આમ આદમી પાર્ટીને PM આવાસનો ઘેરાવ કરવાની મંજૂરી નહીં, દિલ્હી પોલીસનું કડક બંદોબસ્ત

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) એ મંગળવારે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને ઘેરાવ કરવાની હાકલ કરી છે (AAP gherao of PM residence). જોકે, દિલ્હી પોલીસનું કહેવું છે કે કોઈને પણ વિરોધ કરવાની મંજૂરી નથી. તેમજ કોઈ પણ પ્રકારની કૂચની મંજૂરી આપવામાં આવશે નહીં. દિલ્હી પોલીસે કહ્યું કે જો કોઈ આવશે તો તેને તરત જ રોકી દેવામાં આવશે. પટેલ ચોક અને PM આવાસ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
દિલ્હી ટ્રાફિક પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, વિરોધને કારણે નવી દિલ્હી અને મધ્ય દિલ્હી વિસ્તારોમાં ટ્રાફિક પ્રભાવિત થઈ શકે છે. દિલ્હી પોલીસના અધિકારીએ જણાવ્યું કે, કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અમે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અનેક સ્તરની સુરક્ષા વ્યવસ્થા કરી છે.
અધિકારીએ કહ્યું કે, કલમ 144 (ફોજદારી કાર્યવાહી સંહિતાની) વડાપ્રધાનના આવાસની આસપાસ પહેલેથી જ લાગુ છે અને કોઈને પણ વિરોધ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કેજરીવાલની ધરપકડના વિરોધમાં દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે મંગળવારે વડાપ્રધાનના આવાસનો ઘેરાવ કરવાની યોજના જાહેર કરી હતી.જ્યારે, પંજાબ સરકારના શિક્ષણ પ્રધાન હરજોત સિંહ બેન્સ પટેલ ચોક મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 2 પાસે હડતાળ પર બેઠા છે. જો કે, દિલ્હી પોલીસે હરજોત સિંહ બેન્સ સહિત ઘણા AAP નેતાઓની અટકાયત કરી છે.