અરવિંદ કેજરીવાલને આજે પણ રાહત નહીં, ઈડીના રિમાન્ડમાં વધારો
નવી દિલ્હીઃ દિલ્હી લીકર કેસમાં ધરપકડ કરવામાં આવેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને આજે પણ કોર્ટ તરફથી કોઈ રાહત મળી નહોતી. લીકર કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં આજે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના રિમાન્ડમાં વધારો કરવામાં આવતા મુશ્કેલીમાં વધારો થયો છે.
લઈ આજે ઈડીની ટીમ કોર્ટમાં પહોંચી હતી, જ્યાં ઈડી અને કેજરીવાલના વકીલ વચ્ચે જોરદાર દલીલ ચાલી હતી. દલીલો સાંભળ્યા પછી કોર્ટે કેજરીવાલને ઈડી રિમાન્ડની મુદત વધારી હતી. ગુરુવારે કેજરીવાલના 10 દિવસના રિમાન્ડ પૂરા થયા પછી કોર્ટમાં રજૂ કરીને વધુ સાત દિવસના રિમાન્ડ માગ્યા હતા. આજે આ કેસમાં કોર્ટે પહેલી એપ્રિલ, 2024 સુધી રિમાન્ડમાં વધારો કર્યો છે. હવે આગામી સુનાવણી પહેલી એપ્રિલ, 2024ના હાથ ધરવામાં આવશે.
પહેલી એપ્રિલના બપોરના બે વાગ્યે કોર્ટમાં હાજર કરવામાં આવશે. દિલ્હીના મુખ્ય પ્રધાનના રિમાન્ડ માગતી વખતે ઈડીએ કહ્યું હતું કે એક મોબાઈલ ફોન (અરવિંદ કેજરીવાલની પત્ની)માં ડેટા કાઢવામાં આવ્યો છે અને હાલમાં તેની તપાસ પણ કરવામાં આવી છે. જોકે, અન્ય ચાર ડિઝિટલ ડિવાઈસ પણ મળ્યા છે, જેને સીલ કરવામાં આવ્યા છે, જે 21 માર્ચ 2024ના દિલ્હી સીએમના પરિસરમાંથી તપાસ દરમિયાન મળ્યા હતા, પરંતુ તેમાંથી મહત્ત્વની વિગત બહાર કાઢવાનું બાકી છે, એવી ઈડીએ દલીલ કરી હતી.
આપણ વાંચો: Kejriwal-ED: અરવિંદ કેજરીવાલને રાહત મળશે! રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી પૂર્ણ
કોર્ટમાં બંને પક્ષની દલીલ વખતે એએસજી એસવી રાજુએ કહ્યું હતું કે કેજરીવાલનું નિવેદન નોંધવામાં આવ્યું છે. જોકે તેઓ સવાલોના સીધે સીધા જવાબો આપી રહ્યા નથી, ત્યાર બાદ ઈડીએ કેજરીવાલની સાત દિવસની કસ્ટડી માગી હતી. એએસજીએ કહ્યું હતું કે જે વિગતો અને ડેટા મળ્યા છે તેનું પરીક્ષણ થઈ રહ્યું છે. હાલના તબક્કે અમુક લોકોને ગોવાથી બોલાવવામાં આવ્યા છે, જ્યારે તેમને આમનેસામને બેસાડીને નિવેદનો લેવાના છે. બંન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે વધુ રિમાન્ડ મંજૂર કર્યા હતા.
કેજરીવાલે કોર્ટ સમક્ષ તેમની ધરપકડનો વિરોધ કરતા કહ્યું હતું કે આ કેસ બે વર્ષથી ચાલી રહ્યો છે. ઓગસ્ટ 2022માં સીબીઆઈમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એફઆઈઆર ઈસીઆઈઆર થઈ હતી. મારી ધરપકડ કેમ કરવામાં આવી, જ્યારે કોઈ પણ અદાલતે મને દાષી માન્યો નથી. ઈડીની ઈચ્છા ફક્ત મારી ધરપકડ કરવાની હતી.
મારું નામ ફક્ત ચાર લોકોના આધારે નોંધવામાં આવ્યું છે, જે લોકોએ મારા પક્ષમાં નિવેદન આપ્યા હતા તેમણે જબરદસ્તી મારા વિરોધમાં નિવેદન અપાવ્યા હતા. આ લોકો આપ (આમ આદમી પાર્ટી)ને તોડવા માગે છે એવો દાવો કરવામાં આવ્યો હતો.