આમચી મુંબઈમહારાષ્ટ્ર

વડા પ્રધાનના નેતૃત્વમાં ભારતની સરહદો વધુ સુરક્ષિત થઈ છે: યોગી આદિત્યનાથ

મુંબઈ/વર્ધા: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે કહ્યું હતું કે વડા પ્રધાન તરીકેના નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ભારતની સરહદો વધુ સુરક્ષિત બની છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશના સન્માનમાં વધારો થયો છે.

મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં હિંગણઘાટ ખાતે આયોજિત રેલીમાં બોલતાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાને કૉંગ્રેસને એવો સવાલ કર્યો હતો કે શું તેઓ ક્યારેય જમ્મુ-કાશ્મીરની કલમ 370 નાબૂદ કરવાનું અને ટ્રિપલ તલાકને પ્રતિબંધિત કરવાનું કામ કરી શક્યા હોત? વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ એનડીએ સરકારને ભારતને વૈશ્ર્વિક શક્તિ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. વિપક્ષ પાસે બીજી તરફ દેશને વિકાસના માર્ગ પર આગળ લઈ જવા માટે નેતા, નીતિ કે નિયત ત્રણમાંથી એકેય નથી, એવો દાવો તેમણે કર્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં દેશની સરહદો સુરક્ષિત બની છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના સન્માનમાં વધારો થયો છે, એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો : કોંગ્રેસના સિનિયર નેતાઓ ચૂંટણી પંચને મળ્યા, PM મોદી વિરુદ્ધ કરી ફરિયાદ

આદિત્યનાથે કહ્યું હતું કે વડા પ્રધાન મોદી હિંદવી સ્વરાજ્યની છત્રપતિ શિવાજી મહારાજની વિચારધારા પર કામ કરી રહ્યા છે અને દેશના નાગરિકો ખાસ કરીને પુત્રીઓનું રક્ષણ કરી રહ્યા છે. તેમના આરાધ્યદેવનું સન્માન થઈ રહ્યું છે અને વિકાસ નવી ઊંચાઈ પર પહોંચ્યો છે.

આદિત્યનાથે તેમની સરકાર વિશે બોલતાં કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની વસ્તી 25 કરોડ છે. 2017માં ભાજપ સત્તામાં આવી તે પહેલાં ઉત્તર પ્રદેશ રમખાણો અને કરફ્યુ માટે જાણીતું હતું. આજે અમે કરફ્યુને જ લોક કરી નાખ્યું છે. છેલ્લા સાત વર્ષમાં ઉત્તર પ્રદેશમાં એકેય રમખાણ થયા નથી.

મહારાષ્ટ્રમાં ત્રણ સંતોની પાલઘરમાં હત્યા કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં આવું કરવાની કોઈ હિંમત કરી શકે નહીં કેમકે તેમને ખબર છે કે તેમને ઉલટા લટકાવી દેવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

આદિત્યનાથે અયોધ્યામાં 500 વર્ષ બાદ રામ લલ્લાને સ્થાન આપવા માટે મોદીની પ્રશંસા કરી હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button