અક્ષય તૃતીયાના દિવસે સોનાનો ભાવ ઓલ ટાઇમ હાઇ પહોંચવાની શકયતા, જાણો લેટેસ્ટ ભાવ

મુંબઇ: અમેરિકન ટેરિફ વોરની જાહેરાત બાદ વૈશ્વિક શેરબજારમાં મચેલી અફડા તફડીએ સોનાની માંગમાં વધારો કર્યો હતો. જેના લીધે સોનાના ભાવમાં વધારો થયો છે. તેમજ ભારતમાં લગ્ન સિઝનના લીધે પણ સોનાની વધતી માંગે સોનાના ભાવમાં વધારો કર્યો છે. ત્યારે હવે 30 એપ્રિલના રોજ અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદીના પગલે ફરી એક વાર માંગ વધતા ભાવમાં ફેરફાર જોવા મળશે તેમ નિષ્ણાતો માને છે.
સોનાના ભાવમાં 25 ટકાનો વધારો
હાલ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 1 લાખ રૂપિયાની આસપાસ ચાલી રહ્યા છે. તેથી જ્વેલર્સ આશા રાખી રહ્યા છે કે આ અક્ષય તૃતીયા પર હળવા વજનના ઝવેરાત અને અન્ય વસ્તુઓની માંગ વધશે. અક્ષય તૃતીયાને કિંમતી ધાતુઓ ખરીદવા માટે શુભ દિવસ માનવામાં આવે છે.ચાલુ વર્ષે સોનાના ભાવમાં 25 ટકાનો વધારો થયો છે. જ્યારે ગત અક્ષય તૃતીયાથી સોનાના ભાવમાં 40 ટકાનો વધારો જોવા મળ્યો છે.
સોનાના બજાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યુમાં ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ચેરમેને જણાવ્યું હતું કે જેમ જેમ અક્ષય તૃતીયા નજીક આવી રહી છે.તેમ તેમ સોનાના બજાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતમાં અક્ષય તૃતીયાનું સાંસ્કૃતિક મહત્વ ખૂબ જ વધારે છે. જે પરંપરાગત રીતે સોનાની ખરીદીમાં વધારાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે આ વર્ષે સોનાના ઊંચા ભાવ હોવા છતાં હળવા વજનની વસ્તુઓ અથવા જવેલરીની સારી માંગની આશા છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે MCX પર સોનું 95,075 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે નબળું ટ્રેડ થઈ રહ્યું હતું.
અક્ષય તૃતીયા પર વેચાણ વધવાની આશા
નિષ્ણાતોના મતે સુરક્ષિત રોકાણ તરીકે સોનાનું કાયમી આકર્ષણ જળવાયેલું છે. આ અક્ષય તૃતીયામાં વેચાણમાં સકારાત્મક વધારો થવાની શક્યતા છે. તેમણે કહ્યું કે બજારમાં માંગ વધારવા માટે ઉદ્યોગ વિવિધ બજેટ અને પસંદગીઓને ધ્યાનમાં રાખીને ઉત્પાદનોની વિશાળ શ્રેણી ઓફર કરી રહ્યો છે.
સોનાએ રોકાણકારોને 29.60 ટકા વળતર આપ્યું
ગયા વર્ષે, અક્ષય તૃતીયાના અવસર પર દેશના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાનો ભાવ 10 મેના રોજ પ્રતિ દસ ગ્રામ 72,727 રૂપિયા હતો. જે 25 એપ્રિલ 2024ના રોજ પ્રતિ દસ ગ્રામ 94,256 રૂપિયા પર પહોંચી ગયો છે. આનો અર્થ એ થયો કે સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ 21,529 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. એટલે કે સોનાએ રોકાણકારોને 29.60 ટકા વળતર આપ્યું છે.