સ્પોર્ટસ

11મી પાસ યુસુફ પઠાણ પાસે કેટલી સંપત્તિ છે, જાણી લો

કોલકાતા: જૂનમાં ટી-20નો વર્લ્ડ કપ આવી રહ્યો છે એટલે થોડી ચર્ચા 2007ના વર્લ્ડ કપ પર કરી લઈએ અને હાલમાં લોકસભાની વર્તમાન ચૂંટણી ચાલી રહી છે એટલે એની સાથે સંકળાયેલા આપણા વડોદરાવાસી ભૂતપૂર્વ ક્રિકેટર વિશે પણ થોડું રસપ્રદ જાણીએ. ગૌતમ ગંભીર અને યુસુફ પઠાણ, આ બે પ્લેયરે 2007માં ભારતે પાકિસ્તાન સામે ટી-20 વર્લ્ડ કપની જે ફાઇનલ જીતી હતી એમાં ભારત વતી ઓપનિંગ કર્યું હતું. ગંભીરે એમાં 75 રન અને યુસુફ પઠાણે 15 રન બનાવ્યા હતા. યુસુફે તો પછીથી યુનીસ ખાનનો કૅચ પકડીને જોગિન્દર શર્માને પ્રાઇઝ વિકેટ પણ અપાવી હતી.

અહીં વાત એ છે કે ગંભીર રાજકારણમાં પ્રવેશ્યો, દિલ્હીમાં ભાજપનો સંસદસભ્ય બન્યો અને ગણતરીના વર્ષોમાં પૉલિટિક્સમાંથી તેણે એક્ઝિટ કરી. જોકે તેનો ભૂતપૂર્વ ઓપનિંગ પાર્ટનર યુસુફ પઠાણ તાજેતરમાં જ રાજકારણમાં આવ્યો છે અને પશ્ર્ચિમ બંગાળમાં ટીએમસીની બહરામપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યો છે.

ચૂંટણી પંચના આદેશ મુજબ દરેક ઉમેદવારે પોતાની મિલકત જાહેર કરવી પડે છે અને યુસુફ પઠાણે જાહેર કર્યું છે કે તેની પાસે કુલ 45.63 કરોડ રૂપિયાની મિલકત છે.

હરફનમૌલા યુસુફ પઠાણે જાહેર કર્યું છે કે તે 11મી પાસ છે અને તેણે વડોદરામાં નાગરવાડા વિસ્તારની એમઇએસ હાઈસ્કૂલમાં ભણ્યો છે.

આપણ વાંચો: ટીએમસીએ 42 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી: સાત સંસદસભ્યોની ટિકિટ કપાઈ, યુસુફ પઠાણને ઉમેદવારી અપાઈ

યુસુફ પઠાણે ઉમેદવારીપત્રકમાં નીચે મુજબની વિગતો આપી છે:

2018-‘19માં યુસુફ પઠાણની કુલ કમાણી 3.10 કરોડ રૂપિયા હતી, 2019-’20માં એ ઘટીને 2.06 કરોડ રૂપિયા હતી, 2020-’21માં ફરી ઘટીને 1.02 કરોડ રૂપિયા અને 2021-’22માં 64.18 લાખ રૂપિયા હતી. જોકે 2022-’23માં યુસુફની કમાણીમાં ઘણો વધારો થયો અને એ 2.92 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી.

યુસુફે ઉમેદવારીપત્રકમાં જણાવ્યું છે કે માર્ચ 2023 સુધીમાં તેની પાસે રોકડા 1.41 લાખ રૂપિયા હતા, તેની પત્ની અફરીન પઠાણ પાસે 15,678 રૂપિયા રોકડા હતા અને પોતાના સાત બૅન્ક ખાતાઓમાં 2.46 કરોડ રૂપિયા જમા છે. અફરીન પઠાણના એક બૅન્ક ખાતામાં 36,637 રૂપિયા રોકડા છે. યુસુફ પઠાણ પાસે 26.34 લાખ રૂપિયાનું મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ છે, જ્યારે તેની પાસે 6.19 કરોડ રૂપિયાનું ઇક્વિટી શૅર હોલ્ડિંગ પણ છે. યુસુફ પઠાણે કુલ 1.68 કરોડ રૂપિયા પરિવારને તથા મિત્રોને ઍડવાન્સ આપ્યા છે. એમાંથી સાત લાખ રૂપિયા યુસુફે પત્ની અફરીનને આપ્યા છે.

યુસુફ પઠાણ પાસે બે કાર છે જેમાંની હુન્ડાઈ કારની કિંમત 10.10 લાખ રૂપિયા અને ટોયોટા ફૉર્ચ્યુનરની કિંમત 35.30 લાખ રૂપિયા છે. તેની પાસે 21.05 લાખ રૂપિયાની કિંમતના હીરાના આભૂષણો છે. એ ઉપરાંત, તેની પાસે 1.85 કરોડ રૂપિયાના સોના-ચાંદીના આભૂષણો છે. તે વડોદરા જિલ્લાના સાધી ગામમાં બે ખેતરમાં અડધો હિસ્સેદાર છે.

4.88 એકર અને 1.53 એકર જમીનની તેણે કુલ કિંમત 31.35 લાખ રૂપિયા બતાવાઈ છે. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં 2738 ફૂટના મકાનની કિંમત 1.60 કરોડ રૂપિયા છે. તે દિવાલીપુરાની એક દુકાનમાં અડધો હિસ્સેદાર છે જેની કિંમત 10.50 કરોડ રૂપિયા છે. એ ઉપરાંત, વડોદરાના એક પૉશ એરિયામાં યુસુફ પઠાણ એક મકાનની માલિકી ધરાવે છે જેની કિંમત 7.50 કરોડ રૂપિયા છે.

ટૂંકમાં યુસુફ પઠાણની 45.63 કરોડ રૂપિયાની કુલ સંપતિમાં 21.56 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત સામેલ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button