદીઠ 3038 ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થઈ શકે છે જો આ ભાવ સપાટી પાર થઈ જાય તો ભાવ વધીને 3058 ડૉલર સુધી પહોંચી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button