(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નિફ્ટીએ તદ્દન અનિશ્ર્ચિત ચાલ સાથે સત્રના પાછલા ભાગમાં લેવાલીના ટેકા સાથે ઉછાળો મારીને ફરી એક વખત નવી ઓલટાઇમ સપાટી હાંસલ કરવામાં સફળતા મેળવી છે. વિશ્ર્વબજારના મિશ્ર સંકેતો પાછળ બજારની શરૂઆત નિરસ અને મંદ ટોન સાથે થઈ હતી અને વિસ્તૃત પ્રોફિટ બુકિંગને પગલે નિફ્ટી ઈન્ટ્રા-ડે ૨૧,૯૦૦ની ધકેલાઇ ગયો હતો.
જોકે, સત્રના અંતિમા બે કલાક દરમિયાન નીકળેલી નવેસરની લેવાલીના ટેકાએ ઇન્ડેક્સને નવી ઊંચી સપાટી તરફ દોરી ગઇ હતી. નોંધવું રહ્યું કે, આ સપ્તાહમાં ત્રીજી વખત નિફ્ટીએ સર્વકાલિન ઊંચી સપાટી નોંધાવી છે.
સત્રને અંતે બીએસઇનો બેન્ચમાર્ક સેન્સેક્સ ૫૩૫.૧૫ પોઈન્ટ અથવા ૦.૭૪ ટકા વધીને ૭૩,૧૫૮.૨૪ પોઇન્ટ પર પહોંચ્યો હતો. જ્યારે એનએસઇના નિફ્ટી ૧૬૨.૪૦ પોઈન્ટ અથવા ૦.૭૪ ટકા વધીને ૨૨,૨૧૭.૪૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
બજાજ ઓટો, એચસીએલ ટેક્નોલોજી, આઈશર મોટર્સ, આઈટીસી અને કોલ ઈન્ડિયા નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં હતા, જ્યારે ઈન્ડસઈન્ડ બૅન્ક, એચડીએફસી બૅન્ક, બીપીસીએલ, કોટક મહિન્દ્રા બૅન્ક અને હીરો મોટોકોર્પ ગુમાવનારા હતા. સેક્ટોરલ મોરચે, ઓટો, કેપિટલ ગુડ્સ, મેટલ, પાવર, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ટેલિકોમ દરેક ૧ ટકા વધ્યા હતા. જોકે, બેન્ક ઇન્ડેક્સ નજીવો નીચો બંધ રહ્યો હતો.
નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં પણ દિવસના નીચા ૪૬,૪૨૬.૮૫ પોઇન્ટના સ્તરથી ૪૯૩ પોઈન્ટ્સની તીવ્ર રિકવરી જોવા મળી હતી, જે ૪૬,૯૧૯.૮૦ પર બંધ થયો હતો. મિડકેપમાં એક ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૫ ટકાનો વધારો થયો છે.