આમચી મુંબઈમહારાષ્ટ્ર

હાય ગરમીઃ હીટસ્ટ્રોકની અસર પશુ-પક્ષીઓ પર પણ પડી…

મુંબઈ: છેલ્લા ચાર દિવસ દરમિયાન સૂરજદાદાએ પોતાનો પ્રકોપ દેખાડતાં શહેરીજનો પરેશાન થઇ ગયા છે. હીટસ્ટ્રોકની અસર એટલી બધી છે કે પ્રાણીઓના હાલ બેહાલ થઇ ગયા છે. આ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૧૫૦થી વધુ પશુ-પક્ષીઓ હીટસ્ટ્રોકના શિકાર થયા છે. અનેક પ્રાણીઓએ તો ડિહાઈડ્રેશનને કારણે શ્વાસ ગુમાવ્યા છે. વધતા તાપમાન અને પાણીના અભાવને કારણે પક્ષીઓ ઊડતા સમયે કે પછી વૃક્ષ પરથી પડવાને કારણે જીવ ગુમાવી રહ્યા છે.

હાલમાં જ ૧૫મી એપ્રિલે રેકોર્ડ બ્રેક ગરમીનો રેકોર્ડ નોંધાયો હતો. ત્યાર પછી ઉષ્ણતામાનનો પારો થોડો હેઠે ઊતર્યો પણ અત્યારે પણ ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન છે. વધી રહેલા તાપમાનની અસર રખડતાં પ્રાણીઓ અને પક્ષીઓ પર થઇ રહી છે.

શહેરમાં અનેક પ્રોજેક્ટ અને ગગનચુંબી ઈમારતોનાં કામ ચાલી રહ્યાં છે. અનેક ઠેકાણે વૃક્ષોને તોડવાનાં કામ ચાલી રહ્યાં છે, જેને કારણે શહેરના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્શિયસમાં વધારો નોંધાયો છે. બીજી બાજુ પાણીના અભાવને કારણે પશુ-પક્ષીઓએ પોતાના જીવ ગુમાવવા પડી રહ્યા છે.

વધતા જતા તાપમાનને કારણે ૧૦૦થી વધુ લોકોને લૂની અસર થઇ છે, જ્યારે ૧૫૦થી વધુ પશુ-પક્ષીઓનાં મૃત્યુ થયાં હોવાનું જાણવા મળે છે. હાલમાં શહેરમાં ૩૪થી ૩૫ ડિગ્રી તાપમાન છે અને હવામાન ખાતાએ યેલો એલર્ટ જાહેર કર્યું છે. સવારે ૧૧થી સાંજે ૪ વાગ્યા દરમિયાન જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

દરરોજ અંદાજે ૧૦થી ૧૫ પશુ-પક્ષીઓને વેટરનરી હોસ્પિટલોમાં સારવાર માટે લાવવામાં આવી રહ્યાં છે. ગરમી વધવાને કારણે પક્ષીઓનાં શરીરમાં પાણીની માત્રા ઓછી થઇ જવાને કારણે અચાનક જ વૃક્ષ પરથી પડી જવાથી પક્ષીઓ મૃત્યુ પામી રહ્યાં છે.

જનાવરોમાં ગાય, શ્વાન અને બિલાડીઓ પણ હીટસ્ટ્રોકના શિકાર બની રહ્યાં છે. પશુ-પક્ષીઓ માટે ખુલ્લામાં પાણી અને ખાવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાલમાં હોસ્પિટલમાં પશુપ્રેમીઓ દ્વારા પશુ-પક્ષીઓને લાવવામાં આવી રહ્યા છે એમાંના મોટા ભાગના મામલા ડિહાઈડ્રેશનના છે, એવું વેટરનરી કોલેજના ડો. એન. પવારે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button