લખનઉ: ગેંગસ્ટરમાંથી રાજકીય નેતા બનેલા મુખ્તાર અન્સારીનું ગુરૂવારે ઉત્તર પ્રદેશના બાંદામાં અવસાન થયું હતું. અહેવાલો મુજબ બાંદા જેલમાં કેદ મુખ્તારને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેને બાંદા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. આજે પરિવારની હાજરીમાં મુખ્તારના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. મુખ્તારના દીકરા ઉમરે તેના પિતાની હત્યા થઇ હોવાનો આરોપ લગાવતા ન્યાયિક તપાસની માંગ કરી છે.
મળતી માહિતી મુજબ, તબિયત લથડ્યા બાદ, મુખ્તાર અંસારીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા બહાર પાડવમાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્તાર અંસારીને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને 9 ડોક્ટરની ટીમેં સારવાર આપી હતી. પરંતુ સારવાર દરમિયાન મુખ્તાર અન્સારીનું મોત થયું હતું.
અલ્હાબાદ હાઈકોર્ટમાં મુખ્તારના જેલમાં કેદ દીકરા અબ્બાસ અંસારીને પેરોલ પર મુક્ત કરવા માટે માંગ કરવામાં આવી છે. બે દિવસ પહેલા પણ મુખ્તાર અંસારી બીમાર પડ્યા બાદ પરિવારે વકીલો સાથે વાત કરી હતી. થોડા દિવસો પહેલા મુખ્તારે કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને જેલમાં જ સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.
મુખ્તારના ભાઈ અફઝલ અંસારીએ પણ મુખ્તારને ખોરાક સાથે ઝેર અપાઈ રહ્યાનો આરોપ લગાવ્યો હતો. મુખ્તારના દીકરા ઉમર અંસારીએ કહ્યું કે કાકા અફઝલનું નામ તેને મળવા આવનારાઓની યાદીમાં હોવા છતાં તેને તેના પિતાને મળવા દેવામાં આવ્યા ન હતા. જોકે ઝેર અંગેના દાવાઓ અંગે સત્ય પોસ્ટ મોર્ટમ રીપોર્ટ જાહેર થયા બાદ જ ખબર પડશે.
મુખ્તારના મોત અંગે ચાલી અટકળોને ધ્યાનમાં લેતા સમગ્ર ઉત્તર પ્રદેશમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સાથે બાંદા, મઉ, ગાઝીપુર સહિત અનેક જિલ્લાઓમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પોલીસે પ્રયાગરાજ, ફિરોઝાબાદ સહિત અનેક શહેરોમાં ફ્લેગ માર્ચ પણ કરી હતી. મુખ્તાર અંસારીના મોત બાદ બાંદા મેડિકલ કોલેજ કેમ્પસની આસપાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્તાર અંસારીએ ઉત્તર પ્રદેશમાં માફિયા તારીખે પ્રભુત્વ જમાવ્યું હતું, ત્યાર બાદ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 1996 માં, તેઓ બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા. મુખ્તાર અંસારી પાંચ વખત મઉથી વિધાનસભ્ય રહી ચૂક્યા છે. જેલમાં રહીને તેઓ ઘણી ચૂંટણી લડ્યા અને જીત્યા. મુખ્તાર સામે હત્યા, લૂંટ અને અપહરણ જેવા 60થી વધુ ગંભીર કેસ નોંધાયેલા છે. અત્યાર સુધીમાં તેમની 500 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.