સોનાની લગડી પર ઊંચા ટૅરિફને ટ્રમ્પના રદિયાથી હાજર સોનામાં 1.50 ટકાના કડાકા બાદ ધીમો સુધારો
સ્થાનિક સોનું રૂ. 408 તૂટ્યું, ચાંદીમાં રૂ. 92નો ધીમો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે સોનાની લગડી અથવા તો ગોલ્ડ બાર પર ઊંચી ટૅરિફ લાદવામાં નહીં આવે એવું જણાવતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં 1.50 ટકા જેટલો કડાકો બોલાઈ ગયા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના જુલાઈ મહિનાના ફુગાવાના ડેટા પર હોવાથી હાજરમાં સોનાના ભાવ ઘટ્યા મથાળેથી સાધારણ સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યા હતા અને વાયદામાં સાધારણ ઘટાડો આવ્યો હતો. તેમ જ ચાંદીમાં પણ ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો. આમ વૈશ્વિક ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો 14 પૈસા વધીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરો ઘટવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 407થી 408નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 92 વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં ખાસ કરીને વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 92ના સાધારણ સુધારા સાથે રૂ. 1,13,593ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે ઓવરનાઈટ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ અને રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 407ના ઘટાડા સાથે રૂ. 99,150 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 408 ઘટીને રૂ. 99,549ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ રાબેતા મુજબ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: અમેરિકાએ ગોલ્ડ બારની આયાત પર ટૅરિફ લાદી હોવાના અહેવાલે સોનાનો વાયદો 1.4 ટકા ઉછળ્યો…
દરમિયાન ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની સોનાની લગડી પર ઊંચી જકાત અંગેની શક્યતાઓને નકારી કાઢતાં ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજર અને વાયદાના ભાવમાં ઊંચા મથાળેથી કડાકા બોલાઈ ગયા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ઘટ્યા મથાળેથી 0.1 ટકાના સુધારા સાથે આૈંસદીઠ 3348.41 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ સાધારણ 0.2 ટકા ઘટીને 3397.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.7 ટકા વધીને આૈંસદીઠ 37.89 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે મોડી સાંજે અમેરિકાના જુલાઈ મહિનાના ફુગાવા અથવા તો ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પર સ્થિર થઈ છે. જોકે, બજાર વર્તુળો ફુગાવામાં 0.3 ટકા જેટલો વધારો થવાનો આશાવાદ રાખી રહી છે. જો, ફુગાવામાં બજારની અપેક્ષા કરતાં ઓછો વધારો જોવા મળશે તો ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા બળવત્તર બનશે, એમ ઓએએનડીએનાં વિશ્લેષક કેલ્વિન વૉન્ગે જણાવ્યું હતું.
જોકે, આગામી સપ્ટેમ્બર મહિનામાં ફેડરલ રિઝર્વ વ્યાજકમાં કાપ મૂકે તેવી 85 ટકા શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો મૂકી રહ્યા છે. વધુમાં અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ચીનથી થતી આયાત સામે ઊંચા ટૅરિફના દર લાદવાની મુદ્દત વધુ 90 દિવસ લંબાવી હોવાના અહેવાલની બજાર પર કોઈ ખાસ અસર નહોંતી જોવા મળી.