વેપાર

વિશ્વ બજારથી વિપરીત શુદ્ધ સોનું રૂ. 5444 વધીને ફરી રૂ. 97,000ની પાર, ચાંદી રૂ. 318 વધી

મુંબઈઃ પ્રવર્તમાન આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે અમેરિકાના પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં વધ્યા મથાળેથી સાધારણ ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં વિશ્વ બજારથી વિપરીત ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતાં બન્ને કિંમતી ધાતુઓમાં સુધારો આગળ ધપ્યો હતો, જેમાં ચાંદીના ભાવ વધુ કિલોદીઠ રૂ. 318 વધી આવ્યા હતા, જ્યારે સોનામાં 10 ગ્રામદીઠ રૂ. 541થી 544ની તેજી આગળ ધપી હતી, જેમાં શુદ્ધ સોનાના ભાવ પુનઃ રૂ. 97,000ની સપાટી પાર કરી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 318 વધીને રૂ. 1,01,298ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સુધારાતરફી વલણ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 541 વધીને રૂ. 96,901 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 544 વધીને ફરી રૂ. 97,000ની સપાટી પાર કરીને રૂ. 97,291ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી માત્ર સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી જોવા મળી હતી, જ્યારે રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ વધ્યા મથાળેથી સાધારણ 0.3 ટકા ઘટીને અનુક્રમે આૈંસદીઠ 3365.73 ડૉલર અને વાયદામાં ભાવ 3388.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ 1.4 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 34.47 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તાજેતરમાં સોનાના ભાવમાં જોવા મળી રહેલી સાંકડી વધઘટથી કોઈ તેજી કે મંદીનું સ્પષ્ટ વલણ નથી થતું, પરંતુ આર્થિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લેતા એકંદરે સોનામાં સારી કામગીરી જોવા મળી રહી હોવાનું એએનઝેડ કૉમૉડિટીઝનાં સ્ટ્રેટેજિસ્ટ સોની કુમારીએ જણાવ્યું હતું.

નોંધનીય બાબત એ છે કે ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠક પશ્ચાત્‌‍ અમેરિકામાં ટૅરિફ વૃદ્ધિને પગલે વિવિધ ચીજોના ભાવમાં થયેલા વધારા અને ઉત્પાદન પડતરો વધી રહી હોવાથી અમેરિકાની આર્થિક પ્રવૃત્તિઓ ધીમી પડી રહી હોવાનું ફેડરલ રિઝર્વે એક અહેવાલમાં જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે એએડીપી નેશનલ એમ્પ્લોયમેન્ટનાં રિપોર્ટ અનુસાર ગત મે મહિનામાં ખાનગી કંપનીઓએ ગત મે મહિનામાં રોજગારોમાં બે વર્ષનો સૌથી ઓછો વધારો કર્યો હતો. જોકે, હવે બજારની નજર આવતીકાલે શુક્રવારે જાહેર થનારા અમેરિકાનાં નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર સ્થિર થઈ છે.

દરમિયાન ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ચીનનાં પ્રમુખ શિ જિનપિંગ સાથે સોદો કરવો મુશ્કેલ ગણાવાની સાથે સાથે ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલને પુનઃ વ્યાજદરમાં કાપ મૂકવા માટે હાકલ કરી હતી. વધુમાં સ્ટીલ અને એલ્યુમિનિયમ પરની ટૅરિફ બમણી કરવાના નિર્ણયને અમલમાં મૂકવાની સાથે અમેરિકી વહીવટીતંત્રએ જુલાઈમાં થનારી અપેક્ષિત ટૅરિફ વૃદ્ધિને ટાળવા માટે વેપારી ભાગીદાર દેશોને શ્રેષ્ઠ ઓફર આપવા જણાવ્યું હતું.

એકંદરે ટ્રમ્પની આ હાકલને ધ્યાનમાં લેતા સોનાને અમુક અંશે ટેકો મળી રહ્યો હોવાનું સિટી ઈન્ડેક્સના વિશ્લેષક મેટ્ટ સિમ્પસને જણાવતાં ઉમેર્યું હતું કે રાજકીય અને આર્થિક અનિશ્ચિતતાના સંજોગોમાં સોનામાં સલામતી માટેની માગ રહેતી હોય છે.

આ પણ વાંચો…. સોના -ચાંદીના ભાવમાં થયો ફેરફાર, જાણો લેટેસ્ટ ભાવ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button