રાજ ઠાકરેએ મોદીને ટેકો આપ્યાની જાહેરાત બાદ રાઉત લાલઘૂમ, રાજ ઠાકરે પર સાધ્યું નિશાન
મુંબઈ: લાંબા સમય રાહ જોયા બાદ આખરે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ પોતાનું વલણ સ્પષ્ટ કરતા લોકસભાની ચૂંટણીમાં પોતે મહાયુતિને ટેકો આપશે તેવી જાહેરાત કરી છે. રાજ ઠાકરેની જાહેરાત બાદ ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે રાજ ઠાકરે ઉપર નિશાન સાધ્યું છે.
રાઉતે રાજ ઠાકરે પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ એ જ રાજ ઠાકરે છે જેમણે જાહેરાત કરી હતી કે તે નરેન્દ્ર મોદી અને અમિત શાહને મહારાષ્ટ્રમાં પગ નહીં મૂકવા દે. હવે અચાનક જ ચમત્કાર કઇ રીતે થઇ ગયો તે તેમને જઇને પૂછવું પડે. તેમને જઇને પૂછો કે મહારાષ્ટ્રના દુશ્મનોને તે કેમ ટેકો આપી રહ્યા છે તે જનતાને જઇને જણાવે કે કારણ શું છે અને તેમની પાછળ કઇ ફાઇલ ખોલી છે?
આપણ વાંચો: મોદીને સમર્થન આપ્યા બાદ રાજ ઠાકરેને મળ્યો પહેલો ઝટકો, આ નેતાએ પક્ષ છોડયો
રાઉતે રાજ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપેલા સમર્થન પર પ્રશ્ર્નચિહ્ન લગાવતા પૂછ્યું હતું કે વૉશિંગ મશીનની વાત પછી આવશે પણ હમણા એવી કઇ ફાઇલ ખોલવામાં આવી કે તમે અચાનક આવીને તેમનું સમર્થન કરી રહ્યા છો? જોકે એ સારું થયું કે ખુલીને સમર્થન કરવામાં આવ્યું છે. અમુક વખતે એમ થાય છે કે તમે પોતાનો ઉમેદવાર ઊભો કરાય છે અને મત કપાય છે.
તેમણે મહારાષ્ટ્રની પ્રજાને સંબોધતા કહ્યું હતું કે મહારાષ્ટ્રની જનતા બધું જ જાણે છે અને તે જ ફેંસલો કરશે. ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેએ મંગળવારે ગૂડી પડવા નિમિત્તે શિવાજી પાર્કમાં યોજેલી રેલીમાં લોકસભાની ચૂંટણીમાં મહાયુતિને પોતાનું સમર્થન આપવાની જાહેરાત કરી હતી. ફક્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કારણે પોતે મહાયુતિને સમર્થન આપી રહ્યા હોવાનું પણ રાજ ઠાકરેએ સ્પષ્ટ કર્યું હતું.