
કવર સ્ટોરીઃ નિલેશ વાઘેલા
ક્રિપ્ટો કરન્સીમાં બેફામ સટ્ટો થાય છે અને તેના ભાવમાં પણ ભળતી જ આસમાની સુલતાની જોવા મળે છે. આમ છતાં સામાન્ય રિટેલ રોકાણકારો અને સામાન્ય ગૃહિણીઓ પણ ઝડપથી પૈસા કમાવાની લાલચમાં ક્રિપ્ટોના સટ્ટામાં ઝંપલાવી રહી હોવાનું જોવા મળે છે.
આ જોખમો ધ્યાનમાં લેતા ખાસ કરીને ભારતીય રિઝર્વ બેન્કે આ કરન્સીને સત્તાવાર માન્યતા આપી નથી અને સરકારે તેના પર કરવેરા જરૂર લાદ્યા છે, પરંતુ તેને સત્તાવાર ઘોષિત કરી નથી. આ ઉપરાંત, ક્રિપ્ટોનો ઉપયોગ હવાલા માટે થતો હોવાની આશંકાઓ વચ્ચે સર્વોચ્ચ અદાલતે સરકારને ક્રિપ્ટો સંદર્ભે સત્તાવાર સ્પષ્ટતા કરવા સૂચના આપી હતી.
આ વાતને જોકે કેટલાંક વર્ષો થઇ ગયા, પરંતુ સરકારે હવે ક્રિપ્ટો ટ્રેડિંગ માટે પાંચ કડક નિયમો જાહેર કર્યા છે. આવો જાણીએ કે આ નિયમો આભાસી ચલણના દુરુપયોગને અંકુશમાં લેવામાં નિયમનકારી સંસ્થાઓને માટે કઇ રીતે ઉપયોગી નિવડશે!
ક્રિપ્ટો ટ્રેડિગ એલર્ટ: ભારતમાં બિટકોઇન અને ક્રિપ્ટોનો વેપાર કરનારાઓ માટે સરકારે નાણાં મંત્રાલય હેઠળના ફાઇનાન્શિયલ ઇન્ટેલિજેન્સ યુનિટના નિર્દેશો હેઠળ કડક નિયમો જાહેર કર્યા છે. નવા ફેરફાર અનુસાર હવે લોકેશન ટ્રેકિગ, લાઇવ સેલ્ફી કેવાયસી, વીપીએન પર પ્રતિબંધ, ભંડોળના સ્રોત વિશેની માહિતી અને લાભાર્થીઓની વિગતો હવે ફરજિયાત રહેશે.
આ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓના એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે. ભારતમાં બિટકોઇન અથવા ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરનારાઓએ હવે આ નિયમો પાળવાના રહેશે. સરકાર અને ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (એફઆઇયુ-ઇન્ડ)એ ભારતમાં બિટકોઇન, ઇથેરિયમ (ઇટીએચ) અથવા અન્ય કોઈપણ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારાઓ માટે ઉપરોક્ત કડક નિયમો લાગુ કર્યા છે.
મની લોન્ડરિગ અને ઓનલાઈન છેતરપિંડી જેવી ઘટનાઓ અટકાવવા માટે દેશમાં ક્રિપ્ટો એક્સચેન્જોને અંકુશ હેઠળ લાવવા માટે આ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. સરવાળે કોઈપણ ભારતીય એક્સચેન્જ અથવા ભારતમાં નોંધાયેલા કોઈપણ વિદેશી એક્સચેન્જ પર ટ્રેડિગ હવે પહેલા જેટલું સરળ નથી રહેવાનું.
લોકેશન ટ્રેકિગ: સૌથી મોટો અને મહત્ત્વનો ફેરફાર લોકેશન સંબંધિત છે. હવે, જ્યારે પણ તમે ક્રિપ્ટો એપમાં લોગ ઇન કરશો, ત્યારે એપ તમારા લાઇવ લોકેશનની ઍક્સેસ માગશે. જો તમે લોકેશન એક્સેસ (આઇપી એડે્રસ) નહીં આપો અથવા આઇપી એડ્રેસ ભારતની બહારનું મળી આવે, તો તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે. સરકારનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે વપરાશકર્તાઓ ભારતીય નિયમોનું પાલન કરે.
લાઈવ સેલ્ફી: ફક્ત આધાર કાર્ડ અથવા પેન કાર્ડ અપલોડ કરવું હવે પર્યાપ્ત નથી. કેવાયસી વધુ કડક કરવામાં આવ્યું છે, હવેથી લાઈવનેસ ચેક ફરજિયાત બની ગયું છે. હવે તમારે એપ પર લાઈવ સેલ્ફી લેવાની જરૂર પડશે અને ક્યારેક વીડિયો વેરિફિકેશન આપવાની જરૂર પડી શકે છે. આ પગલું નકલી એકાઉન્ટ બંધ કરવા માટે લેવામાં આવ્યું છે.
વીપીએન ઉપયોગ પર પ્રતિબંધ: વેપારીઓ ઘણીવાર તેમની ઓળખ છુપાવવા માટે વીપીએન (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક)નો ઉપયોગ કરે છે. નવા નિયમો અનુસાર, જો સિસ્ટમને ખબર પડે કે તમે વીપીએનનો ઉપયોગ કરી રહ્યા છો, તો એક્સચેન્જને તાત્કાલિક તમારા વ્યવહારને અવરોધિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ભંડોળનો સ્રોત: જો તમે ચોક્કસ થ્રેશોલ્ડ (દા.ત., રૂ.50,000 કે તેથી વધુ)થી વધુ ભંડોળનું રોકાણ કરો છો, તો તમારે ભંડોળનો સ્રોત જાહેર કરવો આવશ્યક છે. આ માટે એક્સચેન્જ તમારી પાસેથી બેંક સ્ટેટમેન્ટ અથવા પગાર સ્લિપની વિનંતી કરી શકે છે.
