આમચી મુંબઈમહારાષ્ટ્ર

ગેન્ગસ્ટર પ્રસાદ પૂજારી સ્ટુડન્ટ વિઝા પર હોંગકોંગ ગયો હતો: પોલીસ

મુંબઈ: ચીનથી પ્રત્યર્પણ કરી ભારત લાવવામાં આવેલા ગેન્ગસ્ટર પ્રસાદ પૂજારી ઉર્ફે સુભાષ વિઠ્ઠલે તેના ગુરુ એવા ગેન્ગસ્ટર કુમાર પિલ્લૈને મળવા હોંગકોંગની મુલાકાત લીધી હતી અને 2005માં પિલ્લૈની સલાહથી ચીની ભાષા તથા માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કરવા માટે સ્ટુડન્ટ વિઝા પર ચીનના આ વિશેષ પ્રશાસકીય પ્રદેશમાં સ્થળાંતર કર્યું હતું, એમ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ખંડણી વિરોધી શાખાની પૂછપરછમાં જાણવા મળ્યું હતું.

ચીનમાં પત્ની સાથે 20 વર્ષથી છુપાઇ રહેલા પૂજારીને 22 માર્ચે ભારત લવાયોે હતો. તેની વિરુદ્ધ વિક્રોલી, ઘાટકોપર અને એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં હત્યા, હત્યાનો પ્રયાસ તથા ખંડણીના આઠ ગુના નોંધાયેલા છે. પૂજારીએ અગાઉ હત્યાના પ્રયાસના કેસમાં અઢી વર્ષ જેલમાં વિતાવ્યા હતા. બાદમાં સપ્ટેમ્બર, 2005માં પૂરતા પુરાવાને અભાવે તે નિર્દોષ જાહેર થયો હતો.

આપણ વાંચો: ગેન્ગસ્ટરની પત્નીને ધમકી આપવા બદલ પકડાયેલો આરોપી હોસ્પિટલમાંથી ફરાર

વિક્રોલી પૂર્વના ટાગોરનગરમાં જન્મેલો અને ઊછરેલો પૂજારી હરિયાની વિલેજમાં પિલ્લૈના સાગરીત સાથે ક્રિકેટ રમતો. તે પિલ્લૈ જેવો ખૂનખાન ગેન્ગસ્ટર બનવા માગતો હતો. આથી પિલ્લૈ સાથે તેણે કામ કરવાનું શરૂ કર્યું હતું અને તેનો વિશ્ર્વાસુ બની ગયો હતો.

કોલેજના દિવસોમાં ચીની છોકરી સાથે પ્રેમસંબંધ બંધાયા બાદ પૂજારીએ તેની સાથે લગ્ન કરી લીધાં હતાં. તેમને 16, 9 અને 4 વર્ષના ત્રણ સંતાન છે. પૂજારીનો સસરો મોબાઇલ એસેસરીઝનો વ્યવસાય કરતો હતો, જે લગ્ન બાદ તેણે પોતાના હાથમાં લઇ લીધો હતો. તે હોંગકોંગમાં રહેતા પિલ્લૈના નિયમિત સંપર્કમાં હતો. ઉપરાંત ભારતમાં ખંડણી માટે બોલીવૂડના કલાકારો, રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓને કૉલ કરતો હતો. તેણે હોંગકોંગમાં રૂ. 40 કરોડની મિલકત બનાવી છે. ગયા વર્ષે ફૅક પાસપોર્ટ કેસમાં ચીનમાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

તે વિઝા અને પાસપોર્ટ સમાપ્ત થવા છતાં ચીનમાં ગેરકાનૂની રીતે રહેતો હતો. બાદમાં બીજિંગના ડિટેન્શન સેન્ટરમાં તેને લઇ જવાયો હતો, જ્યાંથી તેને ભારત લવાયો હતો. પૂજારીની માતા ઇન્દિરા 2009થી 2016 સુધી પાંચ વાર ચીન અને હોંગકોંગમાં તેને મળવા ગઇ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button