વેપાર

વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 35નો અને ચાંદીમાં રૂ. 136નો ધીમો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓ અપેક્ષા કરતાં ઓછી આક્રમક રહેવાના ટ્રેડરોનાં આશાવાદે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો.

જોકે, રોકાણકારો અમેરિકાના જોબ ડેટાની રાહ જોઈ રહ્યા હોવાથી તેઓની લેવાલી પાંખી રહી હતી. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જળવાઈ રહ્યું હોવાથી આજે ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 35નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 136નો ધીમો સુધારો જોવા મળ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટો, ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 136ના સુધારા સાથે રૂ. 89,288ના મથાળે રહ્યા હતા.

આપણ વાંચો: ટ્રમ્પની વેપાર-વેરાની નીતિઓની ચિંતા વચ્ચે વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 186નો અને ચાંદીમાં રૂ. 852નો સુધારો

તે જ પ્રમાણે સોનામાં મધ્યસત્ર દરમિયાન પાંખાં કામકાજો વચ્ચે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 35 વધીને 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 76,887 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 77,196ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં રોકાણકારો, સ્ટોકિસ્ટોની લેવાલી છૂટીછવાઈ હતી, જ્યારે કમૂહર્તાને કારણે રિટેલ સ્તરની લેવાલી નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સની નરમાઈના ટેકે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા વધીને આૈંસદીઠ 2644.79 ડૉલર અને વાયદામાં ભાવ 0.3 ટકા વધીને 2655 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા વધીને આૈંસદીઠ 30.12 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

હાલમાં ડૉલર ઈન્ડેક્સમાં તેજી શાંત થતાં સોનાના ભાવ સ્થિર થવા મથી રહ્યા છે, પરંતુ અમેરિકી ટ્રેઝરીની ઊંચી યિલ્ડ મોટો સુધારો રૂંધી રહી હોવાનું આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે હાલ અમેરિકી 10 વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ વધીને મે, 2024 પછીની ઊંચી સપાટીએ પહોંચી છે, જ્યારે આજે ડૉલર ઈન્ડેક્સ એક સપ્તાહની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો છે.

આપણ વાંચો: વિશ્વ બજારથી વિપરીત ચાંદીમાં રૂ. 1495ની અને સોનામાં રૂ. 149ની નરમાઈ

ડાનૅલ્ડ ટ્રમ્પનાં સહયોગીઓ અમેરિકાનાં રાષ્ટ્રીય સલામતી અને આર્થિક સલામતી માટેનાં મહત્ત્વના ક્ષેત્રોમાં જ ટેરિફનાં ઊંચા દરની યોજના ધરાવશે, એવાં અહેવાલો વહેતા થતાં આજે ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ અને સોનામાં સુધારો જોવા મળ્યો હતો. જોકે, ટ્રમ્પે આ અહેવાલને રદીયો આપ્યો હોવાથી પુનઃ ટ્રમ્પની નીતિઓ અંગેની અનિશ્ચિતતા સપાટી પર આવી હોવાના અહેવાલ હતા.

સામાન્યપણે આર્થિક અને રાજકીય-ભૌગોલિક અનિશ્ચિતતા તથા વધતા ફુગાવાના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગ રહેતી હોય છે. જોકે, હવે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના એડીપી એમ્પ્લોયમેન્ટ ડેટા અને આવતીકાલે જાહેર થનારી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ પર સ્થિર થઈ છે.

જો અમેરિકામાં બેરોજગારીનો દર 4.2 ટકા આસપાસ સ્થિર રહે તો ફેડરલ રિઝર્વ માટે વર્ષ દરમિયાન બે કરતાં વધુ વખત વ્યાજદરમાં કપાતનો અવકાશ રહેશે અને જો આ શક્ય બને તો સોનામાં સુધારાને ટેકો મળશે, એમ યીપે વધુમાં ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button