બેનિફિશિઅરીની માહિતી: ક્રિપ્ટો ટ્રાન્સફર સંદર્ભે ટ્રાવેલ રૂલ્સનો કડક અમલ કરવામાં આવશે. જો તમે તમારા વોલેટમાંથી બીજા કોઈના વોલેટમાં ક્રિપ્ટો મોકલી રહ્યા છો, તો તમારે એક્સચેન્જને રિસિવરનું નામ, સરનામું અને વોલેટની વિગતો આપવી પડશે. સંપૂર્ણ માહિતી વિના, વ્યવહાર નિષ્ફળ જશે.
શું ભારતમાં બિટકોઇન માઇનિંગ કાયદેસર છે?
ભારતમાં ક્રિપ્ટો ટે્રડિગ કાયદેસર છે, પરંતુ તે કડક નિયમોને આધીન છે. સરકાર ક્રિપ્ટો કરન્સીને મિલકત (વીડીએ) તરીકે ગણે છે, જે કાનૂની ટેન્ડર નથી, પરંતુ તેના પર કરવેરા અને ડીડીએસ સહિતના કમ્પ્લાયન્સ લાગુ થાય છે.
સરળ ભાષામાં ક્રિપ્ટોકરન્સીને વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (વીપીએન) ગણવામાં આવે છે. તમે કાયદેસર રીતે તેમાં ખરીદી, વેચાણ, હોલ્ડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, પરંતુ તે કાયદેસર ટેન્ડર એટલે કે ચલણ નથી. ભારતમાં વર્તમાન ક્રિપ્ટો ટેક્સ નિયમો હેઠળ, ક્રિપ્ટોના વેચાણ અથવા ટ્રાન્સફરથી થતા નફા પર 30 ટકાના દરે કર લાદવામાં આવે છે.
2026થી, ક્રિપ્ટોકરન્સીને આવકવેરા કાયદા, 1961 હેઠળ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (વીડીએ) તરીકે કાયદેસર રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. આનાથી ભારતમાં ક્રિપ્ટો કરન્સી રાખવી, ખરીદવી અને વેચવી કાયદેસર બને છે. જો કે, ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ ચલણ તરીકે થઈ શકતો નથી.
ભારતમાં બિટકોઈન ટ્રેડિગ હવાલા ટ્રેડિગનું નવું સ્વરૂપ હોવાની આશંકા: સુપ્રીમ કોર્ટે લગભગ આઠ મહિના પહેલા ક્રિપ્ટો કરન્સી નિયમન પ્રણાલીના અભાવ પર ખેદ વ્યક્ત કર્યો હતો. સુપ્રીમ કોર્ટે એવી ટિપ્પણી કરી હતી કે, ભારતમાં બિટકોઈન ટ્રેડિગ હવાલા ટ્રેડિગના નવા સ્વરૂપ સાથે વ્યવહાર કરવા જેવું છે.
કોર્ટે ખેદ વ્યક્ત કર્યો હતો કે કેન્દ્ર સરકારે હજુ સુધી ક્રિપ્ટો કરન્સીને નિયંત્રિત કરવા માટે કોઈ સિસ્ટમ સ્થાપિત કરી નથી. ન્યાયાધીશ સૂર્યકાંત અને એન. કોટિશ્વર સિંહની બેન્ચે નોંધ્યું હતું કે કોર્ટે બે વર્ષ પહેલાં કેન્દ્ર સરકારને ક્રિપ્ટો કરન્સી ટ્રેડિગ અંગેની તેની નીતિ વિશે કોર્ટને જાણ કરવા કહ્યું હતું, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી.
ગેરકાયદેસર બિટકોઈન ટ્રેડિગ માટે ધરપકડ કરાયેલા એક વ્યક્તિની જામીન અરજીની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ અવલોકન કર્યું હતું. 25 ફેબ્રુઆરી, 2022ના રોજ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો, કે શું ક્રિપ્ટો કરન્સી ટ્રેડિગને નિયંત્રિત કરવા માટે કોઈ કાયદો છે? કોર્ટ બિટકોઈન ટ્રેડિગ અને ઉચ્ચ વળતરનું વચન આપીને દેશભરમાં રોકાણકારો સાથે છેતરપિંડી કરવાના આરોપસર એક વ્યક્તિ સામે દાખલ કરાયેલી અનેક એફઆઇઆર રદ કરવા સંબંધિત કેસની સુનાવણી કરી રહી હતી.
હાલ જ્યારે ભૂ-રાજકીય તંગદિલી રોજ વધતી જાય છે અને તેને કારણે એકતરફ ઇક્વિટી માર્કેટમાં જબરદસ્ત ધોવાણ થઇ રહ્યું છે અને બીજી તરફ સોનાચાંદી તેમ જ કોમોડિટીમાં દાઝી જવાય એવી તેજી ભભૂકતી જાય છે ત્યારે ક્રિપ્ટો તરફ વધી રહેલા પ્રવાહને જોતા સરકારે આખરે આ બાબતને ગંભીર લઇને નિયમો ઘડ્યા છે. હવે તેની ક્રિપ્ટોના ટ્રેડિંગ પર કેવી અસર પડે છે, તે જોવી રહી!
આપણ વાંચો: અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોનું વિક્રમ સપાટીની લગોલગ



