17મી લોકસભામાં સૌથી વધુ પ્રશ્ર્નો પૂછનાર 10 સાંસદો કોણ?
નવી દિલ્હી: 18મી લોકસભાની ચૂંટણી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી ગયું છે. દેશમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. 17મી લોકસભાનું છેલ્લું સત્ર પણ સમાપ્ત થઈ ગયું છે. છેલ્લાં 5 વર્ષ ભારતના સંસદીય ઈતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવશે.
આ સમયગાળા દરમિયાન સરકારે એવા ઘણા કાયદા બનાવ્યા જેના પર સંસદમાં લાંબી ચર્ચા થઈ. સંસદના બંને ગૃહો ચલાવવામાં પણ સરકારને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વખત સાંસદો દ્વારા એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે પ્રશ્ર્નકાળનો સમય સતત ઘટાડવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ કે છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી વધુ પ્રશ્ર્નો પૂછનારા 10 સાંસદો કોણ હતા? લોકસભાના છેલ્લા સત્રમાં સાંસદોએ સરેરાશ 210 પ્રશ્ર્નો પૂછ્યા હતા.
01-06-2019 થી 10-02-2024 વચ્ચે સંસદની ગતિવિધિઓ અને કાયદાકીય માહિતી પર નજર રાખતી પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ વેબસાઇટના ડેટા અનુસાર, ભારતીય જનતા પાર્ટીના બંગાળ બેલુરઘાટના સાંસદ સુકાંત મજુમદારે દેશભરમાં સૌથી વધુ પ્રશ્ર્નો પૂછ્યા છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: કૉંગ્રેસ નેતા સંજય નિરૂપમ સામે શિસ્તભંગના પગલાં લેવાશે
સુકાંત મજુમદાર – ભાજપના સાંસદ સુકાંત મજુમદારે 17મી લોકસભામાં દેશમાં સૌથી વધુ 654 પ્રશ્ર્નો પૂછ્યા હતા. તેઓ ગૃહમાં 7 વખત ખાનગી સભ્ય બિલ પણ લાવ્યા. ગૃહમાં તેમની હાજરી 73 ટકા હતી.
સુધીર ગુપ્તા – મધ્યપ્રદેશના ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુધીર ગુપ્તાએ પાંચ વર્ષ દરમિયાન 645 પ્રશ્ર્નો પૂછ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ ગૃહમાં છ વખત ખાનગી સભ્ય બિલ પણ લાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન મંદસૌરના સાંસદ સુધીર ગુપ્તાની ગૃહમાં 88 ટકા હાજરી હતી. દેશમાં સૌથી વધુ પ્રશ્ર્નો પૂછનારા સાંસદોમાં સુધીર ગુપ્તા બીજા ક્રમે છે.
શ્રીરંગ અપ્પા બારણે – શિવસેનાના માવળના સાંસદ શ્રીરંગ અપ્પા બારણેએ પાંચ વર્ષમાં લોકસભામાં 635 પ્રશ્ર્નો પૂછ્યા હતા. તેઓ ગૃહમાં 13 વખત ખાનગી સભ્ય બિલ પણ લાવ્યા હતા. શ્રીરંગ અપ્પા બારણેની હાઉસની કાર્યવાહી દરમિયાન હાજરી 94 ટકા હતી.
બિદ્યુત બરન મહતો– જમશેદપુર, ઝારખંડના ભાજપના સાંસદ બિદ્યુત બરન મહતોએ 17મી લોકસભા દરમિયાન દેશમાં ચોથા નંબરના સૌથી વધુ પ્રશ્ર્નો પૂછ્યા હતા. તેમણે ગૃહમાં 632 પ્રશ્ર્નો મૂક્યા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ બે વખત ગૃહમાં ખાનગી સભ્ય બિલ પણ લાવ્યા હતા. ગૃહમાં બિદ્યુત બરન મહતોની હાજરી 90 ટકા રહી હતી.
સુપ્રિયા સુલે – એનસીપી (શરદચંદ્ર પવાર) પક્ષના બારામતીના સાંસદ સુપ્રિયા સુલેએ ગૃહમાં પાંચમા નંબરના સૌથી વધુ પ્રશ્ર્નો પૂછ્યા હતા. તેમણે ગૃહમાં 629 પ્રશ્ર્નો પૂછ્યા હતા અને 16 વખત ગૃહમાં પ્રાઈવેટ મેમ્બર બિલ લાવ્યા હતા. ગૃહમાં તેમની હાજરી 93 ટકા હતી.
અમોલ કોલ્હે – એનસીપીના શિરુરના સાંસદ અમોલ કોલ્હેએ લોકસભામાં પાંચ વર્ષમાં 621 પ્રશ્ર્નો પૂછ્યા હતા અને એકેય ખાનગી સભ્ય બિલ રજૂ કરવામાં આવ્યું ન હતું. સંસદના સત્ર દરમિયાન અમોલ કોલ્હેની ગૃહમાં હાજરી 61 ટકા હતી.
કુલદીપ રાય શર્મા- આંદામાન અને નિકોબારથી કોંગ્રેસ પાર્ટીના સાંસદ કુલદીપ રાય શર્માએ પાંચ વર્ષમાં લોકસભામાં 610 પ્રશ્ર્નો પૂછ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમના દ્વારા 9 વખત ખાનગી સભ્ય બિલ પણ રજૂ કરવામાં આવ્યા હતા. સંસદ સત્ર દરમિયાન કુલદીપ રાય શર્માની હાજરી 70 ટકા હતી.
સુભાષ રામરાવ ભામરે – મહારાષ્ટ્રના ધુલેથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુભાષ રામરાવ ભામરેએ લોકસભામાં 605 પ્રશ્ર્નો પૂછ્યા હતા. જો કે આ સમયગાળા દરમિયાન તેઓ એક વખત પણ ખાનગી સભ્યનું બિલ લાવ્યા ન હતા. ગૃહમાં તેમની હાજરી 82 ટકા હતી.
સંજય સદાશિવરાવ માંડલિક– મહારાષ્ટ્રના કોલ્હાપુરથી શિવસેનાના સાંસદ સંજય સદાશિવરાવ માંડલિકે પણ ગૃહમાં 605 પ્રશ્ર્નો પૂછ્યા હતા. ગૃહમાં તેમની હાજરી 63 ટકા હતી. ગજાનન કીર્તિકર- મુંબઈ-ઉત્તર-પશ્ર્ચિમના શિવસેનાના સાંસદ ગજાનન કીર્તિકરે પાંચ વર્ષમાં ગૃહમાં 580 પ્રશ્ર્નો પૂછ્યા હતા. તેમના દ્વારા ખાનગી સભ્ય બિલ રજૂ કરવામાં આવ્યું ન હતું. ગૃહમાં તેમની હાજરી 71 ટકા હતી.