आनंदा चा शिधाમાં Whisky And Beer આપીશ, ઉમેદવારે આપ્યું વોટર્સને અજબ આશ્વાસન…

રાજ્યમાં હાલમાં લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે અને રાજકીય પક્ષો એડી ચોટ્ટીનું જોર લગાવી રહ્યા છે. 19મી એપ્રિલના મહારાષ્ટ્રમાં પહેલાં તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે અને ઉમેદવારો પ્રચારમાં પોતાનું પૂરું જોર લગાવી રહ્યા છે. દરમિયાન ચંદ્રપુરનાં એક મહિલા ઉમેદવારે મતદારોને રિઝવવા માટે એવું આશ્વાસન આપ્યું હતું કે લોકો ચોંકી ઉઠ્યા છે.
સામાન્યપણે પ્રચાર દરમિયાન ઉમેદવારો વિકાસ કામો કે મતદારોને રિઝવવા માટે જાત જાતની લલચામણી ઓફર આપતા હોય છે. પરંતુ ચંદ્રપુરની એક મહિલા ઉમેદવારે આપેલા આશ્વાસને તો લોકોની આંખો પહોળી કરી નાખી છે. આવો જોઈએ શું છે આખો માંઝરો અને કોણ છે આ મહિલા ઉમેદવાર…
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: મહારાષ્ટ્રની પહેલા તબક્કામાં મતદાનમાં જનારી પાંચ બેઠકોની સ્થિતિ
ચંદ્રપુર જિલ્લાના સિંદેવાહી તાલુકાના પેંઢરી ખાતે રહેતાં અખિલ ભારતીય પક્ષના ઉમેદવાર વનિતા રાઉતે મતદારોને રિઝવવા માટે અનોખું આશ્વાસન આપ્યું છે. વનિતા રાઉતે જણાવ્યું હતું કે જો તેઓ ચૂંટાઈ આવશે તો રેશનિંગની દુકાનમાં આનંદા ચા શિધા સાથે સાથે દારુ અને બિયર આપવાનું આશ્વાસન આપ્યું હતું. આ સિવાય બેરોજગાર યુવાનોને દારુની પરમિટ વેચવા બાબતે પણ તેમણે નિવેદન આપ્યું હતું.
આ પહેલાં વનિતા રાઉતે ચિમુર વિધાન સભાની ચૂંટણી લડતી વખતે પણ દારુને લગતા આશ્વાસનો લોકો સામે રજૂ કર્યા હતા. પરંતુ એ સમયે તેમની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી. દેશનું ભવિષ્ય નક્કી કરનારી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો જનતાની સમસ્યા અને મુદ્દાઓને આધારે સભા ગજાવતા હોય છે પણ વનિતા રાઉતે આપેલા આશ્વાસનની ચર્ચા ચારેકોર થઈ રહી છે.