વેપાર

ટ્રમ્પની વેપાર-વેરાની નીતિઓની ચિંતા વચ્ચે વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 186નો અને ચાંદીમાં રૂ. 852નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકામાં આગામી થોડા સમયગાળા પશ્ચાત્‌‍ ડૉનલ્ડ ટ્રમ્પના પ્રમુખપદ હેઠળ વેપાર અને વેરાની નીતિમાં થનારા બદલાવની ચિંતા વચ્ચે આજે લંડન ખાતે વર્ષ 2025નાં પહેલા સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા.

આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો નવ પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં વધારો થતાં સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 186નો સુધારો આવ્યો હતો. તેમ જ વિશ્વ બજાર પાછળ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીનું આકર્ષણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 852 વધી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં વિશ્વ બજારમાં ભાવ 1.60 ટકા જેટલા ઉછળી આવ્યાના નિર્દેશો સાથે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીનું આકર્ષણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 852 ઉછળીને રૂ. 86,907ના મથાળે રહ્યા હતા.

આપણ વાંચો: સોનામાં ઘટ્યા મથાળેથી રૂ. 372નો સુધારો, ચાંદી રૂ. 117 ઘટી

વધુમાં મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને રૂપિયો નબળો પડ્યો હોવાથી ભાવ 10 ગ્રામદીઠ રૂ. 186 વધીને 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 76,462 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 76,769ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી મર્યાદિત રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ગત કૅલૅન્ડર વર્ષ 2024માં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતનો આશાવાદ, કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી અને રાજકીય-ભૌગોલિક તણાવને કારણે વૈશ્વિક સોનામાં 27 ટકાનો ઉછાળો નોંધાયા બાદ આજે લંડન ખાતે વર્ષ 2025નાં પ્રથમ સત્રના આરંભે ખાસ કરીને નવા ચૂંટાયેલા અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ હોદ્દો અખત્યાર કરતાં વેપાર અને વેરાની નીતિમાં થનારા સંભવિત પરિવર્તન અને તેની અર્થતંત્ર પર પડનારી અસરો તથા ફેડરલ રિઝર્વ કેવી નાણાં નીતિ અપનાવશે તેની અવઢવ વચ્ચે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.4 ટકા વધીને આૈંસદીઠ 2633.38 ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.2 ટકા વધીને 2645.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 1.6 ટકા વધીને આૈંસદીઠ 29.32 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આપણ વાંચો: વિશ્વ બજારથી વિપરીત ચાંદીમાં રૂ. 1495ની અને સોનામાં રૂ. 149ની નરમાઈ

હાલમાં વૈશ્વિક સોનું કોન્સોલિડેશનનાં તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને બે્રકઆઉટની રાહ જોઈ રહ્યું છે. મારા મતાનુસાર આ બે્રકઆઉટ તેજીતરફી હોય શકે, એમ કેપિટલ ડૉટ કૉમના વિશ્લેષક ક્યેલ રોડ્ડાએ જણઆવતાં ઉમેર્યું હતું કે વર્ષ 2025માં ખાસ કરીને રાજકીય-ભૌગોલિક જોખમો અને ટ્રમ્પના વહીવટીતંત્રમાં રાજકોષીય ખાધ દબાણ હેઠળ આવે તેવી શક્યતા જોતા ફેડરલ રિઝર્વ સામે વ્યાજદરમાં કપાતમાં પડકારો સર્જાય તેમ હોવાથી સલામતી માટેની માગને ટેકે સોનામાં તેજીનું વલણ જળવાઈ રહે તેવી શક્યતા પ્રબળ જણાય છે.

જોકે, આગામી ટૂંકા સમયગાળા માટે હવે બજારની નજર આગામી સપ્તાહે જાહેર થનારા અમેરિકાના આર્થિક ડેટાઓ અને આગામી 20મી જાન્યુઆરીની ટ્રમ્પની પ્રમુખપદની સોગંદવિધી પછી તેની ટેરિફ અંગેની નીતિઓ પર અવલંબિત રહેશે. તેમ છતાં હાલમાં ટ્રેડરોનું માનવું છે કે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાત માટે આગામી સમયગાળામાં સાવચેતીનો અભિગમ અપનાવશે. આથી જ આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી જાન્યુઆરી મહિનાની બેઠકમાં વ્યાજદરમાં કપાત મૂકે તેવી માત્ર 11.2 ટકા શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button