વેપાર

ચીને અમેરિકા સામે ટેરિફ વૃદ્ધિના પગલાં લેતા વૈશ્વિક સોનું વિક્રમ સપાટીની નજીક

શુદ્ધ સોનું રૂ. 259 વધીને રૂ. 83,000ની લગોલગ, ચાંદી રૂ. 162 વધી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકાએ ચીનથી થતી આયાત સામે 10 ટકા ટેરિફ લાદવાના પગલાંના વળતા જવાબરૂપે ચીને પણ અમેરિકાથી થતી આયાત સામે ટેરિફ લાદતા ટ્રેડ વૉરના મંડાણ શરૂ થતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ એક તબક્કે વધીને આૈંસદીઠ 2830.49 ડૉલરની ઊંચી સપાટીએ પહોંચીને પાછા ફર્યા હતા.

જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભમાં સોનાના હાજર ભાવમાં ટકેલું વલણ હતું, જ્યારે વાયદામાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હતો અને ચાંદીના ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો. આમ વૈશ્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 258થી 259 વધી આવ્યા હતા.

જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ઘટ્યા મથાળેથી પાંચ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતર ઘટવાને કારણે વિશ્વ બજારની તુલનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.

આપણ વાંચો: ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવમાં હજાર રુપિયાનું ગાબડું, જાણો લેટેસ્ટ ભાવ

જોકે, આજે શુદ્ધ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 83,000ની લગોલગ પહોંચ્યા હતા. વધુમાં આજે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 162નો સુધારો આગળ ધપ્યો હતો.

આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે હાજરમાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 258 વધીને રૂ. 82,631 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 259 વધીને રૂ. 82,963ના મથાળે રહ્યા હતા.

જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં આજે 999 ટચ ચાંદીમાં પણ મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 162 વધીને રૂ. 93,475ના મથાળે રહ્યા હતા. જોકે, સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, પરંતુ ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ માગ જળવાઈ રહી હતી.

આપણ વાંચો: સોનાચાંદીમાં જોરદાર તેજીઃ શુદ્ધ સોનાના ભાવ 81,000 રુપિયાને પાર

ચીને અમેરિકાની ટેરિફ વૃદ્ધિના વળતા જવાબમાં અમેરિકાથી થતી આયાત સામે ટેરિફ લાદતાં વિશ્વના બે ટોચના અર્થતંત્રોમાં ટ્રેડ વૉરના મંડાણ થતાં વૈશ્વિક સ્તરે સપ્લાઈ ચેઈન ખોડંગાવાની ભીતિ સપાટી પર આવતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર એક તબક્કે સોનાના ભાવ વધીને આૈંસદીઠ 2830.49 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ નફારૂપી વેચવાલીના દબાણે પીછેહઠ જોવા મળી હતી.

જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધ આસપાસ આૈંસદીઠ 2811.59 ડૉલરની સપાટીએ ટકેલા રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 2840.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા વધીને આૈંસદીઠ 31.46 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આપણ વાંચો: મુંબઈ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં આજે જોવા મળ્યો ચમકારો, જાણો લેટેસ્ટ ભાવ…

તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવા છતાં અમેરિકા-ચીન વચ્ચેનાં ટ્રેડ વૉરમાં ટેરિફ વૃદ્ધિનો વ્યાપ વધુ હોવાની શક્યતાને ધ્યાનમાં લેતાં સોનામાં સલામતી માટેની મજબૂત માગને ટેકે ભાવમાં તેજીનું વલણ જોવા મળ્યું હોવાનું એબીસી રિફાઈનરીના ઈન્સ્ટિટ્યૂશનલ માર્કેટના ગ્લોબલ હેડ નિકોલસ ફ્રેપેલે જણાવ્યું હતું.

વધુમાં આઈજી માર્કેટનાં સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉંગે જણાવ્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળામાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 2874 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા જણાય છે.

વધુમાં હાલ રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા એડીપી એમ્પ્લોયમેન્ટ ડેટા તેમ જ શુક્રવારે જાહેર થનારા અમેરિકાના જોબ ડેટા પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button