વેપાર

વૈશ્વિક સોનામાં બે સપ્તાહની નીચી સપાટીએથી લેવાલીને ટેકે બાઉન્સબૅક

સ્થાનિકમાં શુદ્ધ સોનાએ રૂ. 968ના ઘટાડે રૂ. 94,000ની સપાટી ગુમાવી, ચાંદીમાં રૂ. 161ની નરમાઈ

મુંબઈઃ આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રેડ વૉરનો તણાવ હળવો થતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં સલામતી માટેની માગમાં ઘટાડો થતાં હાજરમાં સોનાના ભાવ ઘટીને એપ્રિલ મધ્ય પછીની નીચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ઘટ્યા મથાળેથી રોકાણકારોની લેવાલી નીકળતાં ભાવમાં બાઉન્સબૅક જોવા મળ્યું હતું. જોકે, આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં બે ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. વધુમાં આજે ચાંદીના ભાવમાં પણ સુધારો આવ્યો હતો.

ગઈકાલે સ્થાનિક ઝવેરી બજાર મહારાષ્ટ્ર દિન નિમિત્તે બંધ રહ્યા બાદ આજે ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલ ઉપરાંત આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં 42 પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં પણ ઘટાડો થવાથી આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 964થી 968નો ઘટાડો આવ્યો હતો જેમાં શુદ્ધ સોનાના ભાવે રૂ. 968ના ઘટાડા સાથે રૂ. 94,000ની સપાટી ગુમાવી હતી. તેમ જ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 161નો સાધારણ ઘટાડો આવ્યો હતો. તાજેતરમાં સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહેવાની સાથે અખાત્રીજ જેવા તહેવારો અને લગ્નસરાની મોસમ પણ ચાલી રહી હોવાથી ડીલરો આ સપ્તાહમાં પાંચ મહિનામાં પહેલી વખત સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં પ્રીમિયમમાં ક્વૉટ કરી રહ્યાના અહેવાલ હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલ અને ડૉલર સામે રૂપિયો મજબૂત થતાં આયાત પડતર ઘટવાને કારણે વેરા રહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા બંધ સામે 10 ગ્રામદીઠ રૂ. 964ના ઘટાડા સાથે રૂ. 93,019 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 968 ઘટીને રૂ. 93,393ના મથાળે રહ્યા હતા. જોકે, સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ ખપપૂરતી રહી હતી. વધુમાં આજે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે વેરા રહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 161ના સાધારણ ઘટાડા સાથે રૂ. 94,200ના મથાળે રહ્યા હતા.

ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ ઘટીને બે સપ્તાહની નીચી સપાટી સુધી પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોનું બાર્ગેઈન હંન્ટિંગ નીકળતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા વધીને આૈંસદીઠ 3254.51 ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.3 ટકા વધીને 3263 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે આજે રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકના નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર હોવાથી અમુક અંશે તેઓમાં સાવચેતીનું વલણ પણ જોવા મળ્યું હતું, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા વધીને આૈંસદીઠ 32.57 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

હાલના તબક્કે ટ્રેડ વૉરનો તણાવ હળવો થયો હોવા છતાં ઘણી બધી અનિશ્ચિતતા હોવાથી હજુ રોકાણકારોનું સોનામાં આકર્ષણ જળવાયેલું રહેશે, એમ એએનઝેડ કૉમૉડિટીઝનાં સ્ટ્રેટેજિસ્ટ સોનીકુમારીએ જણાવતાં ઉમેર્યું હતું કે સોનામાં પ્રત્યેક ઘટાડાને ખરીદીની તક ગણી શકાય તેમ છે. જો સોનાના ભાવ ઘટીને 3000 ડૉલર સુધી પહોંચે તો રોકાણલક્ષી માગ પ્રબળ રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.

બીજિંગ અમેરિકાની ટૅરિફ અંગેની ઓફરની ચકાસણી કરી રહ્યું છે અને વાટાઘાટો માટે તૈયાર પણ છે, પરંતુ કોઈપણ પ્રકારની બળજબરીને સાંખી લેવામાં નહીં આવે એવી ચેતવણી ચીનનાં વાણિજ્ય મંત્રાલયે આપી છે. નોંધનીય બાબત એ છે કે ટ્રેડ વૉરની વૈશ્વિક બજાર પર માઠી અસર પડવાની ભીતિ હેઠળ સોનામાં સલામતી માટેની માગને ટેકે ગત બાવીસમી એપ્રિલના રોજ ભાવ વધીને આૈંસદીઠ 3500.05 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા.

હવે બજારની નજર ફેડરલ રિઝર્વનાં રેટ કટનાં નિર્ણયમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર સ્થિર થઈ છે. જોકે, એપ્રિલ મહિનામાં નોન ફાર્મ પૅ રૉલ ડેટામાં રોજગારોની સંખ્યામાં 1,30,000નો ઉમેરો થવાની ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. નોંધનીય બાબત એ છે સોનાના વૈશ્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનની બજારો તા.1થી પ મે સુધી લેબર ડૅ નિમિત્તે બંધ રહેનાર છે.

આ પણ વાંચો:…ચીનની અમુક અમેરિકી ઉત્પાદનોની આયાતને ટૅરિફમાંથી મુક્તિની વિચારણાએ વૈશ્વિક સોનામાં પીછેહઠ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button