નેશનલ

Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી; પરિવાર નજરકેદ હેઠળ!

નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની EDએ કરેલી ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, મુખ્ય ન્યાયાધીશે અરજીને સ્પેશિયલ બેંચ સમક્ષ મોકલી દીધી હતી. હવે કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લીધી છે.

કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચને આ અંગે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે કેજરીવાલના રિમાન્ડ પર નીચલી કોર્ટમાં સુનાવણી થવાની છે, એટલા માટે અમે અહીંથી અરજી પાછી ખેંચી રહ્યા છીએ.

અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે નહીં. આ વાતની પુષ્ટિ ખુદ અભિષેક મનુ સિંઘવીએ કરી છે. ન્યાયાધીશ સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટની સ્પેશિયલ બેન્ચ ધરપકડ સામેની તેમની અરજી પર સુનાવણી કરવાની હતી.

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પ્રધાન ગોપાલ રાયે આજે સવારે દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલના પરિવારને ઘરમાં નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા છે. અધિકારીઓએ તેમને પરિવારની મુલાકાત લેતા અટકાવ્યા હતા. તેમણે કહ્યું કે “હું અહીં તેમના પરિવારને મળવા આવ્યો છું પરંતુ તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. કયા કાયદા હેઠળ મને તેમના પરિવારને મળવાથી રોકવામાં આવી રહ્યો છે?”

AAP નેતા સૌરભ ભારદ્વાજે પણ દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર કોઈને કેજરીવાલના પરિવારને મળવા દેતી નથી. તેમણે કહ્યું કે “ભૂતકાળમાં પણ અનેક રાજકીય ધરપકડો કરવામાં આવી છે. જો કે, માનવીય મૂલ્યો, જેને અંગ્રેજો પણ માનતા હતા, તેનું પાલન કરવામાં આવી રહ્યું નથી. કેન્દ્ર સરકારે ગઈકાલથી કોઈને અરવિંદ કેજરીવાલના પરિવારને મળવાની મંજૂરી આપી નથી.” AAP નેતા આતિશીએ દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલની ધરપકડ ભાજપના રાજકીય ષડયંત્રના કારણે કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button