આમચી મુંબઈમહારાષ્ટ્ર

રૂ. પાંચ કરોડની ખંડણી માગવા પ્રકરણે થાણેના મનસેના નેતા સામે ગુનો દાખલ

મુંબઈ: પાંચ કરોડ રૂપિયાની ખંડણી માગવાના આરોપસર એલ.ટી. માર્ગ પોલીસે થાણેના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નેતા અવિનાશ જાધવ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જોકે મનસેના નેતાએ પણ સામે ફરિયાદ નોંધાવી હતી.
ઝવેરી બજારમાં જ્વેલરી શૉપ ધરાવતા શૈલેષ જૈને (56) મનસેના નેતા જાધવ અને વૈભવ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની ખરાઇની તપાસ કર્યા બાદ પોલીસે બંને વિરુદ્ધ ખંડણી, ઇજા પહોંચાડવી અને કાવતરું ઘડવા અંગે ગુનો દાખલ કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે બપોરે આ ઘટના બની હતી. ફરિયાદીએ અમુક નાણાકીય બાબતોની પતાવટ કરવા માટે ઠક્કરને બોલાવ્યો હતો. ફરિયાદી પાસે ગયા બાદ ઠક્કરે જાધવને બોલાવ્યો હતો. આથી જાધવ તેના બોડીગાર્ડ, ડ્રાઇવર અને પાંચથી છ લોકો સાથે ઝવેરી બજાર આવ્યો હતો અને ફરિયાદીના પુત્રને કથિત ગાળો ભાંડી હતી. તેમણે ફરિયાદીને ધમકાવીને રૂ. પાંચ કરોડની ખંડણી માગી હતી, એવો આરોપ કરાયો હતો.

આપણ વાંચો: મહાયુતિમાં મનસેનું આગમન: એડવાન્ટેજ એકનાથ શિંદે

આ ઘટના બની ત્યારે એલ.ટી. માર્ગ પોલીસ ઘટનાસ્થળે હાજર હતી, કારણ કે જાધવે પોલીસને બોલાવી હતી. જાધવે કહ્યું હતું કે મેં પોલીસને આ વિશે માહિતગાર કરી હતી. ઠક્કરે મને મદદ કરવા માટે બોલાવ્યો હતો. તેણે મને કહ્યું હતું કે નાણાકીય બાબતોની પતાવટ કરવા માટે જૈન પાસે ગયો ત્યારે તેણે મને રૂમમાં બંધ કરી દીધો હતો. આથી મેં 100 નંબર પર કૉલ કર્યો હતો. પોલીસ ત્યાં પહોંચ્યા બાદ હું પણ ત્યાં પહોંચી ગયો હતો.

વોચમેન દરવાજો ખોલતો નહોતો અને ઠક્કરને અંદર બંધ કરી દેવાયો હતો. પોલીસે આવ્યા બાદ દરવાજો ખોલાવડાવ્યો હતો અને અમે ઠક્કરને ઉગારી લીધો હતો, એમ જાધવે કહ્યું હતું. બાદમાં ઠક્કરે પણ ઝવેરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button