
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિપક્ષના ગઠબંધન ‘ઇન્ડિયા’ દ્વારા હાલમાં જ દિલ્હીના રામલીલા મેદાનમાં મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મહાવિકાસ આઘાડીના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા.
જોકે, આ રામલીલા મેદાનની સભા ખરેખર તો ‘ભ્રષ્ટાચારની મહાસભા’ હોવાનું કહી ભાજપે વિપક્ષ ઉપર નિશાન સાધ્યું હતું. ભાજપ દ્વારા વિપક્ષની ટીકા કરતા કહેવામાં આવ્યું હતું કે આ મહાસભામાં સામેલ થયેલા નેતાઓની મંડળી ભલે કેટલા પણ પ્રયત્નો કરે, તેમના ઉપર કાર્યવાહી તો કરવામાં આવશે જ. આ મહાસભામાં કૌભાંડોમાં જેમના નામ સંડોવાયેલા છે તેવા લોકોની ટોળકી એકઠી થઇ હતી.
આપણ વાંચો: અરવિંદ કેજરીવાલે લીધા આતિશી અને સૌરભ ભારદ્વાજના નામ, દિલ્હી દારૂ કૌભાંડમાં કોર્ટમાં EDનો મોટો દાવો……
જેમના ઉપર દેશ લૂંટવાનો આરોપ છે તેવા અનેક નેતા દિલ્હીની આ સભામાં હાજર હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો નિર્ધાર કરેલો છે. વિપક્ષે ‘ભ્રષ્ટાચારીઓને બચાવો’ આવો નારો આપ્યો છે અને પોતાનું ખરું સ્વરૂપ દેશ સમક્ષ દાખવ્યું છે.
ઇડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વિશે જણાવતા ભાજપે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ, હેમંત સોરેન, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સાંસદ સંજય સિંહ જેવા નેતાઓને અદાલતે જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે, જેનાથી તેમના ઉપર કૌભાંડમાં સહભાગી હોવાની વાત પુરવાર થાય છે. આ સિવાય સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, લાલુ યાદવ ઉપર પણ ગોટાળાના કેસ ચાલી રહ્યા હોવાનું કહી ભાજપે વિપક્ષ ઉપર નિશાન સાધ્યું હતું.