વેપાર અને વાણિજ્ય

સોનાના ભાવમાં તેજી રહેતાં માગ ચાર વર્ષનાં તળિયે પહોંચવાની શક્યતા: વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ

મુંબઈ: ગત માર્ચનાં અંતે પૂરા થયેલા ત્રિમાસિકગાળામાં દેશમાં સોનાની માગમાં વર્ષાનુવર્ષ ધોરણે આઠ ટકાનો વધારો થયો છે, પરંતુ તાજેતરમાં સલામતી માટેની માગને ટેકે વિશ્ર્વ બજાર પાછળ જોવા મળેલી તેજીને ધ્યાનમાં લેતાં વર્ષ ૨૦૨૪માં દેશની સોનાની વપરાશી માગ ચાર વર્ષની નીચી સપાટીએ પહોંચે તેવી શક્યતા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે એક અહેવાલમાં વ્યક્ત કરી છે.

વર્ષ ૨૦૨૪માં દેશની સોનાની માગ ૭૦૦થી ૮૦૦ ટન આસપાસની સપાટીએ રહેશે, પરંતુ જો ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહે તો માગમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ભારત ખાતેના ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર સચીન જૈને જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે અગાઉ કાઉન્સિલે સોનાના વૈશ્ર્વિક વપરાશકાર દેશ ચીન બાદ બીજો ક્રમાંક ધરાવતા ભારતની વર્ષ ૨૦૨૪ની માગ ૮૦૦થી ૯૦૦ ટન આસપાસ રહેવાનો અંદાજ મૂક્યો હતો. જોકે, વર્ષ ૨૦૨૩માં ભારતની વપરાશી માગ આગલા વર્ષની સરખામણીમાં ૧.૭ ટકા ઘટીને ૭૬૧ ટનની સપાટીએ રહી હતી.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ મહિને દેશમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૩,૯૫૮ (૮૮૫.૭૨ ડૉલર)ની વિક્રમ સપાટીએ પહોંચ્યા હતા. વર્ષ ૨૦૨૩માં સોનાના ભાવમાં ૧૦ ટકા જેટલો વધારો જોવા મળ્યા બાદ વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધીમાં ૧૩ ટકા કરતાં વધુ માત્રામાં વધારો જોવા મળ્યો છે. એકંદરે સોનાના ભાવ વધવાને કારણે વળતરમાં વધારો થવાથી રોકાણલક્ષી માગમાં વધારો થાય છે, પરંતુ આભૂષણો માટેની માગમાં ઘટાડો થતો હોય છે સામાન્યપણે આ બન્ને માગ મળીને કુલ વપરાશી માગ રહેતી હોય છે.

વર્ષ ૨૦૨૪નાં પહેલા ત્રિમાસિકગાળામાં અથવા તો ગત જાન્યુઆરીથી માર્ચ દરમિયાન સોનાની માગમાં આઠ ટકા વધીને ૧૩૬.૬ ટનની સપાટીએ રહી હતી. જેમાં રોકાણલક્ષી માગમાં ૧૯ ટકાનો અને આભૂષણો માટેની માગમાં ચાર ટકાનો વધારો થયો હોવાનું કાઉન્સિલે અહેવાલમાં જણાવ્યું છે. વધુમાં ભાવ વધવાને કારણે જૂના સોનાનો પુરવઠો ૧૦ ટકા વધીને બીજા ક્રમાંકની વિક્રમ ૩૮.૩ ટનની સપાટીએ રહ્યો હતો.

સમીક્ષા હેઠળના સમયગાળામાં ગુડી પડવા અથવા તો અમુક પ્રાંતોમાં ઉગાડી તરીકે ઓળખાતા અને સોનાની ખરીદી માટે શુકનવંતો તહેવાર ગણાય ત્યારે ભાવ વિક્રમ સપાટી આસપાસ હોવાથી માગ નબળી રહી હોવાનું કાઉન્સિલના સીઈઓએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી અખાત્રીજનાં તહેવારમાં પણ માગ નબળી રહેવાની શક્યતા છે.

વધુમાં કાઉન્સિલે અહેવાલમાં જણાવ્યું હતું કે રિઝર્વ બૅન્કની આંકડાકીય માહિતી અનુસાર ગત માર્ચ અંતે દેશની સોનાની અનામત આગલા વર્ષનાં ૧૬ ટન સામે વધીને ૧૯ ટનની સપાટીએ રહી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…