આચારસંહિતાના કારણે ધોરણ 10-12ના કોપિકેસના નિર્ણયો અટવાયા
અમદાવાદ : રાજ્યમાં લોકસભા ચૂંટણીના માહોલની વચ્ચે ગુજરાત બોર્ડની પરીક્ષામાં કરાયેલા કોપીકેસની કાર્યવાહી અટકી પડી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષામાં થયેલી ગેરરીતિ સુનાવણીને લઈને પરીક્ષા સમિતિએ બેઠક માટે ચૂંટણી પંચની પરવાનગી માંગી હતી પરંતુ ચૂંટણી પંચ દ્વારા મંજૂરી ન મળતા કોપિકેસના સજાના નિર્ણયની કાર્યવાહી અટકી પડી છે.
ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં કોપી કેસ નોધાતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ સામે બોર્ડ દ્વારા પગલા લેવામાં આવ્યા હતા. પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા માટે બોર્ડે ખાસ તૈયારીઓ હાથ ધરી હતી, જેમાં પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા લગાવાયા હતા. બોર્ડ દ્વારા પરીક્ષા પૂર્ણ થયા બાદ સીસીટીવીની ચકાસણી દરમ્યાન શંકાસ્પદ કોપી કેસની વિગતો બોર્ડને મોકલવામાં આવી હતી.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ આચારસંહિતાના ભંગ બદલ 1.46 લાખની સામગ્રી જપ્ત
ધો. 12 માં સામાન્ય પ્રવાહમા 226 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા હતા. જ્યારે ધો.10 માં 170 વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોપી કરતા સીસીટીવીમાં ઝડપાયા હતા. બોર્ડની પરીક્ષામાં ધો. 10 અને 12 માં કુલ 452 વિદ્યાર્થીઓ કોપી કેસ કરતા ઝડપાયા હતા.સીસીટીવીમાં કોપી કેસ કરતા વિદ્યાર્થીઓ સામે આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હતી.
પરંતુ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં કોપીકેસની સુનાવણી માટે પરીક્ષા સમિતિએ બેઠક માટે ચૂંટણી પંચની પરવાનગી માંગી હતી. જો કે ચૂંટણી પંચે કોપીકેસની સુનાવણી અંગે પરવાનગી આપી ન હતી. જેના કારણે બોર્ડની કોપીકેસમાં પકડાયેલા વિદ્યાર્થીઓની સજા નક્કી કરવાનો નિર્ણય અટવાયો છે.