વેપાર

અમેરિકા-બ્રિટન વચ્ચે ટ્રેડ ડીલના આશાવાદે વૈશ્વિક સોનામાં પીછેહઠ

સ્થાનિકમાં શુદ્ધ સોનું રૂ. 1402 ગબડીને રૂ. 97,000ની અંદર, ચાંદી રૂ. 1174 ઘટી

મુંબઈઃ ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં એક ટકા જેટલો ઉછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને અમેરિકા અને બ્રિટન વચ્ચે ટ્રેડ ડીલ થઈ જવાના આશાવાદ ઉપરાંત સપ્તાહના અંતે ટ્રેડ ડીલ અંગે અમેરિકા તથા ચીન વચ્ચે થનારી વાટાઘાટને ધ્યાનમાં લેતા સોનામાં સલામતી માટેની માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. જોકે, ગત બુધવારે ભારતે પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના મથકો પર હવાઈ હુમલો કર્યા બાદ પાકિસ્તાન તેનો વળતો જવાબ આપે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા છૂટીછવાઈ સલામતી માટેની માગને કારણે સોનામાં મોટો ઘટાડો અટક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1396થી 1402નો ઘટાડો આવ્યો હતો, જેમાં શુદ્ધ સોનાએ રૂ. 97,000ની સપાટી ગુમાવી હતી. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો 37 પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરો વધવાથી ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. 1174 ઘટીને રૂ. 95,000ની અંદર ઊતરી ગયા હતા.

ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર આજે મધ્યસત્ર દરમિયાન હાજરમાં વેરા રહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 10 ગ્રામદીઠ રૂ. 1396 ઘટીને રૂ. 95,640 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1402 ઘટીને રૂ. 96,024ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની વધુ ભાવઘટાડાના આશાવાદે માગ નિરસ રહી હતી. વધુમાં આજે મધ્ય સત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 1174 ઘટીને રૂ. 94,600ના મથાળે રહ્યા હતા.

અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ આજે (ગુરુવારે) અમેરિકા-બ્રિટન વચ્ચેની ટ્રેડ ડીલની જાહેરાત કરે તેવી શક્યતા ગઈકાલે ન્યૂ યોર્ક ટાઈમ્સે વ્યક્ત કરતાં અહેવાલ ઉપરાંત અમેરિકા-ચીન વચ્ચે વેપાર વાટાઘાટના આશાવાદ હેઠળ આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સલામતી માટેની માગ નિરસ રહેતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા ઘટીને આૈંસદીઠ 3336.49 ડૉલર અને વાયદામાં ભાવ 1.5 ટકા ઘટીને 3342.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકા ઘટીને આૈંસદીઠ 32.43 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે અમેરિકાનાં ટ્રેડ ડીલના અહેવાલોને ધ્યાનમાં લેતા વૈશ્વિક ટ્રેડ વૉરનો તણાવ હળવો થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું રિલાયન્સ સિક્યોરિટીઝનાં વિશ્લેષક જિગર ત્રિવેદીએ જણાવ્યું હતું. દરમિયાન ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વે બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર જાળવી રાખ્યા હતા. તેમ જ અમેરિકી પ્રમુખ ટ્રમ્પની વેપાર નીતિને ધ્યાનમાં લેતા ફુગાવામાં અને બેરોજગારીમાં વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હોવાથી અમારા મતે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠક પૂર્વે વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા નથી જણાતી, એમ ત્રિવેદીએ ઉમેર્યું હતું.

જોકે, ગોલ્ડ સિલ્વર સેન્ટ્રલનાં મેનેજિંગ ડિરેક્ટર બ્રિઆન લાને જણાવ્યું હતું કે ગયા મહિને પહલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર કરેલા હુમલાના પ્રતિસાદમાં ગત બુધવારે ભારતે પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના મથકો પર હવાઈ હુમલા કર્યા હતા અને હવે જો પાકિસ્તાન તેના વળતા જવાબમાં જો કોઈ પગલાં લે અને તણાવ વધે તો સોનામાં સલામતી માટેની માગમાં વધારો થાય તેવી શક્યતા નકારી ન શકાય.

આ પણ વાંચો….ચીનની અમુક અમેરિકી ઉત્પાદનોની આયાતને ટૅરિફમાંથી મુક્તિની વિચારણાએ વૈશ્વિક સોનામાં પીછેહઠ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button