મધ્ય પૂર્વના દેશોમાં તણાવ હળવો થવાના સંકેતે વૈશ્ર્વિક સોનામાં એક ટકાથી વધુ ઘટાડો
સ્થાનિક સોનામાં રૂ. ૨૪૩ની અને ચાંદીમાં રૂ. ૯૧૪ની પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે આંતરરાષ્ટ્રીય સ્તરે તહેરાને ઈઝરાયલનાં ડ્રોન હુમલાને નકારી કાઢતાં મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ હળવી થતાં આજે લંડન ખાતે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ નબળી પડતાં સત્રના આરંભે હાજરમાં ભાવ ૧.૪ ટકા અને વાયદામાં ભાવ ૧.૮ ટકાના ઘટાડા સાથે ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં ૩.૨ ટકાનું ગાબડું પડ્યું હોવાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સાત પૈસા જેટલો સુધારો જોવા મળતાં સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪૨થી ૨૪૩નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૯૧૪નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની પણ માગ ખપપૂરતી રહેતાં હાજરમાં ભાવ કિલોદીઠ રૂ. ૯૧૪ના ઘટાડા સાથે રૂ. ૮૧,૯૩૯ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વિશ્ર્વ બજારનાં નરમાઈતરફી અહેવાલ, સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી અને ડૉલર સામે રૂપિયામાં મજબૂત વલણ રહેતાં મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪૨ ઘટીને રૂ. ૭૨,૮૬૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૪૩ ઘટીને રૂ. ૭૩,૧૬૧ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આપણ વાંચો: ફેડરલના વ્યાજદર કપાતની ચિંતા કોરાણે મૂકીને મધ્યપૂર્વના દેશોના તણાવ વચ્ચે સોનામાં તેજીનો ઉકળતો ચરુ
એકંદરે આજે મધ્યપૂર્વનાં દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવ હળવો થતાં સોનામાં સલામતી માટેની માગ ખસી જતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. વધુમાં હવે રોકાણકારોની નજર સપ્તાહના અંત આસપાસ જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા પર સ્થિર થઈ હોવાથી રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૧.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૫૭.૧૯ ડૉલર અને વાયદામાં ભાવ ૧.૮ ટકા ઘટીને ૨૩૭૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે ૩.૨ ટકાના કડાકા સાથે ઔંસદીઠ ૨૭.૭૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા સોનાના ભાવ ઊંચી સપાટીએ હોય તેમ જણાય છે. તેમ જ રોકાણકારો જોખમી અસ્ક્યામતો તરફ વળ્યા હોવાથી આજે વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં પણ સુધારાનું વલણ જોવા મળ્યું હોવાનું ઓએએનડીએનાં એશિયાપેસિફિક વિસ્તારનાં એનાલિસ્ટ કેલ્વિન વૉંગે જણાવ્યું હતું. વધુમાં સિટી રિસર્ચે એક નોટ્સમાં જણાવ્યું હતું કે તાજેતરમાં સોનાચાંદીમાં વધ્યા મથાળેથી પુલબેક જોવા મળ્યા બાદ અમારા મતે બીજા ત્રિમાસિકગાળાનાં અંત આસપાસ સોના અને ચાંદીના વૈશ્ર્વિક ભાવ અનુક્રમે ઔંસદીઠ ૨૫૦૦ ડૉલર અને ઔંસદીઠ ૩૦થી ૩૨ ડૉલર આસપાસની સપાટીએ રહે તેવી શક્યતા છે.