વેપાર

ડૉલર ત્રણ વર્ષના તળિયે અને ટ્રેડ વૉરની ચિંતામાં વૈશ્વિક સોનું 3400 ડૉલરની લગોલગ

સ્થાનિક સોનામાં રૂ. 1677નો ઝડપી ઉછાળો, ચાંદી રૂ. 1049 ચમકી

મુંબઈઃ અમેરિકા અને ચીન વચ્ચેનાં ટ્રેડ વૉરને કારણે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પર માઠી અસર પડવાની ભીતિ હેઠળ વૈશ્વિક સોનામાં સલામતી માટેની પ્રબળ માંગ ઉપરાંત આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ત્રણ વર્ષના તળિયે પહોંચતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં 1.9 ટકાનો અને વાયદામાં 2.2 ટકાનો તથા ચાંદીમાં 0.8 ટકાનો ઉછાળો આવ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1670થી 1677 ઉછળીને ફરી રૂ. 96,000ની સપાટી કુદાવી ગયા હતા, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1049નો ચમકારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1670ની તેજી સાથે રૂ. 96,200ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1677 વધીને રૂ. 96,587ના મથાળે રહ્યા હતા. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં 30 પૈસાનો સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. તેમ છતાં આજે ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી.

વધુમાં આજે 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની ખપપૂરતી માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1049ના સુધારા સાથે રૂ. 96,200ના મથાળે હ્હ્યા હતા.
આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ત્રણ વર્ષના તળિયે બેસી જવાથી રોકાણકારોનું સોનામાં આકર્ષણ વધવાની સાથે પ્રવર્તમાન ટ્રેડ વૉરની ચિંતા અને ટ્રેડ વૉરને કારણે વૈશ્વિક પુરવઠા ચેઈન ખોરવાતા આર્થિક વૃદ્ધિની ચિંતાને ધ્યાનમાં લેતા સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 1.9 ટકાની તેજી સાથે આૈંસદીઠ 3400 ડૉલરની લગોલગ 3391.02 આસપાસ અને વાયદામાં ભાવ 2.2 ટકા વધીને 3402.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.8 ટકા વધીને આૈંસદીઠ 32.84 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.

આ પણ વાંચો…બેંક શેરોમાં આગ ઝરતી તેજી સાથે સેન્સેક્સમાં ૧૦૦૦ પોઈન્ટનો ઉછાળો

એકંદરે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈથી રોકાણકારો ઉપરાંત કેન્દ્રવર્તી બૅન્કોનું સોનામાં આકર્ષણ વધવાની સાથે અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વૉરને કારણે અમેરિકામાં સ્ટેગફ્લેશનની ચિંતામાં સોનામાં તેજીનું વલણ જોવા મળી રહ્યું હોવાનું આઈજી માર્કેટનાં સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવ્યું હતું.

નોંધનીય બાબત એ છે કે અગાઉ ગત બીજી એપ્રિલના રોજ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન સહિતનાં ઘણાં દેશો સામે રેસિપ્રોકલ ટૅરિફની જાહેરાત કરી હતી, પરંતુ ત્યાર બાદ અમેરિકી વહીવટીતંત્રએ ચીનને બાકાત રાખીને અન્ય દેશો પર લાદેલી ટૅરિફ 90 દિવસ સુધી મોકૂફ રાખી હતી અને અમેરિકા સાથે વેપર કરાર કરવા માટેનો સમયગાળો આપ્યો હતો. જોકે, આજે ચીને એવી ચીમકી આપી હતી કે અમેરિકા સાથે વેપાર કરાર કરનાર દેશોને આર્થિક નુકસાન સહન કરવું પડશે. વધુમાં ટ્રમ્પ દ્વારા અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ પર રેટ કટ માટે દબાણ થઈ રહ્યું છે, પરંતુ પૉવૅલ મચક આપતા ન હોવાથી તેમને પદભ્રષ્ટ કરવા માટેની શક્યતાઓ તપાસી રહ્યા છે.

આમ એક તરફ આર્થિક ચિંતાઓ અને બીજી તરફ રશિયા-યુક્રેન વચ્ચેની રાજકીય-ભૌગોલિક ચિંતાઓ સોનાની તેજીને ઈંધણ પૂરું પાડી રહ્યા હોવાનું રૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે હાલની સ્થિતિને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળામાં સોનાના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 3500 ડૉલર સુધી પણ પહોંચી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button