અભિનેતા સલમાન ખાનને ફરી ઈ-મેઈલ પર મળી ધમકી

26

ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈ અને ગોલ્ડી બ્રાર વિરુદ્ધ ગુનો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અને તેમના પિતા સલીમ ખાનને જાનથી મારવાની ધમકી આપતી ચિઠ્ઠી બાન્દ્રા બૅન્ડસ્ટૅન્ડ પર મૂકવામાં આવ્યા બાદ હવે સલમાનને ઈ-મેઈલ દ્વારા ધમકી આપવામાં આવી છે. ધમકીમાં દિલ્હીની જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈના નામનો ઉલ્લેખ કરવામાં આવતાં પોલીસે બિશ્ર્નોઈ અને ગૅન્ગસ્ટર ગોલ્ડી બ્રાર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસ સૂત્રો અનુસાર આર્ટિસ્ટ મૅનેજમેન્ટ કંપની ધરાવતા અને બાન્દ્રામાં રહેતા સલમાન ખાનના મિત્રએ આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદને આધારે બાન્દ્રા પોલીસે શનિવારે ધમકીભર્યો ઈ-મેઈલ મોકલનારી વ્યક્તિ, લૉરેન્સ બિશ્ર્નોઈ અને ગોલ્ડી બ્રાર સામે એફઆઈઆર નોંધ્યો
હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે શનિવારે બપોરે સલમાનની ઑફિસના ઈ-મેઈલ આઈડી પર ધમકીભર્યો મેઈલ આવ્યો હતો. મેઈલમાં ‘ગોલ્ડીભાઈ કો બાત કરની હૈ તેરે બૉસ સલમાન સે’ એમ નોંધવામાં આવ્યું છે અને છેલ્લે ‘અગલી બાર બડા ઝટકા દેંગે’ એવી ધમકી આપવામાં આવી છે. આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક બાન્દ્રા પોલીસને જાણ કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે જૂન, ૨૦૨૨માં સલમાન ખાનના પિતા અને જાણીતા ફિલ્મ રાઈટર સલીમ ખાન (૮૬) હંમેશ મુજબ બૉડીગાર્ડ્સ સાથે બૅન્ડસ્ટૅન્ડ પર મૉર્નિંગ વૉક પર ગયા હતા. વૉક પછી નજીકની એક બૅન્ચ પર બેસવા ગયા ત્યારે તેમને ચિઠ્ઠી મળી હતી. ચિઠ્ઠીમાં સલમાન અને સલીમ ખાનને ઉદ્દેશીને ‘સલીમ ખાન, સલમાન ખાન બહુત જલ્દ આપકા મુસેવાલા હોગા,’ એવી ધમકી આપવામાં આવી હતી.
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ૨૯ મે, ૨૦૨૨ના રોજ પંજાબમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. હત્યા પાછળના સૂત્રધાર ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈ આ ઘટના બાદ ચર્ચામાં આવ્યો હતો. અમુક વર્ષ પહેલાં બિશ્ર્નોઈએ સલમાન ખાનને જાનથી મારવાની ધમકી આપી હતી. તેનો ધમકીભર્યો જૂનો વીડિયો પણ સામે આવ્યો હતો. વીડિયોમાં લૉરેન્સે સલમાનને જોધપુરમાં મારવાની ધમકી આપી હતી.
દિલ્હી પોલીસની કસ્ટડીમાં રહેલા બિશ્ર્નોઈની તે સમયે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ પણ કરી હતી. વારંવારની ધમકીને પગલે થોડા દિવસ અગાઉ સલમાનની સુરક્ષામાં વધારો કરી તેને પોલીસ દ્વારા પિસ્તોલનું લાઈસન્સ પણ આપવામાં આવ્યું હતું.
ઈ-મેઈલમાં શું લખ્યું છે?
સલમાન ખાનને આવેલા ધમકીભર્યા મેઈલમાં હિન્દીમાં લખાણ હોવાનું કહેવાય છે. ‘ગોલ્ડીભાઈ (ગોલ્ડી બ્રાર) કો બાત કરની હૈ તેરે બૉસ સલમાન સે. ઈન્ટરવ્યૂ (લૉરેન્સ બિશ્ર્નોઈ) દેખ હી લિયા હોગા ઉસને શાયદ. નહીં દેખા હો તો બોલ દિયો દેખ લેગા. મેટર ક્લોઝ કરના હૈ તો બાત કરવા દિયો. ફેસ ટુ ફેસ કરના હો તો બતા દિયો. અભી ટાઈમ રહેતે ઈન્ફોર્મ કર દિયા હૈ. અગલી બાર ઝટકા હી દેખનો કો મિલેગા.’ આવું લખાણ મેઈલમાં હોવાનું જાણવા મળ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!