વૈશ્વિક ચાંદી બે વર્ષથી વધુ નીચી સપાટીએ પહોંચતા સ્થાનિક ચાંદી રૂ. ૨૫૦૦ના કડાકા સાથે રૂ. ૫૨,૦૦૦ની અંદર

બિઝનેસ વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ડૉલર ઈન્ડેક્સની મજબૂતાઈ સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ચાંદીના ભાવ ઘટીને જૂન ૨૦૨૦ પછીની સૌથી નીચી સપાટીએ અને સોનાના ભાવ વધુ ૦.૩ ટકાના ઘટાડા સાથે ગત જુલાઈ ૨૧ પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્ય સત્ર દરમિયાન મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૫૦૦ના કડાકા સાથે રૂ. ૫૨,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયા હતા, જ્યારે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૮૪થી ૭૮૭ ઘટી આવ્યા હતા. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો બેતરફી વધઘટે અથડાઈને સાધારણ એક પૈસાના સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાના ભાવ પર તેની ખાસ અસર નહોંતી જોવા મળી.

બજારના સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૫૦૦ના કડાકા સાથે રૂ. ૫૧,૮૫૦ના મથાળે રહ્યા હતા. વધુમાં સોનામાં પણ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલી સામે રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૮૪ના ઘટાડા સાથે રૂ. ૫૦,૧૯૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૮૭ના ઘટાડા સાથે રૂ. ૫૦,૪૦૧ના મથાળે રહ્યા હતા.

અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત અન્ડરટોન જળવાઈ રહેતાં રોકાણકારો અને સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૧૭૦૬.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, તે પૂર્વે એક તબક્કે ભાવ ઘટીને જુલાઈ ૨૧ પછીની સૌથી નીચી ઔંસદીઠ ૧૭૦૧.૧૦ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૧૭૧૭.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું પ્રબળ દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી નિરસ રહેતાં ભાવ ગઈકાલના બંધથી એક ટકાના ઘટાડા સાથે બે વર્ષ કરતાં વધુ સમયગાળાની નીચી ઔંસદીઠ ૧૭.૭૯ ડૉલર આસપાસની સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા.

અત્રે નોંધનીય બાબત એ છે કે ગત ઑગસ્ટ મહિનામાં માસિક ધોરણે સતત પાંચમાં મહિનામાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સતત પાંચ મહિના સુધી માસિક ધોરણે ભાવમાં ઘટાડો વર્ષ ૨૦૧૮ પછીનો સૌથી મોટો લાંબો સમયગાળો રહ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.