આમચી મુંબઈમહારાષ્ટ્ર

Pod Taxiનો ડેપો BKCમાં બનાવવામાં આવશે

મુંબઈ: મુંબઈથી અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનના પ્રકલ્પ માટે બીકેસી ખાતે સૌથી પહેલું બુલેટ ટ્રેનનું સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે, જ્યારે વધુ એક પ્રોજેક્ટ માટે બીકેસીનો ઉપયોગ કરવામાં આવશે. મુંબઈમાં કુર્લાથી બાંદ્રા વચ્ચે પોડ ટેક્સી દોડાવવાની યોજના છે, ત્યારે તેના માટે બીકેસીમાં ડેપો બનાવવામાં આવશે.

એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી)એ બાંદ્રાથી કુર્લા વાયા બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) સુધી પોડ ટેક્સી સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તદનુસાર, એમએમઆરડીએ એ તાજેતરમાં પોડ ટેક્સી રૂટના બાંધકામની સાથે પોડ ટેક્સી સેવાના સંચાલન, જાળવણી માટે ટેન્ડર બહાર પાડ્યા છે. એમએમઆરડીએ આ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવાની અને શક્ય તેટલી વહેલી તકે કામ શરૂ કરવાની યોજના ધરાવે છે.

દરમિયાન, આ પોડ ટેક્સી પ્રોજેક્ટનો ડેપો બીકેસીમાં ૫૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં બાંધવામાં આવશે. આ ડેપોમાં એક સમયે ૨૦૮ પોડ ટેક્સી પાર્ક કરી શકાશે અને આ ટેક્સીનું મેન્ટેનન્સ અને રિપેરિંગ પણ અહીં કરવામાં આવશે. બીકેસીમાં ટ્રાફિકની ભીડને હળવી કરવા એમએમઆરડીએએ પોડ ટેક્સી સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટ જાહેર-ખાનગી ભાગીદારી દ્વારા અમલમાં આવશે.

આ પોડ ટેક્સી બાંદ્રા રેલવે સ્ટેશનથી કુર્લા રેલવે સ્ટેશન વાયા બીકેસી ૮.૮ કિ.મી.ના અંતરે ચલાવાશે. બીકેસીમાં એમટીએનએલ જંક્શનથી કુર્લા રેલ્વે સ્ટેશન સુધી બેસ્ટ બસ દ્વારા મુસાફરી કરવામાં ૨૫થી ૩૦ મિનિટનો સમય લાગે છે, પરંતુ છ પેસેન્જરના ક્ષમતાવાળી પોડ ટેક્સી માત્ર પાંચ મિનિટમાં આ અંતર કાપી શકશે.

ટેન્ડર દસ્તાવેજો ૧૨ માર્ચના જાહેર થવાના હતા. પરંતુ હવે ટેન્ડર દસ્તાવેજો ૨૬ માર્ચે પ્રકાશિત કરવામાં આવશે, એમ એમએમઆરડીએના અધિકારીએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button