ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભામાં બિનહરીફ ચૂંટાતા સંસદસભ્યોનો ઈતિહાસ: સૌથી વધુ કૉંગ્રેસના અને સૌથી વધુ જમ્મુ-કાશ્મીરથી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
લોકસભાની ચૂંટણીની સાથે કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને 19મી એપ્રિલે થનારી અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય પ્રધાન પ્રેમા ખાંડુ સહિત 10 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આખી દુનિયાના સૌથી મોટા લોકતંત્ર તરીકેનો ખિતાબ મેળવનારી ભારતીય લોકશાહીમાં વિના વિરોધ ચૂંટાયેલા સંસદસભ્યોમાં સૌથી વધુ કૉંગ્રેસ પાર્ટીના નેતાઓનો સમાવેશ થાય છે અને સૌથી વધુ વખત જમ્મુ-કાશ્મીરની બેઠક પરથી વિના વિરોધ સંસદસભ્યો ચૂંટાયા છે.

અરુણાચલ વિધાનસભાની પહેલાં ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં રાજ્યસભાની 50 બેઠકો માટે ચૂંટણી થઈ હતી અને આ 50માંથી 41 સંસદસભ્યો બિનવિરોધ સંસદમાં પહોંચ્યા હતા, જેમાં કૉંગ્રેસના સોનિયા ગાંધી, ભાજપના જે. પી. નડ્ડા અને કેન્દ્રીય પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવનો સમાવેશ થતો હતો. રાજ્યસભાની ચૂંટણીઓમાં આવી રીતે બિનહરીફ ચૂંટાઈ આવવાનું અત્યંત સામાન્ય ઘટના માનવામાં આવે છે, પરંતુ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં કોઈ ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવે તેને વિશેષ માનવામાં આવે છે.

આપણ વાંચો: આ શરમજનક વાત છે… જમ્મુ-કાશ્મીરની ચૂંટણી અંગે આ શું બોલી ગયા ઓમર અબ્દુલ્લા

દેશમાં થયેલી લોકસભાની ચૂંટણીઓમાં આટલા વર્ષોમાં ફક્ત 28 સંસદસભ્યો બિનહરીફ ચૂંટાઈ શક્યા છે. આમાંથી પાંચ સંસદસભ્યો પહેલી અને બીજી સામાન્ય ચૂંટણીઓમાં ચૂંટાયા હતા. 1967માં થયેલી લોકસભાની ચોથી સામાન્ય ચૂંટણીઓમાં પાંચ સંસદસભ્ય બિનહરીફ ચૂંટાયા હતા.

અત્યાર સુધીમાં દેશની બધી જ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લેવામાં આવે તો સૌથી વધુ વખત જમ્મુ-કાશ્મીરની બેઠક પરથી સંસદસભ્યો બિનહરીફ ચૂંટાયા છે. ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આસામ સહિત સાત રાજ્યોમાંથી અત્યાર સુધીમાં બે-બે સંસદસભ્ય બિનહરીફ ચૂંટાયા છે. આખા દેશમાં ફક્ત બે જ બેઠક એવી છે જ્યાં એકથી વધુ વખત બિનહરીફ ચૂંટણી થઈ હોય અને તેમાં સિક્કિમ અને શ્રીનગરનો સમાવેશ થાય છે.

લોકસભા ચૂંટણીની કેવી હાલત

28 સંસદસભ્યો અત્યાર સુધીમાં બિનહરીફ ચૂંટાયા
5 સંસદસભ્યો પહેલી અને બીજી સામાન્ય ચૂંટણીમાં બિનવિરોધ જીત્યા
5 સંસદસભ્યો 1967ની ચોથી સામાન્ય ચૂંટણીમાં બિનવિરોધ ચૂંટાયા
4 સૌથી વધુ સંસદસભ્યો જમ્મુ-કાશ્મીરથી બિનહરીફ ચૂંટાયા
7 ઉત્તર પ્રદેશ, આસામ, તામિલનાડુ સહિત સાત રાજ્યોમાંથી બે-બે સાંસદ બિનહરીફ ચૂંટાયા

પાર્ટી આધારિત બિનહરીફ ચૂંટાયેલા સંસદસભ્યો

20 વખત કૉંગ્રેસના સંસદસભ્યો આઝાદી પછી બિનહરીફ ચૂંટાયા
2-2 સંસદસભ્ય નેશનલ કોન્ફરન્સ અને સમાજવાદી પાર્ટીના બિનહરીફ ચૂંટાયા
1 અત્યાર સુધી ફક્ત એક જ અપક્ષ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયો છે
ભાજપના હજી સુધી એકેય સંસદસભ્ય બિનહરીફ નથી ચૂંટાયા

બિનહરીફ સાંસદ બનેલા મહત્ત્વના નેતા

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લા, નાગાલેન્ડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સી. જમીર, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વાય. બી. ચવ્હાણ, ઓરિસાના પહેલા મુખ્ય પ્રધાન હરેકૃષ્ણ મહતાબ, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. એમ. સઈદ અને સમાજવાદી પાર્ટીના નેતા ડિમ્પલ યાદવ મુખ્ય નામ છે.

વિધાનસભા ચૂંટણીઓની સ્થિતિ

298 વિધાનસભ્યો બિનહરીફ ચૂંટાયા
77 વિધાનસભ્યો સાથે નાગાલેન્ડ સૌથી આગળ
63 વિધાનસભ્યો જમ્મુ-કાશ્મીરથી બિનહરીફ ચૂંટાયા છે.
40 વિધાનસભ્યો અરુણાચલ પ્રદેશથી બિનહરીફ ચૂંટાયા
34 આંધ્ર અને 18 વિધાનસભ્યો આસામથી બિનહરીફ ચૂંટાયા
6 વિધાનસભ્ય ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનથી બિનહરીફ ચૂંટાયા
47 વિધાનસભ્ય 1962માં 6 રાજ્યોમાં બિનહરીફ ચૂંટાયા, જે કોઈ એક વર્ષમાં સૌથી વધુ હતું.
45 વિધાનસભ્ય 1998માં, 33 -33 વિધાનસભ્ય 1967 અને 1972માં ચૂંટાયા
10 ભાજપના વિધાનસભ્યે હાલની અરુણાચલ પ્રદેશની ચૂંટણીમાં 2024માં ચૂંટાયા

પાર્ટીઓની સ્થિતિ કેવી છે?

195 વિધાનસભ્યો સાથે કૉંગ્રેસ સૌથી મોખરે છે.
34 વિધાનસભ્યો નેશનલ કોન્ફરન્સના છે.
15 વિધાનસભ્યો ભાજપના છે.
29 અપક્ષ વિધાનસભ્યો બિનહરીફ ચૂંટાયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button