વેપાર

ડૉલર સામે રૂપિયો નબળો પડતાં વિશ્વ બજારથી વિપરીત સોનામાં રૂ. 284નો સુધારો, ચાંદીમાં રૂ. છનો ઘસરકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહ્યું હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા.

જોકે, ડૉલર ઈન્ડેક્સ મજબૂત રહેતાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 11 પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી આજે મધ્યસત્ર દરમિયાન સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 283થી 284નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. છનો સાધારણ ઘસરકો જોવા મળ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વિશ્વ બજારમાં ચાંદીનાં ભાવ ટકેલા રહ્યા હોવાથી સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટો અને જ્વેલરી ઉત્પાદકોનો નવી લેવાલીમાં નિરુત્સાહ તેમ જ ઔદ્યોગિક વપરાશકારોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. છના સાધારણ ઘટાડા સાથે રૂ. 89,468ના મથાળે રહ્યા હતા.

પણ વાંચો: Gold Price Today: લગ્નન સિઝનની ખરીદી ઘટતા સોનાના ભાવમાં થયો ફેરફાર, જાણો લેટેસ્ટ ભાવ…

જોકે, આજે સોનામાં ખાસ કરીને રૂપિયો નબળો પડ્યો હોવાથી આયાત પડતરો વધી આવતા મધ્યસત્ર દરમિયાન 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 283 વધીને રૂ. 77,100 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 284 વધીને રૂ. 77,410ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેવાની સાથે અમેરિકાની 10 વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ વધીને આઠ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 2645.64 ડૉલર અને વાયદામાં ભાવ 0.3 ટકા ઘટીને 2658.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ આસપાસ આૈંસદીઠ 29.99 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આ વર્ષે અમેરિકી ફેડરલ રિઝર્વની પૉલિસીમાં બહુ ફેરફાર ન થાય તેવી ધારણા સાથે આજે ડૉલર ઈન્ડેક્સમાં બાઉન્સબૅક અને ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ જોવા મળતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું ઓએએનડીએનાં માર્કેટ એનાલિસ્ટ કેલ્વિન વૉન્ગે જણાવ્યું હતું.

આપણ વાંચો: Gold Price Hike : સોનાના ભાવમાં થયો વધારો, આ કારણો છે જવાબદાર

ગત નવેમ્બર મહિનામાં અમેરિકા ખાતે નવેમ્બર મહિનાના જોબ ઓપનિંગના ડેટા પ્રોત્સાહક આવ્યા હતા. જોકે, હવે રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાનાં નોન ફાર્મ પૅરૉલ ડેટા પર સ્થિર થઈ છે.

હાલમાં સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ વર્ષ 2025માં વ્યાજદરમાં માત્ર એક જ વખત કાપ મૂકે તેવી શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે, અગાઉ બે વખત વ્યાજદરમાં કપાતની શક્યતા મૂકાઈ રહી હતી.

જો અમેરિકાનાં આર્થિક ડેટાઓ નબળા આવે તો વધુ વખત વ્યાજદરમાં કપાતનો આશાવાદ સપાટી પર આવતા સોનામાં સુધારાતરફી વલણ જોવા મળી શકે છે, એમ કેસીએમ ટ્રેડનાં વિશ્લેષકે એક નોટ્સમાં જણાવ્યું હતું .

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button